૬. ગાંધર્વ વિવાહ
કન્યા અને વર પરસ્પરની પસંદગીથી પ્રેમભાવનાને વશ થઇ, સંભોગના ઉદેશથી જે વિવાહ કરે તે ‘ગાંધર્વ વિવાહ’ કહેવાય. મનુસ્મૃતિ (3, 22) અનુસાર કન્યા અને વર કામુકતાને વશ થઇ સ્વેચ્છાપૂર્વક પરસ્પર સંયોગ કરે તે વિવાહ ગાંધર્વ વિવાહ કહેવાય. હારીત અને ગૌતમના મતે જેમાં કન્યા સ્વયં પોતાના પતિની પસંદગી કરે તે ‘ગાંધર્વ વિવાહ’ કહેવાય.
ગાંધર્વ વિવાહ અતિ પ્રાચીન મનાય છે. ઋગ્વેદ (10, 27, 17) અનુસાર ‘સુંદર વેશભૂષાથી અલંકૃત બની જનસમુદાયમાં પોતાના પતિની પસંદગી કરે તે વધૂ ભદ્રા કહેવાય. ’ અથર્વવેદ (2, 36) અનુસાર પ્રાયઃ માતા- પિતા પોતાની પુત્રીને પોતાના પ્રેમીની પસંદગી માટે સ્વતંત્ર ગણતાં અને પ્રોત્સાહિત કરતાં. અથર્વવેદ (5, 37, 12) માં ગાંધર્વ પતિઓનો ઉલ્લેખ છે.
ક્ષત્રિયોમાં આ વિવાહ અતિ પ્રચલિત હતો. મનુ અનુસાર ક્ષત્રિયો માટે ગાંધર્વ અને રાક્ષસ વિવાહ ધમર્ય મનાતા. એવા પ્રસંગો બનતા જેમાં શિકાર, યુદ્ઘ તથા અન્ય કારણોસર અનેક ક્ષત્રિય રાજાઓ દૂર દૂરના પ્રદેશોમાં ફરતા, સ્ત્રીઓના સંપર્કમાં આવતા, તેમના પ્રત્યે આકર્ષાતા અને તેમની સાથે સંયોગ કરતા. આ વિવાહમાં ધર્મવિધિ જેવું કાંઇ હતું નહીં છતાં એ કાયદેસર ગણાતા.
સંસ્કૃત સાહિત્યમાં દુષ્યંત-શકુન્તલાનો વિવાહ ગાંધર્વ છે. આવાં બીજા પણ કેટલાંક ઉદાહરણો મળે છે, જેમાં પુખ્ત વયની કન્યા સ્વયં મનગમતા વરની વરણી (પસંદગી) કરે તેવા ‘સ્વયંવર’ માં પણ કન્યાની પસંદગીનું જ પ્રધાન્ય પ્રવર્તતું, જેમ કે ઇન્દુમતીસ્વયંવર અને સંયુકતાસ્વયંવરમાં. કોઇ અમુક પરાક્રમની શરત જીતનારને કન્યા વરે તે પણ સ્વયંવર કહેવાતો, જેમ કે સીતા, દ્રૌપદી, નાગ્નજિતિ વગેરેનો. એમાં સ્વયંવરની શરત કન્યા કે તેના પિતા પસંદ કરતા પૂરતી તેમાં તેની વરણી ગણાય.
મોટા ભાગના સ્મૃતિકારોએ ધાર્મિક અને નૈતિક દષ્ટિએ આ વિવાહ પ્રકારને અપ્રશસ્ત કહ્યો છે. કારણ તેનો ઉદભવ કામુકતામાંથી થાય છે અને ધાર્મિક ક્રિયાઓ તથા સંસ્કારો વિના તે થાય છે. આ પ્રકારના વિવાહની સ્થિરતા વિશે પણ સંદેહ રહે છે.
હિંદુ સમાજમાં જયારથી વરકન્યાની લગ્નવય ઘટતી ગઇ અને માતા પિતા કે વાલીઓ દ્વારા વિવાહ સંબંધ નિશ્ર્ચિત કરાવા લાગ્યો, ત્યારથી આ વિવાહ પ્રકારનો હાસ થતો ગયો. ખરી રીતે પુખ્ત વય અને સમાજતાં છોકરો-છોકરી માત્ર ‘પ્રથમ નજરે પ્રેમ’ કે ‘શારીરિક આકર્ષણ’ થી પ્રેરાઇને નહિ, પણ પોતાનાં આજીવન હિત-સુખનો ખ્યાલ રાખીને પોતાને યોગ્ય ‘કન્યા’ અને ‘વર’ ની પસંદગી કરે તે સહુથી ઇષ્ટ અને સ્વાભાવિક વિવાહ પ્રકાર ગણાય. આ જમાનામાં એને ‘પ્રેમલગ્ન’ કહે છે. પ્રેમલગ્ન હંમેશા અનિષ્ટ નીવડે છે એમ ન કહેવાય. એમાં એકબીજાની યોગ્યતા, આર્થિક સંયોગો, અર્થોપાર્જનની શકિત, સ્વભાવ-મેળ, પરસ્પરને અનુકૂળ થવાની વૃતિ વગેરેને લક્ષમાં લઇ યોગ્ય અવસ્થાને લગ્ન કરાય તો તે સુખી નીવડવાનો ઘણો સંભવ છે. એમ તો વડીલોએ ગોઠવેલાં લગ્નોમાંય વય, સામાજિક દરજજો, આર્થિક ધોરણ, સ્વભાવ, શિક્ષણ ઇત્યાદિનો સુમેળ ન હોય તો મનમેળ વગેરેનાં ‘કજોડાં’ થાય છે.
૭. રાક્ષસ વિવાહ
કન્યાપક્ષનાં સગાંને મારી, ભેદી, આક્રોશ કરતી અને રડતી કન્યાને ઉપાડી જવી તે રાક્ષસ વિવાહ કહેવાય. આદિમ સમાજથી આ વિવાહપ્રકાર પ્રાચીન યુદ્ઘપ્રીય જાતિઓમાં અત્યંત સામાન્ય અને પ્રચલિત હતો. યાજ્ઞવલ્કય અનુસાર આ વિવાહનો ઉદભવ યુદ્ઘમાંથી થયો છે. હારીત આ વિવાહ-પ્રકારને ક્ષાત્રવિવાહ કહે છે, એ શકિત અને વીરતાનો સૂચક છે. મનુ (3, 24) રાક્ષસવિવાહને ક્ષત્રિયો માટે ધમ્ય ગણે છે. એમાં ઘણીવાર કેટલીક કન્યાને એની મરજી વિરુદ્ઘ બળપૂર્વક ઉપાડી જવામાં આવતી, પરંતુ ઘણીવાર કન્યાની પણ એમાં સંમતિ હતી, જેમ કે કૃષ્ણ-રુકિમણી અને અર્જુન-સુભદ્રા કે પૃથ્વીરાજ-સંયુકતાનો વિવાહ પ્રણયવતી કન્યાનું તેની ઇચ્છાથી અપહરણ કરવા પર આધારિત હતો. ખરા ક્ષત્રિયો બ્રાહ્મણોની જેમ કોઇએ કરેલા દાનનો કન્યાદાનનો ય-પ્રતિગ્રહ (સ્વીકાર) ન કરે, એ તો પોતે જે કંઇ-કન્યા-પણ પ્રાપ્ત કરે તે પોતાના બહુબળથી જ કરે એવી પણ ભાવના રહી હતી. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇન્દ્ર ૧ લાએ ચાલુકય કુલની કુંવરી ભવનાગા સાથે રાક્ષસવિવાહ કર્યો હોવાનું (લગ. ઇ.સ. ૭રર) સંજાણના તામ્રપત્રલેખમાં જણાવ્યું છે. કન્યાની ઇચ્છા વિરુદ્ઘ એનું અપહરણ કરી એને પરણવું એ જરૂર અનુચિત ગણાય. ભીષ્મપીતામહે કાશીરાજની પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકાનું સ્વયંવરમાંથી હરણ કરેલું, તે પૈકી અંબા અન્યના પ્રેમમાં હોઇ એ અંગે અસંમત હતી.
આજે પણ વિવાહના આ પ્રકારને કેટલીક આદિમ જાતિઓમાં પ્રચલિત રિવાજોથી સમર્થન મળે છે, જેમ કે ભારતની કેટલીક આદિમ જાતિઓમાં વિવાહ પ્રસંગે યુદ્ઘ અને હરણનો અભિનય કરાય છે. ગૌડો અને બિહારની બિરહોલો જાતિમાં વિવાહમંડપમાંથી ભાગતી કન્યાનો વર પીછો કરે છે, એવો એક રિવાજ છે.
૮. પૈશાચ વિવાહ
આ એક વિવાહનો સહુથી વધુ અપ્રશસ્ત પ્રકાર છે. સૂતેલી, મદ્યમત કે પ્રમત કન્યા સાથે કોઇ એકાંતમાં સંભોગ કરે ને એને પોતાની પત્ની તરીકે રાખી લે તેને ‘પૈશાચ વિવાહ’ કહે છે. આ પ્રકારમાં છળ-કપટથી કન્યા પર અધિકાર પ્રાપ્ત કરાય છે એટલે એને સહુથી અધમ પ્રકાર રહ્યો છે. મનુ (3, 24) અનુસાર કોઇ વ્યકિત એકાંતમાં સુપ્ત, મત (મદ્યમત) અથવા પ્રમત (ઉન્મત) કન્યા સાથે મૈથુન કરે તે ‘પૈશાચ’ કહેવાય. વિવાહનો આ પ્રકાર આદિમ જાતિઓમાં પ્રચલિત હતો. કન્યાની અસહાય સ્થિતિ, કાંમાધ વડે એનો લેવાતો ગેરલાભ, પુરુષની પાશવી કામવૃતિ અને છળકપટ વગેરે આ વિવાહના મુખ્ય તત્વ છે.
વિવાહનો મહાન આદર્શ વિવાહના પ્રશસ્ત પ્રકારોમાં જળવાય છે. તેનો મૂળ ઉદેશ ધર્માચરણ, સાંસરિક જવાબદારી તથા તે માટે પ્રજોત્પતિ છે. અપ્રશસ્ત પ્રકારોમાં મૂળ ઉદેશ કામુકતા સંતોષવાનો છે. શિષ્ટ સમાજ વિવાહના પ્રશસ્ત પ્રકારોને માન્ય ગણે છે, અપ્રશસ્ત પ્રકારોને નિંદ્ય ગણે છે. આ અનુસાર બ્રાહ્મણોમાં ચાર પ્રશસ્ત વિવાહપ્રકારો પ્રચલિત હતા. છતાં ક્ષત્રિયોમાં ગાંધર્વ અને રાક્ષસ તથા વૈશ્યોમાં આસુર વિવાહ પ્રચલિત હોવાનું જણાય છે. શૂદ્રોમાં આસુર, રાક્ષસ અને ગાંધર્વવિવાહ પ્રચલિત હોવાનો સંભવ છે.
એકવ્યકિતવિવાહ અને અનેકવ્યકિતવિવાહઃ
ઋગ્વેદના સમયથી વિવાહ અને દાંપત્યનો એક ખ્યાલ પ્રચલિત હતો. એકવ્યકિતવિવાહ (Monogamy) સામાન્ય પ્રચારમાં હતો અને સહુથી સ્વાભાવિક હતો. છતાં બહુવ્યકિતવિવાહ (Polygamy)માં બહુપત્નીત્વ (Polygyny)ની પ્રથા પણ જાણીતી હતી. રાજવંશોમાં અને શ્રીમંતોમાં અનેક પત્નીઓ કરવાનો રિવાજ અતિ સામાન્ય હતો. એકપત્નીત્વમાં રાજા, અમાત્યો તથા શ્રેષ્ઠીઓની શ્રીમંતાઇની પ્રતીષ્ઠા પણ મનાતી, બ્રિટીશ કાલમાં પત્નીના નિઃસંતાનત્વને કારણે તેની હયાતીમાં બીજી પત્ની કરવાનો રિવાજ હતો, ઘણીવાર પહેલી પત્નીની સંમતિથી કે ભલામણથી. અનેકપત્નીવિવાહનિષેધધારો ભારતમાં જયારથી અમલમાં આવ્યો ત્યારથી આ પ્રથાનું અનિષ્ટ નાબૂદ થયું, પરંતુ અવિવાહિતપત્ની (રખાત) પ્રથા વધી. મૈત્રીકરારની પ્રથા તાજેતરમાં પ્રચલિત થઇ. તેની સામે વિરોધ પણ થયો છે. બહુપતિત્વ (Polyandry)ની પ્રથા સંસ્કારસંપન્ન સમાજમાં પ્રવર્તતી નહોતી, દ્રૌપદીના પંચપતિવિવાહની સમસ્યાના મૂળમાં આ પ્રથાની અસર હશે, એમ મનાય છે. હિમાલય પ્રદેશમાં અમુક આદિમ જાતિઓમાં અને દક્ષીણ ભારતની તોડા, કોટા, કુરુંબ વગેરે જાતિઓમાં આજે પણ બહુપતિત્વની પ્રથા પ્રચલિત છે.