
રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્કાર પણ સંપન્ન કરવામાં આવે છે. આ સંસ્કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્કાર વિધી એટલે જ ઉપનયન સંસ્કાર આ ઉપનયન સંસ્કારોનો આદેશ આપણા વેદશાસ્ત્રોએ આપ્યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરવા અને ભક્ત પ્રભુની ભક્તિ કરવા માટે વિધીવત્ રીતે યોગ્ય બને છે.
આ યજ્ઞોપવીત ધારણા કરવાના સંસ્કારથી વ્યકિતને નવો જ દિવ્ય દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. જે રીતે વ્યકિત સ્નાન કરવાથી હળવો ફૂલ થઈ જાય છે તે જ રીતે તેને સંસારને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આ જનોઈ ધારણ કરવાની વિધીમાં નાના છોકરાને લંગોટ પહેરાવવામાં આવે છે, તેમજ યજ્ઞોપવીતનો સ્વીકાર કરતી વખતે કમરે મેખલા (કંદોરો) બાંધવામાં આવે છે.
હાથમાં દંડ આપવામાં આવે છે તેમજ મૃગાજીન પણ ધારણ કરાવવામાં આવે છે. નાના છોકરાને ધારણ કરાવવામાં આવતી જનોઈ (યજ્ઞોપવીત) નવ તાંતણાઓની બનેલી હોય છે.
આ સમગ્ર ઉપનયન સંસ્કારમાં અનુસરવામાં આવતી દરેક વિધી પાછળ ચોક્કસ ઉદ્દેશ્યો રહેલા છે. બાળકને જે લંગોટ બંધાવવામાં આવે છે એટલે મનમાં રહેલા વિકારો, વિષય વાસનાઓ તેમજ ખોટા વિચારો ઉપર નિયંત્રણ મૂકવું. જેથી શરીરમાં શકિતરૂપ રહેલ વીર્ય વેડફાઈ ન જાય. વીર્ય ઉપર સંયમની લગામ મૂકવામાં આવે તો સાંસારીક ભોગવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રીત ન થાય અને વ્યક્તિમાં અખંડ ઉર્જાનું નિર્માણ થાય જે સતકર્મો પાછળ વાપરી શકાય. આ ઉપનયન સંસ્કાર દરમ્યાન કમરે કંદોરો બાંધવામાં આવે છે. અર્થાત એવું કમર બંધન જે વ્યકિતને જીવનમાં ઉભા થતાં પડકારો અને સંઘર્ષો સામે લડવાનો દ્ર્ઢ સંકલ્પ પુરો પડે. આ વિધી દરમ્યાન બાળકના હાથમાં જે દંડ ધારણ કરાવવામાં આવે છે. અર્થાત સ્વનિયંત્રણ, પોતાની જાત ઉપર પોતે જ દ્રઢ શાસન કરવું જેથી આત્મબળના સંચય થાય અને બહારના જે આક્મણો થાય તેનો મક્કમતાથી મુકાબલો થઈ શકે. યજ્ઞોપવિતમાં નવ તાતણા રાખવામાં આવે છે. તે ઉપર નવ દેવનો વાસ હોય છે. જેમાં સોમ, અગ્નિ, નાગ, સોમ, પિતૃઓ, પ્રજાપતિ, વાયુ, યમ તેમજ વિશ્વ દેવનો સમાવેશ થાય છે. આ દેવોના વાસને કારણે વ્યકિતને પુજયભાવ અને પવિત્રતાનો અનુભવ થાય છે અને તેનું જીવન સંયમિત બને છે, અને તેનામાં દ્રઢ વિશ્વાસ ઉભો થાય છે કે જીવન સંગ્રામમાં તેનો પરાજય થશે નહિ.