"જીવનમાં ક્યા પથ્યનું પાલન કરીએ ?" એક બહેને વિનોબાજીને પૂછ્યું.
બાબા કહે: "ભગવાને મનુષ્યને બે કાન આપ્યાં છે, જીભ એક છે. તો સાંભળો વધુ અને બોલો ઓછું. નિરીક્ષણ અધિક, બોલવું ઓછું."
અમેરિકન મુલાકાતીઓ સાથે વાથ થઈ રહી હતી. વિનોબાજી કહી રહ્યા હતા, "તમે લોકો હંમેશા ઉતાવળમાં અને ચિંતામાં. Hurry અને Worry તમને સદા સતાવે. જ્યારે મારો સૂર છે હરિ હરિ !"
આશ્રમમાં કોઈ માંદું પડે તો વિનોબાજીને મળે. સાધકને માંદગી ન પોસાય. કોઈ માંદું પડે તો બાબા તેની કારણ મિમાંસા પૂછે. ખાવા-પીવામાં, ઊંઘવા-નહાવામાં ક્યાંય કોઈ ભૂલ થઈ ? ક્યાંય અનિયમિતા, અસ્વાસ્થ્યતા દાખલ થઈ, કોઈ ચોક્કસ જવાબ ન આપી શકે તો કહે "ગુરુ આયા, ગુરુ ગયા, પરંતુ હમ તો કોરે કે કોરે રહ ગયે ! જ્ઞાન કુછ ભી નહીં મિલા." તેમનું માનવું હતું કે માંદગી ગુરુ બનીને આવે છે. તેની પાસેથી જ્ઞાન ગ્રહણ કરીએ તો તે ફરી ન ફરકે.