ડૉ.રમેશભાઇ ભાયાણી
આપણે ટીવીના પડદા ઉપર કે સિનેમા હોલમાં સ્પાઇડરમેન ફિલ્મ જોઇ હશે, કારણ કે વિશ્વવમાં આ સિનેમાએ ધૂમ મચાવેલી, હાથ લાંબા કરે અને તેમાંથી ખાસ પ્રકારની દોરી નિકળે, દીવાલને ચોટી જાય અને એ સ્પાઇડરમેન ઝૂલતો ઝૂલતો આગળ વધે, વાસ્તવિક રીતે આવું ન બને. કારણ કે સ્પાઇડરમેને ખાસ જાળી ધરાવતા કપડા પહેર્યા હોય અને હાથમાંથી દોરી નીકળી ધારે તે જગ્યાએ દોરી ચોટી જાય, સમાજના અસામાજિક તત્વો સામે લડે, આપણને જોવું જરુર ગમે પરંતુ ફિલ્મમાં જે સ્પાઇડરમેનની દોરી જોવા મળે છે તે, અગત્યની છે. આ દોરી જેવું રસાયણ કરોળિયા માં ઉત્પન્ન થાય છે. જેવી રીતે કુદરતી રેશમ હોય છે તે રેશમના કિડામાંથી મેળવવામાં આવે છે.
કુદરતની કરામત છે આ કરોળિયા નું જાળું. પક્ષી અને પ્રાણીઓને આવી ઘણી કરામતો કુદરતે આપી હોય છે. કરોળિયા જેવા ઘણા એવા જંતુઓ છે જેઓ પોતાના કદ કરતા પ૦ ગણા ઉંચા-મોટા કુદકાઓ મારી શકે છે તેમજ પોતાના ખોરાકનો શિકાર કરે છે. વિશ્વમાં આવા ૩૭૦૦૦ કરોળિયા જેવા વર્ગના જંતુઓ છે જે ગોળાકારમાં પોતાનું જાળું ગૂંથી શકે છે અને આ જાળામાં ફસાઇ જતા જંતુઓનો શિકાર કરે છે.
ઘણા લોકો માને છે કે કરોળિયા ના જાળામાં મળતા તાતણાં ખરાબ છે, ઉપરાંત આવા જાળાં ખાસ કરીને છાપરા નીચે, તેમજ ઘરના અમુક ખુણામાં જોવા મળે છે. જાળામાંના તાતણાં એ કોઇ સામાન્ય તાતણાં નથી, તેમજ આ તાતણાં ઉપદ્રવકારક નથી પરંતુ કરોળિયા ની નેફિલા કલાવિયેસ જાત જે જાળાં બનાવે છે તેના તાતણાં લોખંડના તારથી પણ વધુ મજબૂતાઇ ધરાવે છે. કેવલર પ્લાસ્ટિક માટે કહેવાય છે કે જેને પોતાની હત્યા થવાનો ડર હોય છે તે ખાસ આ પ્લાસ્ટિકમાંથી બનાવેલા જેકેટ તેમજ વસ્ત્રો બનાવી પહેરે છે. તેના કરતા પણ આ કરોળિયા ના જાળાના તાતણાંમાંથી બનાવેલ જેકેટ તેમજ વસ્ત્રોની મજબૂતાઇ કેટલી હશે તેની કલ્પના કરી શકો છો. આવા જેકેટ કે વસ્ત્રોને બંદૂકની ગોળીની અસર થતી નથી. બૂલેટપ્રુફ જેકેટ આવા કરોળિયા ના જાળાના તાતણાંમાંથી બનાવી શકાય છે.
કરોળિયા ના જાળામાંથી બનાવવામાં આવતું રેશમ સ્ટીલના જેટલી શકિત ધરાવે છે. આ રેશમનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. કહેવાય છે કે ચંગીસખાન લડાઇના સમયે આવા જાળાનાં તાતણાંમાંથી બનાવેલા ખાસ વસ્ત્રો પહેરતો. નેશનલ જીયોગ્રાફી ચેનલમાં એકવાર દર્શાવવામાં આવેલ કે આવા જાળામાંથી બનાવેલ દોરડા વડે જમ્બો જેટ વિમાનને ખેંચી શકાય છે. કુદરતની આવી કમાલ જોઇને વૈજ્ઞાનિકોએ આવું કૃત્રિમ સ્પાઇડરસિલ્ક કાપડ બનાવવાના પ્રયત્નો શરુ કર્યા છે. કારણ કે આવા મજબૂત દોરડા અને વસ્ત્રોની બજારમાં માંગ ઘણી છે.
સ્પાઇડરસિલ્કનો ઉપયોગ ગ્રીકના સમયમાં ઘા લાગ્યા હોય તેને ટાંકા લેવા માટે, તેમજ ઓસ્ટ્રેલિયામાં માછીમારી માટે ખાસ પ્રકારની જાળ તૈયાર કરવામાં આવતી તેમાં થતો હતો. વિશ્વ યુધ્ધ - બીજા પછી માઇક્રોસ્કોપના કાચ, બંદૂક તેમજ બોમ્બને નિર્દેશન કરતી યાંત્રિક પધ્ધતિમાં તેનો ઉપયોગ થતો હતો. કુદરતી રીતે મળતા કરોળિયા ના જાળાના તાતણાં શેના બનેલા હશે? આ સવાલનો જવાબ છે- તે ખાસ પ્રકારના પ્રોટીન જેને ફાઇબોઇન્સ કહેવાય છે તેના બનેલા હોય છે. આ તાતણાંમાંથી બનાવેલ રેશમ ‘‘સ્કેલેરો પ્રોટીન્સ‘‘ તરીકે ઓળખાય છે. કરોળિયામાં રહેલી ખાસ પ્રકારની ગ્રંથિમાં આ પ્રોટીન પ્રવાહી સ્વરુપે હોય છે એ જયારે બહાર ફેંકાય છે ત્યારે તાર નીકળે છે હવા નીકળતા તાર સખત- મજબૂત બને છે આ તારની જાડાઇ મિલીમીટરના ચાર હજારમાં ભાગ જેટલી હોય છે. જુદા જુદા પ્રકારના કરોળિયા જુદા જુદા પ્રકારના તાતણાં બનાવે છે. આ માટે ખાસ સાત પ્રકારની ગ્લેન્ડ છે જેમાં જાળાં બનાવતું પ્રવાહી બનતું હોય છે. જેને ડ્રેગલાઇન સિલ્ક કહેવાય છે તે આ પ્રવાહીમાંથી બને છે. જે ખૂબ મજબૂત હોય છે. તેમાંથી બનતા દોરડા દ્વારા એરબસ ખેંચી શકાય છે. ફાંસીના માંચડાના દોરડા પણ તેમાંથી બનાવવામાં આવે છે. જીવશાસ્ત્રીઓ હવે આવા જ કૃ્ત્રિમ રેશા બનાવવા માગે છે. આ માટે પહેલા એમ વિચાર આવેલ કે આવા કરોળિયા ની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધારવી પરંતુ તે કાર્ય મુશ્કેલ લાગ્યું પરંતુ તે દ્વારા જરૂરી માગને પહોંચી શકાય નહીં. પ્રાચીન સમયમાં તેમજ ૧૭૦૯માં જીવજંતુ શાસ્ત્રીઓ રેને એન્ટોની કેક્રોટ ડી રૌમરે કરોળિયા ના જાળાના તાતણામાંથી ગોઠણ સુધીના મોજા તૈયાર કરેલા. હવે બાયો ટેકનોલોજી દ્રારા કૃત્રિમ આવા પ્રકારનાં તાતણાં – રેશા બનાવવાનું શકય બન્યું છે. કરોળિયા ની ગ્લેન્ડમાંથી જે પ્રવાહી મળે છે તેમાં તેના જીન્સની શું ભૂમિકા છે તે જાણી શકાય છે. જેને કારણે કરોળિયા? દ્વારા તેનું વધુ ઉત્પાદન થાય તે અંગે સંશોધન થયું છે. અમેરિકન કંપની મોન્સાન્ટો અને ડયુ પોન્ટ કંપનીએ કરોળિયા ના જીનની જાણકારી મેળવી છે. તેણે એવા પ્રકારના બેકટેરિયા તૈયાર કર્યા છે જે કરોળિયા ના જાળા જેવા તાતણાં ઉત્પન્ન કરી શકે છે. એ જ રીતે એગ્રીકોલા, સાનફ્રાન્સિકો, કેલિફોર્નિયા દ્રારા આવા જ બેકટેરિયા તૈયાર કરવામાં આવ્યા છે. કેનેડિયન નેક્ષીઆના બાયોટેકનોલોજીના નિષ્ણાંતોએ ખાસ પ્રકારના મેમેલિયન કોષો તૈયાર કર્યા છે જે પ્રોટિન્સ બનાવે છે. જેનો ઉપયોગ જાળા તૈયાર કરવા માટે કરવામાં આવે છે. એની પેટન્ટ પણ મેળવેલી છે. આજે કરોળિયા ના જાળાના તાતણાંનો ઉપયોગ બૂલેટપ્રુફ જેકેટ, પેરેસુટ, પૂલના દોરડા માટે, બેઠકના બેલ્ટ, ખાસ પ્રકારના પગરખાં, મોટર ઉઘોગ, દોરડાઓમાં કરવામાં આવે છે. નેનો ટેકનોલોજીનો ઉપયોગ હવે આ ક્ષેત્રે થવા લાગ્યો છે. એવા મટીરીયલ્સ શોધવામાં આવ્યા છે જેને પોલિમેરિક નેનો કમ્પોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે કરોળિયા ના જાળાં કેટલા ઉપયોગમાં આવે છે તેનો ખ્યાલ આવે છે. છે ને કુદરતની કરામત!