ડો. રમેશભાઇ ભયાણી
લોહીને કુદરતની અનમોલ ભેટ માનવામાં આવે છે. ઉગતા સૂરજનો રંગ, સૌભાગ્યના સિંદૂરનો રંગ, ઉમંગ અને ઉત્સાહના ગુલાલનો રંગ, જાસૂદનો, કેસૂડાનો ગુલમહોરનો રંગ, પ્રેમ અને નફરતનો રંગ, ત્યાગ અને સમર્પણનો રંગ, સૌ રંગથી ચડિયાતો છે. એક રંગ એ છે લોહીનો લાલ રંગ, લોહી એક જીવંત પ્રવાહી છે શરીરમાં લોહી છે તો જીવન છે વિજ્ઞાને માનવ લોહીને નાથ્યું છે, માનવ રકતની સારવાર ન જાણે અત્યાર સુધી કરોડો લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે. માનવ લોહી એટલે કે માનવ રકત એક ચમત્કાર છે. વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને હિમેટોલોજિસ્ટો આ રકતના ગૂઢ રહસ્યોનો તાગ મેળવવા મથી રહ્યાં છે.
લોહીને જરૂરીયાતો માટે રકતદાન કરવું પડે છે એટલે કે એક માનવીની લોહીની જરૂરીયાત બીજો માનવી જ પૂરી પાડી શકે, આ રકત વિશ્ર્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતીક છે. માનવ રકત કૃત્રિમ રીતે બનાવવામાં હજુ સંપૂર્ણપણે સફળતા મળી નથી પરંતુ આ ક્ષેત્રે ખૂબ સંશોધનો થયા છે.
પુખ્ત ઉંમરના માનવીમાં સરેરાશ ૪.૭ લીટર જેટલું લોહી રહેલુ હોય છે. લોહીના બે ભાગ પડે છે એક પ્લાઝમા એટલે કે રૂધિરસ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે તેનું પ્રમાણ ૫૫ થી ૬૫ ટકા જેટલું છે. તેમાં પ્રોટીન જેવા રસાયણો રહેલા હોય છે. બાકીના ભાગમાં ત્રણ પ્રકારના કણો હોય છે રકતકણ, શ્ર્વેતકણો અને ત્રાકકણો, લોહી દ્વારા શરીરના તમામ અંગોને હવામાંથી પ્રાણવાયુ એટલે કે ઓકિસજન પૂરો પાડવામાં આવે છે. રકતકણો અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. તેનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબિનને કારણે હોય છે હિમ એટલે કે લોહ આર્યન અને ગ્લોબિન પ્રોટીન છે. રકતપ્રવાહમાં ભળ્યા પછી રકતકણોનું આયુષ્ય ૧ર૦ દિવસનું હોય છે. આ રકતકણો યકૃત એટલે કે લીવર તથા બરોળ (સિપ્લીન)માં નાશ પામે છે. નવા રકતકણો બનતા જાય છે. રકતકણો શરીરમાં પ્રાણવાયુ પૂરા પાડે છે. તેમ શ્ર્વેતકણ શરીરનું રક્ષણ કરે છે. આ રીતે લોહી શરીરનું જીવંત પ્રવાહી છે. પરંતુ આ લોહી મેળવવા માટે રકતદાતાઓ ઉપર આધાર રાખવો પડે. ઉપરોકત લોહીના જુદા જુદા જૂથ હોય છે એ. બી. એબી અને ઓ તે ઉપરાંત લોહીના રહેનિયસ ફેકટર ઉપર આધાર રાખે છે જે પોઝીટીવ અથવા નેગેટીવ હોઇ શકે, દર્દીના લોહીના પરીક્ષણો કરી ત્યારબાદ તેમને અનુકુળ હોય તેવું જ લોહી આપવું જોઇએ.
પરંતુ તાજેતરમાં લોહી અંગે થયેલા સંશોધનોમાં લોહીના જૂથને લોહીમાંથી દૂર કરવામાં અત્યારે પ્રાથમિક ધોરણે સફળતા મળી છે. પુરેપુરી સફળતા મળતા કોઇપણ જુથના લોહીમાંથી જૂથને દૂર કરી કોઇપણને લોહી આપી શકાશે. આમ છતાં લોહી માટે આધાર તો રકતદાતા પર જ રહેલો છે.
હવે તબીબી વિજ્ઞાનક્ષેત્રે જે સંશોધનો થયા છે તે અનુસાર સફેદ રંગનું લોહી જોવા મળશે. તે પણ કૃત્રિમ રીતે તૈયાર થયેલું, જેથી મેડિકલ સ્ટોર્સમાં સહેલાઇથી પ્રાપ્ત થઇ શકે, નવાઇ લાગે છે ને ! પરંતુ આ શકય બનશે. પરંતુ એટલું ચોક્કસ છે કે કુદરતી લોહી સાથે આ કૃત્રિમ લોહીની સરખામણી ન થઇ શકે. પરંતુ આથી ફાયદો એ થશે કે ઘણી હોસ્પીટલોમાં સમયસર પૂરતા પ્રમાણમાં જરૂરી જૂથનું લોહી ના મળવાના કારણે ઘણા દર્દીઓના મૃત્યુ થતા હોય છે. કોઇવાર ડોકટરો લાચાર બની જાય છે. સગા-વ્હાલાઓ પણ કાંઇ કરી શકે તેમ ન હોય એવું પણ બનતું હોય છે સાથોસાથ બીજી બાજુ લોહીની માંગ વધતી જાય છે લોહીની જરૂરીયાતના પ્રમાણમાં રકતદાતા દ્વારા મળતાં લોહીનું પ્રમાણ ઓછું છે આથી હંમેશાં લોહી સમયસર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી રહે છે. આથી વૈજ્ઞાનિકો લોહીની તંગી હોય ત્યારે તેની અવેજીમાં કૃત્રિમ લોહી અંગેના સંશોધનો કરવાનું નક્કી કરેલ, તેમાં થોડે અંશે સફળતા પણ મળી છે પરંતુ તેમની આડઅસરો થતી હોવાને કારણે તેઓ હજુ સંશોધનો કરવામાં લાગી પડયા છે. કૃત્રિમ લોહી એવું હોવું જોઇએ કે જે પોતાનામાં ઓકિસજનને ભેળવી શકે, તેમજ આ લોહી સુરક્ષીત જંતુરહિત તથા ઉપયોગમાં લીધા પછી શરીરમાંથી બહાર કાઢી શકાય તેવું હોવું જોઇએ, સામાન્ય લોહી જે કુદરતી છે તેમાં રહેલા લાલકણોનું આયુષ્ય ૧ર૦ દિવસનું છે. ત્યારબાદ લોહી નકામું બની જાય છે.
આથી લોહીમાંથી લાલકણ અલગ કરી લેવા, અને હિમોગ્લોબિનના અણુઓ અલગ રીતે તારવવામાં સફળતા મેળવી છે. ઉપરાંત લોહીના જુથ ગ્રુપને રકતકણોના આવરણમાંથી દૂર કરવા રકતકણો પર જે આવરણ ચઢે તેને સ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે. તેને અલગ કરવામાં આવે તો હિમોગ્લોબિનના ત્રણ-ચાર ટૂકડા થઇ જાય છે અને આ ટૂકડાઓ એટલા બધા નાના હોય છે. કે પેશાબવાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. અથવા ભક્ષક કોષો દ્વારા તેની સંખ્યા ઘટી જાય છે. તેને કારણે શરીરમાં ઓકિસજનનાં પરિભ્રહ્મણ પર અસર પડે છે.
વૈજ્ઞાનિકોએ સંશોધનકર્તા એવું રસાયણ શોધી કાઢયુ કે જે હિમોગ્લોબિનના અણુઓને તૂટવા દેતું નથી તેમજ શરીરને નુકશાન કરતુ નથી. વૈજ્ઞાનિકોને સંશોધન કરતા જણાયું કે હિમોગ્લોબિનના અણુઓની સાથોસાથ બીજુ એક એવું રસાયણ છે જે હિમોગ્લોબિનના અણુઓની જોડાવાની જરૂરીયાત સરળ બનાવે છે. સ્ટ્રો વગરના હિમોગ્લોબિન પ્રાપ્ત કરવાની સમસ્યા અંગે કેલિફોર્નિયા ખાતેના વૈજ્ઞાનિક ડીબેનુરોએ સારૂ એવું સંશોધન કર્યુ છે. લોહીમાં જો વધુ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં આવે તો લોહીની તરલતા ઘટી જાય તેથી અંગિકાને મળતી પાણીની માત્રા ઘટી જાય પરીણામે ઓકિસજન વહન કરવાની શકિત ઘટી જાય છે. આવી મુશ્કેલી જે જોવામાં આવી તેને દૂર કરવા માટે વૈજ્ઞાનિક થામસ ચેગેએ ઘણુ સંશોધન કર્યુ છે. તેમણે હિમોગ્લોબિનના અણુઓને કૃત્રિમ રીતે કોશિકાઓમાં દાખલ કરી બંધ કરવાની વાત કરી આ કોષીકાઓને લાઇસોસોમ કહેવામાં આવે છે. કોશિકાઓ જે કોલેસ્ટરોલ અને લિપિડમાંથી બનેલી હોય છે. તે હિમોગ્લોબિનના અણુઓને બહાર નીકળવા દેતી નથી ઉપરાંત તે ઓકિસજન અને કાર્બન ડાયોકસાઇડની અવરજવરમાં નડતરરૂપ નથી. આ રીતે કૃત્રિમ લોહી બનાવવાનો રસ્તો સરળ બન્યો અને જે કૃત્રિમ લોહી તૈયાર કરવામાં આવ્યું તેના પ્રયોગો પ્રાણીઓ ઉપર કરવામાં આવ્યા.
૧૯૭૮માં ફલુઓસોલ-ડી એ નામનું કૃત્રિમ લોહી બજારમાં મુકવામાં આવ્યુ, આવુ લોહી ગ્રીનક્રોસ કોર્પોરેશન કંપનીએ પ્રથમ બનાવ્યું અને પોતાના કર્મચારી પર પ્રયોગો કરવામાં આવ્યા છે. ઘણાને કૃત્રિમ લોહી શરીરમાં દાખલ થતા થોડી આડ અસરો થવા લાગી આથી તેમાં પણ સુધારા કરવામાં આવ્યાં.
નાઇસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક જીનરીસે જણાવ્યું કે ફલુઓસોલ-ડીમાં ઘણી ખામીઓ છે. જેને કારણે આડઅસરો થાય છે. પરફલઓ કાર્બનથી તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ લોહી જે દર્દીને આપવાનું હોય છે. તેને ઓકિસજન આપવો જરૂરી બની જાય છે.
કારણ કે પરફલુઓ અને કાર્બન સાથે ઓકિસજન વચ્ચે કોઇ રાસાયણિક જોડાણો કે સંબંધ નથી. આથી કૃત્રિમ લોહીથી થતી આડ અસરો દૂર કરવા માટે જાપાનની ગ્રીનક્રોસ કોર્પોરેશન અને કેલિફોર્નિયા ખાતેની ‘અલ્ફા થેરેપ્યુટિકસ’ કંપનીના વૈજ્ઞાનિકો નાઇટ્રોજન યુકત અન્ય પરફલુઓરો કાર્બન બનાવવા અંગે સંશોધનો કરી રહ્યા છે. અને આ લોહી લાલને બદલે સફેદ હશે અને તેનું ઉત્પાદન ખૂબ સરળ બનશે. મેડિકલ સ્ટોર્સમાં સહેલાઇથી મળશે. તાત્કાલિક સારવારમાં જયારે કુદરતી લોહી ન મળતા આ સફેદ રંગના કૃત્રિમ લોહી આપી શકાશે, આ કૃત્રિમ સફેદ લોહી કુદરતી રીતે મળતા લાલ લોહી જેટલું સક્ષમ તો નથી જ, પરંતુ આકસ્મિક સંજોગોમાં કૃત્રિમ સફેદ લોહી જરૂર મદદરૂપ થઇ શકશે.