હોમ
આધુનિક યુગમાં વિવાહમાં થયેલાં પરિવર્તનો
-
આધુનિક યુગમાં વિવાહમાં થયેલાં પરિવર્તનો
પ્રાચીન કાલથી વિવાહ સંસ્કાર ગૃહ્યસૂત્રોમાં દર્શાવેલા વિધિ-વિધાનો અનુસાર કરવામાં આવતો. આ વિધિવિધાન તત્કાલીન નીરસ કૃષિ પ્રધાન જીવનમાં આનંદ પ્રમોદ માટેનાં મુખ્ય સ્ત્રોત સમાન હતાં. વિવાહની વિધિઓ પણ લાંબા સમય સુધી ત્રણ ચાર દિવસ સુધી ચાલતી. પરંતુ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પાશ્ર્વાત્ય સંસ્કૃતિની અસરને પરિણામે આધુનિક યુગમાં વિવાહ સંસ્કારમાં કેટલાક પરિવર્તન થયાં છે. આજે અધિકાંશ વિવાહોમાં વિવાહવિધિ એક જ દિવસમાં પૂરો થાય છે. વિવાહના અવસર પર મુખ્ય સંબંધીઓ એકઠાં થાય છે. તેમાં પણ વિભિન્ન પરિવારના પ્રતિનિધિ તરીકે એકાદ બે વ્યકિત ઉપસ્થિત રહે છે. આમ પારિવારિક સંમેલનમાં કેન્દ્રના રૂપમાં વિવાહનું મહત્વ ઘટયું છે. લગ્ન પ્રસંગે હવે સગાસંબંધીઓ ઉપરાંત મિત્રો અને પરિચિતોનું ય મહત્વ સ્થપાયું છે. પરિણામે સત્કારસમારંભ અને ભોજનસમારંભનું મહત્વ પ્રવર્તતાં વિવાહવિધિ ગૌણ બની ગઇ છે ને એ સમયે અતિનિકટના સગાં કે મિત્રો જ હાજરી આપે છે.
હિંદુ વિવાહોમાં કન્યાની માતા પિતાની પ્રતિષ્ઠા ખાતર દહેજ કે પહેરાનણીની પ્રથાનો રિવાજ હતો. દહેજ કન્યાદાનની દક્ષિણા સમજવામાં આવતું. દહેજની વસ્તુઓ પોતાના સસરાની કે પતિની જ મિલકત ગણાતી. આજે દહેજપ્રથા વર-કન્યાની પસંદગીમાં બાધક જણાવાથી તે રદ કરવા માટેના સક્રિય પ્રયાસો સામાજિક કલ્યાણની સંસ્થાઓ દ્વારા થઇ રહ્યા છે. જો કે ઉતર ભારતમાં અને ગુજરાતમાં કયાંક કયાંક બ્રાહ્મણ જ્ઞાતિઓમાં દહેજનો રિવાજ કે પહેરામણીનો રિવાજ ચાલુ છે. ‘પલ્લા’ ના રિવાજમાં ‘સ્ત્રીધન’ ની ભાવના હતી ને તેમાં કન્યાનો માલિકી હક રહેતો. સંકટ સમયે એ સ્ત્રીધન એને ઘણું કામ લાગતું.
વર્તમાન કાલમાં શિક્ષણના પ્રભાવ નીચે હિંદુ યુવક-યુવતીઓના વિવાહવિષયક દ્રષ્ટિકોણમાં મૌલિક પરિવર્તન આવ્યું છે. પ્રાચીન સમયમાં વિવાહને એક પવિત્ર ધાર્મિક સંસ્કાર માનવામાં આવતો. હાલ વિવાહની વૈયકિતમ પાસાને પ્રધાનતા અપાય છે. આજે વિવાહ એ વ્યકિતના વિકાસ અને પૂર્ણતા માટે, જીવનસાથીની પ્રાપ્તી અને સંતાનપ્રાપ્તી માટે, ઉતમ સ્વાસ્થય માટે અને જીવનને આનંદમય બનાવવા આવશ્યક મનાય છે. કવચિત આધુનિક કન્યા કન્યાદાનની વિભાવનાનો વિરોધ કરી વિવાહવિધિનું તે અંગ પડતું મૂકવા આગ્રહ ધરાવે છે. આજે કેટલાંક યુવક-યુવતીઓ સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકતા વિવાહબંધનને અનાવશ્યક સમજે છે. આર્થિક સ્વાતંત્ર્ય જાળવવા અને જનસંખ્યાની વુદ્ઘિને રોકવા વિવાહ નિરર્થક સમજે છે. યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જેવા પાશ્ર્વાત્ય દેશોમાં સ્ત્રીઓના સમાન હકની માગણી કરતી સ્ત્રીઓ સ્ત્રીસ્વાતંત્ર્ય પર તરાપ મારતા વૈવાહિક જીવનને વર્જ્ય ગણે છે. ગ્લોરીયા સ્ટાઇનમ જેવી કેટલી અપરિણિત સ્ત્રીઓ અને યુવતીઓ આજે સ્ત્રીસ્વાતંત્ર્યની હિમાયત કરતી Woman’s Lib નામની સંસ્થા પણ ચલાવે છે.
આધુનિક લગ્નોમાં વરણસ્વાતંત્ર્ય જણાય છે. જીવન-સાથીની પસંદગી કરવાની આકાક્ષાં આજનાં યુવક-યુવતીઓમાં જોવા મળે છે. આજે શિક્ષણપ્રચાર અને બદલતી આર્થિક પરિસ્થિતિને કારણે વર અને કન્યાની વિવાહની ઉંમર મોટી થઇ છે. છોકરીઓ માટે પ્રાયઃ ૧૯ વર્ષથી અને છોકરાઓ માટે ર૫ વર્ષથી શરૂ થતી ઉંમર વિવાહ યોગ્ય ગણાય છે. મોટી ઉંમરે થતાં લગ્નોમાં કેટલીક વાર સુખમય દાંપત્યજીવન માટે એકબીજાને અનુકૂળ થવાની ભાવના ઓછી જણાય છે. વિવાહ પૂર્વે નોકરી કરનાર યુવક-યુવતી વૈવાહિક જીવન દરમ્યાન વૈયકિતક સુખમાં વિધ્ન જુએ તો લગ્નવિચ્છેદના પ્રશ્રો પણ ઊભા થાય છે. એને પરિણામે જ આજે યુ.એસ.એ. જેવા વિકસિત દેશોમાં લગ્નજીવન અસ્થિર બન્યું છે અને લગ્નવિચ્છેદનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ભારત જેવા દેશમાં આજે પણ હિંદુ સમાજમાં આયોજિત વિવાહોની પ્રથા દ્રઢમૂલ છે, સ્નેહલગ્નોનું પ્રમાણ ઓછું છે. પસંદગીનાં લગ્નોમાં આજે પત્ની પતિની સહચરીના રૂપમાં રહેવાનું પસંદ રહે છે. પ્રાચીન સમયમાં લગ્નજીવનનો આદર્શ પતિને માનવાનો હતો, જે આજે ભુસાતો જાય છે. પાતિવ્રત્યના જૂના આદર્શોમાં આધુનિક યુવક-યુવતીઓનો વિશ્ર્વાસ શિથિલ થતો જાય છે. સ્નેહલગ્નોનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. લગ્નજીવનમાં મેળ ન મળતાં છૂટાછેડા લેવાની છૂટ પણ ધીમે ધીમે વધતી જાય છે. નીચી ગણાતી કેટલીક જ્ઞાતિઓમાં તો છૂટાછેડા અને પુનર્વિવાહની છૂટ પહેલેથી પ્રચલિત હતી. આજે હિંદુ-વિવાહ-કાનુન દ્વારા નર-નારી બંને માટે એકસાથીવિવાહનો નિયમ સમાનરૂપથી લાગુ પડે છે.
આમ હિંદુ સમાજના ઉચ્ચ શિક્ષિત વર્ગમાં વિવાહ વિશેની ધારણાઓ, પ્રથાઓ અને સંસ્થાઓમાં અનેક મૌલિક પરિવર્તન થઇ રહ્યાં છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com