
રાજા સિદ્ધરાજના સમયમાં થયેલા હેમચંદ્રચાર્યજીએ ભૂમિમાં જળ ક્યાં છે તેનો "ભૂમિજળ વિદ્યા" પુસ્તકમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જળવિજ્ઞાન પર લખેલ સૂચનો વૈજ્ઞાનિક રીતે સત્ય ઠર્યા છે. પ્રાચીન સમયમાં વાર, ગજ, ફુટ, મીટર જેવા માપ નહોતા એટલે હેમચંદ્રાચાર્યજીએ હાથપુર, માણસપુર, આંગળ અને બિલ્લાસ જેવા શબ્દો વાપર્યા છે.
જળની માત્રા પૃથ્વીમાં કેટલી છે તે જેતે સ્થાનની પ્રકૃતિનો સ્વભાવ પણ દર્શાવે છે. પૃથ્વીમાં પાણી ક્યાં અને ક્યા સ્થળે મળશે ? કેટલી ઉંડાઈએ મળશે ? તેમજ પાણીમાં ક્યા – ક્યાં તત્વો હોય છે. તેવું દર્શાવતી "ભૂમિજળ વિદ્યા" આશ્ચર્યજનક છે. કેમ કે પાણીનું પ્રાપ્તિ સ્થાન, ઉંડાઈ તથા પ્રકૃતિ વગેરે વૃક્ષ દ્વારા જાણી શકાય છે. તેનો તેમણે જળવિદ્યામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે વૃક્ષનું થડ, પાંદડા, રંગ વગેરે પરથી પાણી ક્યા ક્યા સ્થળે અને કેટલી ઉંડાઈએ છે તે જાણી શકાય છે.

પ્રાચીન ભારતના હેમચંદ્રચાર્યજી જેવા જ્યોતિષ મહર્ષિ દ્વારા "ભૂમિજળ વિદ્યા" (જળ વિજ્ઞાન) માં ઉલ્લેખ કર્યા પ્રમાણેના સંશોધનો / આગાહીઓ નીચે મુજબ છે :
• જ્યાં કોમળ પણ લાંબી ડાળવાળાં નાનાં પણ લીલાંછમ વૃક્ષો જોવામાં આવે તો તેની (પાસે) આસપાસ પચ્ચીસ હાથ ઉંડે જમીન ખોદતાં પાણી મળી આવે છે.
• જે જમીનમાં ભોયરીંગણી, સાટોડી અને વજ્રદંતી જેવી – વનસ્પતિ થતી હોય તો ત્યાંથી દક્ષિણ દિશામાં ત્રીસ હાથ ઉંડે ખોદવાથી મીઠું અમૃત જેવું પાણી મળી આવે છે.
• સાપના રાફડાની આજુબાજુ તાડ, નાળિયેરી કે ખજૂરના ઝાડ હોય તો તેની પશ્ચિમ દિશાની જમીનમાં ૩૨ (બત્રીસ) હાથ દૂર જમીન ખોદતાં ૨૫ હાથે મીઠું જળ મળી આવે છે.
• જે જમીનની આજુબાજુ નદી, તળાવ કે ઝરણું ન હોય છતાં જમીન પર વેલા-ઘાસ, દરો લીલાછમ દેખાય તો ત્યાં સોળ હાથ ઉંડે ખોદતાં પાણી મળે છે.
• જે સ્થળે ગાયો રોજ લીલુ ઘાસ ચરે છતાં કાયમ ઘાસના થર ચાલુ રહેતા હોય ત્યાં પુષ્કળ પાણી મળે છે.
• જ્યાં મકાન, ઘર કે વસ્તી ન હોય છતાં કીડી-મંકોડાના રાફડા વધુ દેખાય ત્યાં અગિયાર હાથ ઉંડે પાણી મળે છે.
• જે જમીન ખોદતાં માટીની કમળ જેવી સુગંધ આવતી હોય, અરણ્ય જેવી ભૂમિ હોય, હિંસક પશુ રહેતાં હોય, પક્ષીનાં ટોળેટોળાં વૃક્ષ પર હોય ત્યાં પંદર હાથ ઉંડે ખોદતાં પાણી મળે છે. • જે જમીન સુકાઈને તિરાડો પડી ગઈ હોય, પણ માટીનો સ્વાદ મીઠો લાગતો હોય – નજીકમાં સાપનો રાફડો હોય તે જમીન પથ્થરવાળી હોવા છતાં પાણી મળી આવે છે.
• જે જમીન પર ભીની રેતી અને ચઢતી – તરતી જમીન દેખાતી હોય ત્યાં છ હાથ ઉંડે જમીન ખોદવાથી પાણી મળે છે.
• કરેણનાં ફૂલ લાલ હોય, તેના પાનમાંથી દૂધ જેવો પદાર્થ મળે ત્યાંની જમીન જો લાલ હોય – તે ખોદતાં પથ્થર મળે – એ તોડતાં તેની નીચે અખૂટ પાણી મળે છે.
• માત્ર પગ ઠોકવાથી જમીનમાં ગંભીર અવાજ થાય તો તે જમીનમાં નવ હાથ જેટલું ખોદતાં પાણી મળે છે.
• જે વૃક્ષને ફળ આવતાં ન હોય, છતા કોઈકવાર ફળ દેખાય તો વૃક્ષની પૂર્વે – લીલું ઘાસ કે સાપનો રાફડો દેખાય ત્યાં પાંચ હાથ દૂર દક્ષિણ દિશામાં એકતાલીસ (૪૧) હાથ ઉંડે પાણી મળે છે.
• જે જમીન જોતાં અગ્નિ વગર ધુમાડો નીકળતો માલૂમ પડે અથવા સખત બાફ કે ગરમી લાગે તો તે સ્થળે એકવીસ હાથ ઉંડે પાણી મળે છે.
• કોઈપણ ઝાડની એક જ ડાળી જમીન તરફ વળીને જમીનને અડકતી હોય અને વળીને પીળી પડી ગઈ હોય તો તે સ્થળે ત્રીસ (૩૦) હાથ ઉંડે ખોદતાં પાણી મળે છે. પીલુના ઝાડના ઇશાન ખૂણામાં સાપ કે ઉધઈનો મોટો રાફડો હોય ત્યાં ચાલીસ (૪૦) હાથ ઉંડે પાણી મળે છે.
• જે જમીન જોતા અગ્નિ વગર ધુમાડો નીકળતો માલુમ પડે અથવા બાફ કે ગરમી લાગે તો તે સ્થળે આજુબાજુ વડ, આંબો, કદમ, નેતર અને આસોપાલવ જેવા વૃક્ષો હોય તો તેવી જમીનમાં ૨૫ (પચ્ચીસ) હાથે પાણી મળે છે.
• જ્યાં જે વૃક્ષના પાને પાનમાં કાણાં પડેલાં હોય છતાં તે વૃક્ષ નીચે લીલુ ઘાસ ઉગતું માલુમ પડે તે સ્થળે પંદર હાથ ઉંડે પાણી મળે છે.
• જ્યાં બધાં જ ઝાડ કાંટાવાળાં કે બાવળિયા હોય ત્યાં એક જ વૃક્ષ કાંટા વગરનું કે કોઈ બીજી જ જાતનું ઝાડ ઉગેલું હોય તે વૃક્ષની પશ્ચિમ દિશાએ પંદર (૧૫) હાથ ઉંડે ખોદતાં પાણી મળે છે.
• જ્યાં ગાંઠવાળા થડ, ડાળી દેખાય, વળી ત્યાં ખીજડાનું ઝાડ હોય તો ઉત્તર દિશામાં જમીનનો ટેકરો હોય. વળી સાપનો રાફડો દેખાય ત્યાંથી ખૂબ ઉંડે પાણી મળે છે.
• વૃક્ષ બોરડીના થડને લપેટાઈને ઉગ્યા હોય ત્યાં એકવીસ (૨૧) હાથ ઉંડે પાણી મળે છે. બોરડી અને કેવડાના થડ એકબીજામાં સમાઈને ઉગ્યા હોય. વળી હરિયાળા હોય તેની દક્ષિણે-પશ્ચિમે-૧૦૦ હાથ ઉંડે અમૃત જેવું મીઠું પાણી મળશે.
• રોહિડાના વૃક્ષની પશ્ચિમે ઉધઈ કે સાપનો રાફડો હોય ત્યાં પાંચ હાથ દૂર દક્ષિણમાં ૭૦ હાથ પર મીઠું પાણી મળે છે.
• નેતરના વૃક્ષની પશ્ચિમ દિશામાં ત્રણ હાથ દૂર સ્થળ નક્કી કરીને તે ભૂમિમાં વીસ હાથ ઉંડે ખોદતાં મીઠું પાણી મળે છે.
• જે જમીન ખોદતાં સફેદ દેડકાં મળે, પછી પીળી માટી નીકળે, આ પડ પૂર્ણ થયા પછી પથ્થર અને કાંકરાવાળી જમીન પછી મીઠું અમૃત જેવું પાણી મળે છે.
• નિર્જન પ્રદેશમાં ખાખરા કે ઉમરાના બે વૃક્ષો – જોડાજોડ હોય, એકબીજાના થડ ભેગાં હોય તેની પશ્ચિમ દિશામાં ખોદતા સફેદ સાપ મળે, ત્યાર પછીકાળા પથ્થર જેવી જમીન મળે ત્યાં સત્તાવીસ (૨૭) હાથ ઉંડે ખોદવાથી અમૃત જેવું પાણી મળે છે.
• બીલી અને ઉમરાના વૃક્ષ થડથી જોડાયેલાં હોય તો તેની દક્ષિણ દિશા તરફ ત્રણ હાથ ખોદતાં કાળો દેડકો મળે, બાદ લાલ, પીળી માટી મળે તો પંદર હાથ પર પાણી મળે છે.
• કોઈ પણ ઝાડના મૂળમાં ઘણાં દેડકાં રહેતા હોય તો વૃક્ષની ઉત્તર દિશામાં દસ હાથ દૂર ત્રીસ (૩૦) હાથે ઉંડે ખોદવાથી અમૃત જેવું મીઠું પાણી મળે છે.
• જ્યાં રેતીવાળી ધરતી હોય છતાં કાળી ચાંચવાળા પુષ્કળ પક્ષી ટોળાબંધ રહેતાં હોય ત્યાં બાવીસ (૨૨) હાથ ઉંડે પાણી મળે છે.
• નગોડ વૃક્ષની ત્રણ હાથ દૂર દક્ષિણમાં સાપનો રાફડો દેખાય તો પચ્ચીસ (૨૫) હાથ ઉંડે પાણી મળે છે.
• બહેડાના વૃક્ષની દક્ષિણ દિશાએ સાપ કે ઉધઈનો રાફડો હોય તો પૂર્વ દિશામાં પંદર (૧૫) હાથ પર પાણી મળશે.
• સખત ઉનાળામાં પણ જે જમીન ભેજવાળી રહેતી હોય ત્યાં પાણી સમજવું.
• તદ્દન રેતાળ જમીનમાં મેઘરવો કે ઝાકળ પડ્યું હોય છતાં તે ન સુકાય તો તે સ્થળે પુષ્કળ પાણી મળે છે.
• મહુડાની ઉત્તર દિશાએ સાપનો રાફડો હોય તો ત્યાંની જમીનમાં દસ હાથ દૂર પચ્ચીસ (ર૫) હાથ ઉંડે પાણી મળે છે.
• જાંબુડાના ઝાડની પૂર્વ દિશાએ સાપનો રાફડો હોય ત્યાંથી દક્ષિણ દિશામાં સાડા અગિયાર (૧૧) હાથ દૂર પાણી સમજવું.