હોમ
ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય
-
ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય
ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય,
કાનુડો ગોપીનો છેડલો ઘેરાય.
મેલો મેલો કાનજી અમારાં ચીર,
હું તારી બેનડીને તું મારો વીર.
કોણશ બેનડીને કોણશ વીર,
તમે ગોપીને અમે બાવલવીર.
છેડલો ફાટયો ને ગોપી રાવે ગઈ.
જશોદાને મંદર જઈ ઊભી રૈ.
માતા જશોદા, તમારો કાન,
નિત્ય નિત્ય મહીંના માગે દાણ.
દાણ માગે ને વળી લૂંટી ખાય,
એવા ગોકળિયામાં કેમ રહેવાય ?
જાઓ ગોપીઓ તમારે ઘેર,
કાનો આવે તો માંડું વઢવાડય.
સાંજ પડીને કાનો આવ્યો ઘેર્ય,
માતા જશોદાએ માંડી વઢવાઢય.
માતા જશોદા તમારી આણ
જુઠડી ગોપીઓ ભેળી થાય.
વંનમાં ચારું હું એકલો ગાય,
ચાર પાંચ ગોપીઓ ભેળી થાય.
એક આવે ને મારી ઝાલે બાંય,
બીજી આવે ને મારો મુગટ ઘેરાય.
ત્રીજી આજે ને મારી મોરલી ઘેરાય,
ચોથી આજે ને મારો ઝાલે પાય.
આવી આવી વપત્યું વનમાં થાય,
તોય માડી ગોપી રાવ કેમ ખાય ?
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com