વાઇરસ શું છે ?
વાઇરસ લેટિન ભાષાનો શબ્દ છે, તેનો અર્થ તે ભાષામાં ‘‘ઝેર’’થાય છે. વાઇરસ એ એક એવો કણ છે, જે જીવંત પદાર્થો (માણસો, પશુઓ કે વનસ્પતિ) માં ઝેર સીંચે છે. તેનાથી – તેના ચેપથી કોઇ સુરક્ષિત નથી. ફલુ, સામાન્ય શરદી, ઇન્ફન્ટાઇલ, પક્ષઘાત, ઓરી, શીતળા, પગ અને મોઢાના રોગો સ્વાઇન ફીવર આ બધા વાઇરસના કારણે પ્રાણીઓમાં થતા રોગો છે. જયારે વનસ્પતિની વાત કરીએ તો તમાકુના તથા ટામેટાનાં પાનમાં વાઇરસના કારણે રોગો થાય છે. વનસ્પતિના જુદા જુદા છોડમાં આવા લગભગ ૧૫૦ જેટલાં વાઇરસ શોધી કાઢવામાં આવેલા છે.
વાઇરસથી જે રોગો થાય છે તેના વિશેની જાણકારી મેળવવામાં ઘણો વિલંબ કે મોડું થાય છે. તેનું કારણ એ છે કે, આ વાઇરસ અતિ સુક્ષ્મ હોય છે.
ટાઇફોઇડ, ડિપ્થેરિયા જેવા જંતુઓ શકિતશાળી સૂક્ષ્મદર્શક દ્વારા જોઇ શકાય છે તથા બંધારણ અને ગતિ જાણી શકાય છે, પરંતુ વાઇરસ તો તેમનાં કરતાં પણ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે, તે તો ખૂબ જ શકિતશાળી સૂક્ષ્મદર્શકથી જ જોઇ શકાય છે. ઇલેકટ્રોનિક સૂક્ષ્મદર્શક કે જે મૂળ વસ્તુના કદ કરતાં તે વસ્તુને ૩૦,૦૦૦ ગણી મોટી બતાવવાને શકિતમાન હોય છે, તે પણ વાઇરસની રચના બતાવી શકતું નથી. તે વાઇરસને માપી શકે છે, પરંતુ આવું માપ એક ઇંચના દસ લાખમાં ભાગ જેટલું જ હોય છે.
વાઇરસના બંધારણ વિશેની માહિતિના અભાવે, તેની વિષમય અસર કેવી રીતે થાય છે તે ચોક્કસ કહી શકાતું નથી. તદુપરાંત ઝેરની અસર પામતા જીવંત કોષોની જેમ વાઇરસ પણ જીવંત વસ્તુ છે કે કેમ તે વિશે અનિર્ણયાત્મકતા પ્રવર્તે છે.
પશુઓમાં વાઇરસથી ઉદભવેલા રોગો અંગે ચકાસણી કરવામાં આવી ત્યારે સ્પષ્ટ જણાયું હતું કે, વાઇરસ જીવંત વસ્તુ છે. અન્ય સામાન્ય જંતુઓની જેમ તે ગુણિત થાય છે, વૃદ્ઘિ પામે છે તથા એક પ્રાણીના શરીરમાં પ્રવેશ કરે છે, તેમજ સરખા જ પ્રકારનો રોગ પેદા કરે છે. પરંતુ તેમાં એક ચોક્કસ ખાસિયત એ જોવામાં આવી હતી કે, તે માત્ર જીવંત કોષોમાં – ખાસ કરીને તે જેના સંસર્ગમાં આવે તે કોષોમાં જ ઊછરી શકે છે, ઉદભવી શકે છે. તે એવા પરોપજીવી (PARASITE) છે કે, તેની આવી ખાસિયત મુજબ તે અન્યત્ર ઉદભવી શકતા નથી.
બીજી તરફ, વાઇરસ લાગુ પડયો હોય તેવા વનસ્પતિના વિવિધ છોડના અભ્યાસ ઉપરથી એક નવો વિચાર પણ ઉદભવ્યો છે. આ વિચારસરણી એવી છે કે, વનસ્પતિના છોડમાં રહેલાં વાઇરસનું ઝેર જીવંત હોવું જરૂરી નથી. તે કોઇ, ઝેરયુકત રાસાયણિક કણ પણ હોય શકે છે. તે ભલે ગુણિત થવાનાં, વૃદ્ઘિ પામવાનાં કે અન્યત્ર પ્રસરવાનાં, તબદીલ થવાનાં લક્ષણો દર્શાવતું હોય, તેમ છતાં તેનામાં બીજા ગુણધર્મો જીવંત પદાર્થો કરતાં અન્ય રાસાયણિક પદાર્થો જેવા જણાયા હતા. આ વિચારસરણીને પ્રયોગો દ્વારા, સહુ પ્રથમ અમેરિકામાં સમર્થન મળ્યું હતું.