લાકડું શા કારણે કોહી જાય છે, સડી જાય છે ?
લાકડું સડી જાય છે કે કોહી જાય છે તે આપણે જોઇએ છીએ, જાણીએ છીએ. જો કે, કેટલાંક એવા પ્રકારનાં લાકડાં જરૂર છે, જે પાણીમાં રાખવાં છતાં સડી જતાં નથી. યુરોપમાં આવેલું વેનિસ એક એવું આખું શહેર છે કે જે લાકડાના ગંજ ઉપર જ બાંધવામાં આવ્યું છે. અને તે લાકડાં અનેક વર્ષોથી સમુદ્રના પાણીમાં જ હોવાં છતાં સેંકડો વર્ષ ટકે છે.
આ લાકડાં સડતાં નથી તેનું કારણ એ છે કે, જે વસ્તુઓ અથવા પદાર્થો લાકડાને સડાવે છે, અથવા જેમનાથી લાકડું સડી જાય છે, તે તેમના પર આક્રમણ કરી શકતાં નથી. લાકડું કારણ વિના સડતું નથી. લાકડાંને ભેજ લાગે ત્યારે તે સડે છે. જો તેને ભેજ ન લાગે તો તે સડતું નથી. જયારે કેટલાંક લાકડાં ભેજ લાગે તો પણ તે સડતાં નથી. રેલવેના સલેપાટમાં જે લાકડું વાપરવામાં આવે છે કે, તેને (CRE’OSOTE) લાકડાના ડામરમાંથી ગાળેલા એક પ્રકારના તેલમાં ભીંજવવામાં આવે છે. આ ક્રિઅસોટ તત્વ રોગનું અથવા આથાનું કારણ બનતાં જંતુઓ કે જીવો (MICROBES) માટે ઝેર સમાન છે, તેથી તે લાકડામાં આવા જીવાણુઓને રહેવા દેતું નથી.
લાકડું સડવાનું કારણ આવા જંતુઓ / જીવાણુઓ છે. તે ભેજવાળા લાકડામાં ઉત્પન્ન થાય છે અને તેથી તે લાકડું સડે છે. જો કોઇ લાકડાની ઉપર કે અંદર આવા જંતુઓને મારી નાખે તેવો પદાર્થ મૂકવામાં આવે તો તે લાકડું સડતું નથી, કારણ કે આ પદાર્થ એવો સખત હોય છે કે, પેલા જંતુઓ તેને ખાઇને પચાવી શકતા નથી. ખારું પાણી પણ આવા જંતુઓથી લાકડાને બચાવે છે.