ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઈનો જન્મ ઈ. ૧૯૧૯માં અમદાવાદમાં થયો હતો. કીર્તિ પ્રાપ્ત કરવાની લાલસા તેમને બચપણથી જ હતી. એમના પ્રિય વિષયો હતા. ગણિત અને વિજ્ઞાન. મુંબઈ કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ‘કોસ્મિક રે‘ એમનો પ્રિય વિષય હોઈ આ અંગે ભારતમાં ઠેર ઠેર સંશોધન કેન્દ્રો ઊભા કર્યાં. તેમણે ભારતમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના પ્રસારણની કલ્પના સૌ પ્રથમ કરી અને સાકાર પણ બનાવી. ‘શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ‘ અને ‘પદ્મભૂષણ‘ના બહુમાન એમને મળ્યાં હતા. જીનિવાની અણુ પરિષદમાં એમણે કહ્યું હતું કે "વિજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી, અધ્યાત્મનો એક યજ્ઞ છે. વિજ્ઞાન + હિંસા = સર્વનાશ." જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કર્મ કરતા રહ્યા હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે, વિજ્ઞાનને ક્ષેત્રે, પરમાણું ઊર્જા ક્ષેત્રે, ટેક્ષટાઈલ ક્ષેત્રે આજે ભારત જે કંઈ છે એનો સંપૂર્ણ યશ ડૉ. વિક્રમ સારાભાઈને ફાળે જાય છે. તા. ૨૧-૧૨-૧૯૭૧ના રોજ એમના ધરતીકંપ સમા અકાળ અવસાનથી સમસ્ત રાષ્ટ્રે ભારે આંચકો અનુભવ્યો. કુદરતે વિક્રમભાઈનું જીવન ટૂંકાવી દીધું તે દેશની કમનસીબી છે. તે લાંબું જીવ્યા હોત તો તેમની કાર્યશક્તિ દેશને ક્યાંય લઈ ગઈ હોત.