વિવાહના પ્રકારનો નિર્દેશ છેક ઋગ્વેદના સમયથી મળે છે. ઋગ્વેદમાં બ્રાહ્મ, આસુર, ગાંધર્વ તથા સ્વયંવરનો નિર્દેશ આવે છે. ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો અને સ્મૃતિઓના સમયે આઠ પ્રકારના વિવાહ પ્રચલિત હતા (આશ્ર્વલાયન ગૃહ્યસૂત્ર, 1, 6) માનવ ગૃહ્યસૂત્ર (1, 7, 22) માં માત્ર બાહ્મ અને શુલ્ક (આસુર) બે વિવાહ પ્રકારોનું જ વર્ણન છે. સ્મૃતિઓમાં વિવાહના જે ઉકત આઠ પ્રકાર છે, તે પ્રશસ્ત (સારા) અને અપ્રશસ્ત (નરસા) એમ બે કોટિના છે.
ब्राह्मो दैवस्तथा आज़र्ष: प्राजापत्येस्तथसुर:
गान्धवो राक्षसश्चैव पैशाचश्चाष्तदधम:
द. स्मृ., 3, 21; या. स्मृ., 1, 58-61
એમાંના બ્રાહ્મ, દૈવ, આર્ષ અને પ્રાજાપત્ય પ્રશસ્ત છે, જયારે આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ અપ્રશસ્ત છે. સમુત્ક્રાંતિની દષ્ટિએ આદિમ અવસ્થામાં ઉપર પછી જણાવેલા ચાર પ્રકારો થયા હશે, જેમાં બ્રાહ્મ વિવાહ સહુથી મોડો વિકસ્યો હશે. ધર્મશાસ્ત્રમાં જણાવેલો ક્રમ વિકાસની દષ્ટિથી ઉતમોતમથી માંડીને અધમાધમ તરફનો છે.
૧. બ્રાહ્મ વિવાહ
વિવાહનો શુદ્ઘતમ અને સર્વાધિક વિકસિત પ્રકાર બ્રાહ્મ વિવાહ છે. એમાં પિતા વિદ્વાન તથા શીલસંપન્ન વરને જાતે નિમંત્રણ આપી, વિધિપૂર્વક સત્કાર કરી, તેની પાસેથી કંઇ લીધા સિવાય, દક્ષીણા સાથે યથાશકિત વસ્ત્રાભૂષણોથી અલંકૃત કન્યાનું દાન કરે છે. સ્મૃતિઓમાં બ્રાહ્મ વિવાહને સહુથી વધુ પ્રશંસનીય કહ્યો છે, કેમ કે એ કામુકતા, પૂર્વશરત અને ધનલાલસાથી મુકત છે. વર સ્વયં ધર્મ, અર્થ અને કામ નામના ત્રણે પુરુષાર્થોથી હંમેશા પોતાની પત્ની સાથે રહેવાનું વચન આપે છે. એમાં શીલ તથા ધાર્મિક વિચારોમાં પૂર્ણ સ્વરૂપે પાલન થતું. આ પ્રકારના વિવાહના અસ્તિત્વનો સંકેત વેદકાળમાં મળે છે. ઋગ્વેદ (10, 85) માં વર્ણિત સોમ સાથે સૂર્યાનો વિવાહ એ બ્રાહ્મ વિવાહનું પૂર્વ સ્વરૂપ છે. આજે પણ ભારતમાં આ વિવાહ અધિક લોકપ્રીય છે, એમાં કેટલીક જ્ઞાતિઓમાં દહેજનો કુરિવાજ જોવા મળે છે.
ર. દૈવ વિવાહ
આ પ્રકારના વિવાહમાં પિતા કન્યાને અલંકૃત કરી પોતે આરંભેલા યજ્ઞમાં યજ્ઞ કરાવનાર ઋત્વિજને તેનું દાન કરતો. બૌધાયનસૂત્ર અનુસાર કન્યા દક્ષીણામાં રૂપમાં ઋત્વિજને અપાતી. સેવા માટે વિવાહમાં થતાં કન્યાદાનનાં ઉદાહરણ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. યજ્ઞોમાં સેવા માટે પુરોહિત પોતાના સંરક્ષક રાજાઓ પાસેથી સુંદર કન્યાઓ અથવા દાસીઓને પ્રાપ્ત કરતા, જે ‘વધૂ’ કહેવાતી, આ પ્રકાર મુખ્યત્વે હિન્દુઓના પ્રથમ ત્રણ વર્ગોમાં પ્રચલિત હતો. રાજા લોમપાદે ઋત્વિજ ઋષ્યશૃંગને પોતાની કન્યા શાંતા પરણાવી એ આ પ્રકારના વિવાહનું ઉદાહરણ લેખી શકાય, પછીના જમાનામાં યજ્ઞીય-ધર્મના હાસ સાથે આ પ્રથા અપ્રચલિત બની.
૩. આર્ષ વિવાહ
ધર્મશાસ્ત્રો અનુસાર આર્ષ વિવાહ પ્રશસ્ત પ્રકારનો છે. કન્યાનો પિતા વર પાસેથી એક કે બે જોડી ગૌ (૧ ગાય, અને ૧ બળદ અથવા ર ગાય, અને ર બળદ) લઇને કન્યાનું દાન કરતો, એ આર્ષ વિવાહ કહેવાતો. બળદ પ્રાપ્ત કરવાનો ઉદેશ માત્ર યજ્ઞકાર્ય પૂરતો જ હતો અને એ ધાર્મિક વિધિનો એક ભાગ હતો. આ ગાય-બળદની એક કે બે જોડી કન્યાના મૂલ્યના રૂપમાં લેવામાં નહોતી આવતી, આ તો માત્ર ધર્મનિમિતે થતો સંબંધ હતો એમ ‘વીરમિત્રોદય’ના સંસ્કારપ્રકાશ (પૃ. ૮રર) માં જણાવ્યું છે. મનુ (3, 54) અનુસાર જે વિવાહમાં આ પ્રકારના કરનો સ્વીકાર કરાતો નહિ, તે કન્યાવિક્રય નહોતો. આ વિવાહપ્રકાર ‘આર્ષ’ કહેવાતો, કારણ કે એ ખાસ કરીને ઋષીપરંપરાના પુરોહિતો કે બ્રાહ્મણોના કુલમાં પ્રચલિત હતો. ડો. અવિનાશચંદ્ર દાસે ‘ઋગ્વેદિક કલ્ચર’ (પૃ. ર૫૩)માં જણાવ્યા અનુસાર વિસ્તૃત જ્ઞાન અને આધ્યાત્મિક યોગ્યતાને કારણે કોઇ ઋષી સાથે કોઇ કન્યાને વિવાહ કરાતો તે ‘આર્ષ વિવાહ’ કહેવાતો. યજ્ઞોના હાસ સાથે આ પ્રકાર પણ લુપ્ત થઇ ગયો.
જો કે આ પ્રકારના વિવાહમાં ભલે અલ્પ હોય પણ વિક્રય તો છે જ, નહિ તો કન્યાના પતિ કે સસરા પાસેથી કન્યાના પિતાથી કંઇ લેવાય નહીં.
૪. પ્રાજાપત્ય વિવાહ
કન્યાનો પિતા પોતાની કન્યાનો વિવાહ યોગ્ય વર સાથે, કન્યા પોતાના નાગરિક અને ધાર્મિક કર્તવ્યોનું પાલન વરની સાથે સાથે કરે એ ઉદેશથી કરાવતો, તેને ‘પ્રાજાપત્ય વિવાહ’ કહે છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્ર અનુસાર ‘તમે બંને સાથે મળી ધર્મનું આચરણ કરો, એવો આદેશ અપાય છે, તે ‘પ્રાજાપત્ય’ કહેવાય છે. ‘પ્રાજાપત્ય’ નામ જ સૂચવે છે કે નવદંપતી પ્રજાપતિ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવા અર્થાત્ સંતાન ઉત્પન્ન કરવા અને એના પાલન-પોષણ માટે આ સંબંધમાં બંધાય છે. આ વિવાહમાં પતિએ ગૃહસ્થી રહેવાની, સંન્યાસી ન બનવાની અને બીજો વિવાહ ન કરવાની શરત પાળવી પડે છે.
આ પ્રકારનો વિવાહ અત્યંત પ્રાચીન કાલમાં પ્રચલિત નહીં હોય, વિકસિત સમાજમાં જ સ્ત્રી-પુરુષ એનું અનુકરણ કરતાં હશે. બાલવિવાહ પ્રચલિત થતાં આ પ્રકાર લુપ્ત થયો. પ્રૌઢ યુવક-યુવતીઓ જ આ પ્રકારના વિવાહ માટે સમર્થ હતાં.
ઉપર્યુકત ચાર પ્રશસ્ત વિવાહ પ્રકારો ઉત્કૃષ્ટ ગણાય છે. વિવાહનાં આ ચાર સ્વરૂપો શુદ્ઘ અને ધાર્મિક છે. એમાં અલંકારોથી સુસજિજત કન્યાનું દાન કરવામાં આવે છે. આ ચાર વિવાહોમાં ઉપલક ભેદ છે, પાયાનો ભેદ કાંઇ જ નથી. ચારેયમાં યોગ્ય પતિની પસંદગી, કન્યાદાન તથા પૂર્ણ ધાર્મિક વિધિ જ થાય છે. ચારેયમાં ધાર્મિકતા, સામાજિકતા અને સંસ્કારિતાનું તત્વ જોવા મળે છે. આથી આ પ્રકારો કુટુંબ તેમજ સમગ્ર સમાજને સર્વ રીતે સુખદાયી અને ઉપકારક નીવડે છે.
પ. આસુર વિવાહ
જે વિવાહમાં પતિ કન્યા તથા એના સંબંધીઓને યથાશકિત ધન આપી, સ્વચ્છન્દતાપૂર્વક કન્યા સાથે વિવાહ કરે તે આસુર વિવાહ કહેવાય. આ પ્રકારના વિવાહમાં ધન જ એક નિર્ણાયક તત્વ હતું. કેટલાક ધર્મશાસ્ત્રીઓએ એને માનુષ વિવાહ કહ્યો છે.
આદિમ કાલમાં પિતૃમૂલક સમાજમાં સંતાન એક પ્રકારની સંપતિ મનાતી અને ધન માટે કોઇ પણ પુરુષ સાથે કન્યાઓનો વિવાહ કરાતો. વૈદિક કાલમાં એવાં કેટલાંક ઉદાહરણ મળે છે, જેમાં સોદો નિશ્ર્ચિત કરાતો અને વ્યવહારમાં કન્યા ધન માટે વેચી નંખાતી. સાંસારિક સ્વાર્થને લીધે મનુ (3, 54) આ વિવાહને નીચા સ્થાને મૂકે છે. ‘કન્યાના પિતાને અણુમાત્ર ધન લેવું જોઇએ નહીં. લોભને કારણે ધન લઇ કન્યા આપનાર પિતા સંતાન વેચનાર કહેવાતો. ’ બૌધાયન ધર્મસૂત્ર (1,2,20) અનુસાર ધન દ્વારા વેચાયેલી કન્યા પત્નીનું સ્થાન પ્રાપ્ત કરી શકતી નહીં અને તેને દેવ તેમજ પિતૃક્રિયાઓમાં ભાગ લેવાનો અધિકાર નહોતો.
આજે આ જમાનામાં એને ‘કન્યાવિક્રય’ કહે છે. આ કુપ્રથા બ્રિટિશ કાલથી અહીં ઠીક ઠીક પ્રચલિત હતી. દ્રવ્યના લોભે કન્યાનો પિતા કન્યાને ગમે તેવા વૃદ્ઘ કે કુરૂપ કે કુશીલ ધનિકને પરણાવતા ને કન્યાના હિત-સુખ તરફ દુર્લક્ષ સેવતા. આ અનિષ્ટના નિવારણ માટે ગુજરાતી સાહિત્યમાં ત્યારે ‘લલિતાદુઃખદર્શક’ જેવાં બોધદાયક નાટક રચાયાં હતાં. આ પ્રથા ખાસ કરીને નિમ્ન જાતિઓમાં અને ઉચ્ચ વર્ણમાં નિર્ધન કુટુંબોમાં જોવા મળે છે.
આની સાથે મળતી આવતી દહેજપ્રથા પણ આજે કેટલાક પ્રદેશોમાં તથા કેટલીક જ્ઞાતિઓમાં પ્રચલિત છે. એને કેટલાક ‘વરવિક્રય’ કહે છે, પરંતુ જેમ કન્યાવિક્રયમાં દ્રવ્યના બદલામાં કન્યા મળે છે, તેમ આમાં દ્રવ્યના બદલામાં વર મળતો નથી, વર તો કન્યા અને દ્રવ્ય બંને પ્રાપ્ત કરે છે. આજે ઉચ્ચ ગણાતી અમુક જ્ઞાતિઓમાં સુશિક્ષીત યુવકની, ખાસ કરીને અમેરિકા જેવા ધનાઢય દેશમાં સ્થિર થયેલા યુવકની ‘લગ્નબજાર’માં માંગ વધતી જાય છે, ને દહેજનો આંકડો વધતો જાય છે. વિદેશથી ‘ટુંક સમય માટે ’ સ્વદેશ આવેલા અપરિચિત યુવક સાથે ઉતાવળથી થતાં કેટલાક લગ્નસંબંધના કરુણ અંજામ પણ આવે છે.