હું તો ગઈ’તી રે, જળ જમનાને આરે,
કે ગવરી પૂજીને પાછી ફરી રે.
હું તો માગું રે મારા બાપનાં રાજ,
કે, માતા સદાય સુવાસણી રે.
હું તો માગું રે, મારા સસરાનાં રાજ,
કે, સાસુ સદાય અખોવંતા રે.
હું તો માગું રે, મારા જેઠનાં રાજ,
કે, દેરાણી જેઠાણીનાં જોડલાં રે.
હું તો માગું રે, મારા વીરનાં રાજ,
કે, ભોજાઇ તે હાલરહુલણે રે.
હું તો માગું રે, મારાં પૂતરનાં રાજ,
કે વવારું તો બેટડો ધવરાવતાં રે.
હું તો માગું રે, મારી ધેડીના; રાજ,
કે ઢીંગલે પોતીએ રમતાં દીઠડાં રે.
હું તો માગું મારા કંથનાં રાજ,
કે ચાંદલો, ચૂડલો ને ટીલડી રે.