
હિંદુ સંસ્કારોમાં વિવાહનું સહુથી વિશેષ મહત્વપૂર્ણ સ્થાન છે. ‘વિવાહ’ શબ્દ वि + वह (લઇ જવું) ધાતુ પરથી બન્યો છે. એનો શબ્દાર્થ પત્ની સ્વીકાર અથવા એ માટેની પ્રવૃતિ એવો થાય છે. વ્યાપક અર્થમાં એ પુરુષના તેમજ સ્ત્રીના લગ્ન માટે વપરાય છે. સંસ્કૃતમાં ‘વિવાહ’ નો અર્થ લગ્ન જ થાય છે. ગુજરાતીમાં વેવિશાળ અને લગ્ન એમ બે અર્થ થાય છે. વેવિશાળ કે સગપણ માટે સંસ્કૃતમાં ‘વાગ્દાન’ શબ્દ છે. વિવાહ માટે વિવાહ, ઉદ્વાહ, પરિણય કે પરિણયન, ઉપયમ, પાણિગ્રહણ વગેરે શબ્દો પણ પ્રયોજાય છે.
બ્રહ્મચર્ય આશ્રમનું સમાપન સમાવર્તન સંસ્કારથી થાય છે અને બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. ગૃહસ્થાશ્રમનો પહેલો સંસ્કાર એ વિવાહ સંસ્કાર છે, એની સાથે જ વ્યકિત બ્રહ્મચારી મટી ગૃહસ્થ બને છે અને સમાજના આધારે ધર્મ ઉપરાંત અર્થ તથા કામની સાધનામાં તત્પર બને છે. આ સંસ્કારથી સામાજિક ગુણોનો વિકાસ તથા શારીરિક આવશ્યકતાઓની પૂર્તિ થાય છે.
ભારતીય દ્રષ્ટિબિંદુ અનુસાર વિવાહ એ ધાર્મિક વિધિ (sacrament-સંસ્કાર) છે, કરાર નહીં. ભિન્ન જાતિ (લિંગ)ની બે વ્યકિતઓ વચ્ચે સ્થિરતાની ભાવનાથી પ્રજોત્પતિ કરવા અને એનો ઉછેર કરી ગૃહસંભાળ અને કુટુંબસંભાળ માટે સામાજીક રીતે માન્ય અને સ્વીકૃત જોડાણ તે વિવાહ.
ઉદેશોઃ
ભારતીય વિવાહવિધિમાં સામાન્ય સંજોગોમાં ધાર્મિક વિધિથી જોડાયેલ સ્ત્રીપુરુષનો દામ્પત્ય સંબંધ જીવનપર્યંતનો હોય છે. પુત્રોત્પતિ દ્વારા પિતૃઋણ ચૂકવવા માટે વિવાહની આવશ્યકતા છે. જગતમાં ધર્મકાર્ય ચાલુ રહે તે માટે સ્ત્રીપુરુષનો સતત યોગ જરૂરી છે. મનુ અનુસાર ધર્મ, પ્રજોત્પતિ અને પ્રજોત્પતિના ઉદેશથી પ્રેરાયેલ રતિ એ વિવાહના મૂળ હેતુઓ છે. આ ત્રણ ઉદેશો વિવાહના ધાર્મિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પાસાંને આવરી લે છે. વિવાહ એ એક ધાર્મિક સંસ્કાર હોવા ઉપરાંત સામાજિક સંસ્થા દ્વારા વ્યકિત તેમજ સમાજની નીતિ પર એનો ઊંડો પ્રભાવ પડે છે.
વિવાહને એક સામાજિક સંસ્થા તરીકે પણ ગણવામાં આવે છે. કુટુંબની ધાર્મિક ફરજો, વંશ-વિસ્તાર, ગૃહસ્થ બની વ્યકિતએ કરવાના પંચ મહાયજ્ઞ તથા અન્ય કર્તવ્યો પાછળ ધાર્મિકની સાથે સામાજિક ખ્યાલો પણ રહેલા છે. વ્યકિત સ્વાભાવિક રીતે જ અને યોગ્ય ક્રમમાં બધા જ આશ્રમોમાંથી પસાર થાય તે એના માનસિક વિકાસ માટે તથા સામાજિક ગતિ માટે આવશ્યક છે.
આમ હિંદુ વિવાહનો આદર્શ પોતાનામાં સુષુપ્ત રહેલા કામને નિયંત્રિત કરી, શુભ સામાજિક સેવા કરી, આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા માનવ વિકાસ સાધવાનો છે.
લગ્ન દ્વારા પુત્રોત્પતિનો આદર્શ ભારતની જેમ રોમમાં પણ પ્રચલિત હતો. અવિવાહિત રહેવું એ ત્યાં પણ સામાજિક દષ્ટિએ અનિચ્છનીય ગણાતું.
સ્ત્રોતઃ
વૈદિક કાલમાં વૈવાહિક રીતરિવાજોની અભિવ્યકિત ઋગ્વેદ અને અથર્વવેદની ઋચાઓમાં થાય છે. ઋગ્વેદ અનુસાર વિવાહનો ઉદેશ ગૃહસ્થ બની દેવો માટે યજ્ઞ કરવો અને સંતાનોત્પતિ કરવી એ હતો. વિવાહ માત્ર સામાજિક આવશ્યકતા જ ન રહેતાં ધાર્મિક કર્તવ્ય પણ લેખાવા લાગ્યો. વિવાહ એક યજ્ઞ મનાતો અને જે વ્યકિત વિવાહ કરી ગાર્હસ્થ્ય જીવનમાં પ્રવેશ ન કરતી તેને અયજ્ઞીય માનવામાં આવતી. તૈતિરીય બ્રાહ્મણમાં કહ્યું છે કે એકાકી પુરુષ અધૂરો છે, પત્ની એનો અર્ધ ભાગ છે. જયારે ઋષીઋણ, દેવઋણ અને પિતૃઋણનો સિદ્ઘાંત વિકાસ પામ્યો ત્યારે વિવાહનું મહત્વ ખૂબ વધી ગયું.
ઉપનિષત્કાલમાં આશ્રમોનો સિદ્ઘાંત પ્રચલિત બન્યો. વ્યકિતત્વના વિકાસ માટે ગૃહસ્થાશ્રમ અનિવાર્ય મનાતો.
સ્મૃતિકાલમાં આશ્રમવ્યવસ્થાનું પાલન ધાર્મિક કર્તવ્ય મનાતું. ગૃહ્યસૂત્રો અને ધર્મસૂત્રો અનુસાર નૈષ્ઠિક બ્રહ્મચારીની સંખ્યા ખૂબ ઓછી હતી, જયારે મોટા ભાગના યુવકો વિવાહ કરી ગાર્હસ્થય જીવન ગાળતા. સ્મૃતિઓમાં ગૃહસ્થાશ્રમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, અને એને સામાજિક સંઘટનનું કેન્દ્ર તથા મૂળ માન્યું છે. આપસ્તંબ ધર્મસૂત્ર (2, 5, 11-12) અનુસાર વિવાહ દ્વારા પત્ની પતિને ધાર્મિક કૃત્યોને યોગ્ય બનાવતી અને એ પુત્ર કે પુત્રોની માતા બનતી, જે પુત્ર નરકથી તેમની રક્ષા કરતો.
આમ પ્રાચીન કાલથી વિવાહનું મહત્વ અનેક દષ્ટિએ હતું.