
ભારતીય સંસ્કૃતિમાં લગભગ દરેક રૂઢિ, નિયમ અને વિધિ પાછળ સબળ કારણો છે. દાખલા તરીકે પૂજાવિધિ કે હોમહવન બાદ ત્રણવાર 'શાંતિ, શાંતિ, શાંતિઃ' બોલવાની પ્રથા છે. એની પાછળ શું પ્રયોજન છે ? સૌથી પહેલી વાત તો એ કે કોઈ પણ વાત ત્રણ વાર કહેવાય એટલે એ સાચી પડે છે. બીજું, બધાં જ દુઃખ અને ઉપાધિઓના મૂળ ત્રણ સ્ત્રોત છે. કયા કયા છે એ સ્ત્રોત અને શાંતિ ત્રણ વાર બોલવાથી એમાં શું ફેર પડે છે ?
શાંતિ આત્માની સહજ અવસ્થા છે. આપણા પોતાના થકી કે બીજાઓ વડે જ ક્ષોભ ઉત્પન્ન થાય છે. દા.ત. કોઈ પણ સ્થળે જયાં સુધી કોઈ અવાજ ન કરે ત્યાં સુધી ત્યાં શાંતિ પ્રવર્તતી હોય છે. આપણા સઘળા ક્ષોભના મૂળમા શાંતિ અનુભવાય છે. કારણ કે તે તો ત્યાં સદાય હતી જ. જયારે શાંતિ હોય છે ત્યારે સુખ હોય છે, તેથી નિરપવાદ રૂપે દરેક વ્યકિત જીવનમાં શાંતિ ઈચ્છે છે. તેમ છતાં, અશાંતિના આવરણ નીચે ઢંકાયેલી હોવાથી આંતરબાહ્ય શાંતિ પ્રાપ્ત કરવી અઘરી લાગે છે. બાહ્ય ધાંધલ અને મુસીબતો વચ્ચે પણ અંદર શાંત રહી શકે તેવા તો કો' ક વિરલા જ હોય છે. શાંતિનું આવાહન કરવા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરવાથી અશાંતિ અને મુશ્કેલીઓનો અંત આવે છે અને બહારની અશાંતિ છતાં આંતરિક રીતે શાંતિ અનુભવાય છે. એટલે પ્રાર્થનાના અંતે ત્રણ વખત શાંતિ બોલાય છે.
આપણે શા માટે ત્રણ વાર શાંતિ બોલીએ છીએ ?
કોઈ વાત ત્રણ વખત કહેવાય એટલે એ સાચી ઠરે છે. કોઈ બાબત ભાર દઈને કહેવા માટે ત્રણ વાર કહેવાય છે. ન્યાયલયમાં પણ સાક્ષી સત્યવ્રત લેતા કહે છે- " હું સત્ય કહીશ , સંપૂર્ણ સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કશું જ કહીશ નહીં." આપણી શાંતિની તીવ્ર ઈચ્છા વ્યકત કરવા માટે આપણે ત્રણ વાર શાંતિ બોલીએ છીએ.
સઘળાં દુઃખ અને ઉપાધિઓ ત્રણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છેઃ
૧. આધિદૈવિકઃ ધરતીકંપ, પૂર, જવાળામુખી જેવા બધાં અર્દશ્ય દૈવી પરિબળો, કે જેમના ઉપર આપણું નિયંત્રણ નથી.
૨. આધિભૌતિકઃ અકસ્માત, પ્રદુષણ, ગુનાખોરી, માનવસંસર્ગ જેવાં આપણી આસપાસનાં પરિબળો, અને
૩. આધ્યાત્મિકઃ બીમારી, ક્રોધ, વિફળતા વગેરે જેવા મનોદૈહિક પરિબળો.
આપણે નિષ્ઠાપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જયારે આપણે વિશેષ કાર્યો હાથ ધરીએ ત્યારે આપણા દૈનિક જીવનમાં ઉપર જણાવેલાં ત્રણ પ્રકારનાં દુઃખ ન આવે, ઓછામાં ઓછાં આવે. માત્ર શાંતિ જ સર્વત્ર પ્રવર્ત.
તેટલા માટે ત્રણ વખત શાંતિ બોલાય છે.
પ્રથમવાર, અર્દશ્ય શકિતઓને ઉર્દેશીને ઉચ્ચ સ્વરમાં બોલાય છે. બીજીવાર, આપણી આસપાસના પર્યાવરણને નિર્દેશીને તે થોડા ધીમા સ્વરમાં બોલાય છે અને છેલ્લી વખત તો પોતાના અંતરાત્માને ઉર્દેશીને હોવાથી અતિ ધીમા સ્વરમાં બોલાય છે. આમ બોલાતાં અંદર- બહાર શાંતિ ફેલાય છે.