ડો. રમેશભાઇ ભાયાણી
આજે જેમ જેમ વિજ્ઞાનના સંશોધનો થતા જાય છે તેમ તેમ નવા ઉપકરણો બજારમાં આવતા જાય છે. આ ઉપકરણો નવનીતમ ટેકનોલોજીને કારણે માનવ જીવનમાં ઘણી સરળતા આવી છે. વિજ્ઞાને તેનો વ્યાપ ખુબ વધાર્યો છે. ઘરગથ્થુ ઉપકરણોમાં, પાણીના શુદ્ધિકરણના ઉપકરણો, માઇક્રોવેવ ઉપકરણો, તુરત જ ઢોંકળા બની જાય, પીઝા બની જાય તેવા ઓવન, કપડાં ધોવા માટે વોશિંગ મશીન, રાંધવા માટે ગેસ એલપીજી જેવા બળતણો, વસ્તુને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે રેફ્રિજરેટર મીકસર, છાસ માટેના વલોણા, કુકર, સૂર્યકૂકર પાણી ગરમ કરવા માટેના વિવિધ પ્રકારના વોટરહિટર એ જ રીતે વિવિધ પ્રકારના વાહનો, સંદેશા વ્યવહાર માટેના ટેલિફોન, મોબાઇલ ટેકનોલોજીથી દુનિયા નાની બની ગઇ વિશ્ર્વના કોઇપણ છેડે આપણે સહેલાઇથી વાતચીત કરી શકીએ, વિવિધ ટેકનોલોજી ઘરાવતા ટેલિવિઝન, પળે પળના સમાચારો તેમજ વિવિધ ઘટનાઓની તાત્કાલિક માહિતી દ્રશ્ય સાથે ઉપગ્રહ દ્વારા સંદેશા વ્યવહારો મારફત મેળવી શકીએ છીએ. આવનારા હવામાનના બદલાવ, દરિયાઇ તુફાનોની જાણકારી અગાઉથી મેળવી શકીએ છીએ એટલું જ નહીં પરંતુ પૃથ્વીના પેટાળમાં પણ શું છે તેની જાણકારી મેળવી શકીએ છીએ.
તબીબી ક્ષેત્રે પણ એટલા જ સંશોધનો થયા છે તેને કારણે માનવીનું આયુષ્ય વધ્યું છે. ઘણા રોગોની જાણકારી પ્રાપ્ત થઇ છે અને તેની સારવાર પણ શકય બની છે. શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ પણ કરી શકાયો છે.
વિજ્ઞાનના આવા ચમત્કારો હોવા છતાં માનવી વિજ્ઞાનનો દૂરોપયોગ કરતા પણ અચકાતો નથી. જેમ જેમ ટેકનોલોજીથી ફાયદા થયા તેમ તેમ ગુનાઓનું પ્રમાણ વધ્યું સંસ્કારમય જીવન જીવવાને બદલે ઉપભોગતાવાદ વધવાથી સમગ્ર જીવન શૈલીમાં પરિવર્તન આવ્યું આવા પરિવર્તનને કારણે માનવીની અપેક્ષાઓ વધી ગઇ તેને પ્રાપ્ત કરવામાં કશું પણ કરવા તૈયાર થઇ જાય છે. તે માટે ચારિત્ર્યનીય ચિંતા કરતો નથી. આજે ખોટું બોલવું સામાન્ય ગણાય છે.
ગુનાહિત કૃત્ય કરીને કોઇપણ બહાના બનાવી તેમજ પૈસાના જોરે છુટી જવાનો પ્રયત્ન કરે છે. પુરાવાનો વિવિધ રીતે નાશ કરે છે. સાક્ષીઓને પણ બદલાવી નાખે છે કોઇવાર તો આપણે ન્યાયલયમાં વિશ્ર્વાસ રાખવો કે કેમ તેવું લાગ્યા કરે છે. આ છે અત્યારનું સ્વાભાવિક ચિત્ર. પરંતુ વૈજ્ઞાનિકો ખોટું બોલનાર માણસ કંઇ રીતે ખોટું બોલે છે, તેના મગજમાં કેવા પરિવર્તનો આવે છે એનું મન કેવું છે મનના વિચારો જાણવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ગુનાહિત કરેલો માનવી ખોટું બોલે તો તેને પકડવા માટે વિવિધ ટેકનોલોજી છે તે માટેનું ખાસ વિજ્ઞાન છે જેને ફોરેન્સિક સાયન્સ કહેવાય છે. ફોરેન્સિક સાયન્સ મડદાને પણ બોલતા કરી શકે છે. માનવીનું મૃત્યુ કઇ રીતે થયું. કેવા સંજોગોમાં થયું તેની જાણકારી આ વિજ્ઞાનથી શકય છે. મધ્ય પ્રદેશના સંજય જોશીનો સેકસ-જાતીય સીડી હોય કે તેલગીના સ્ટેમ્પ પેપરના ગોટાળા હોય તે બધું ફોરેન્સિક સાયન્સ લોહીનું એક ટીપું કે હાડકાંનો એક ટૂકડો કે શરીરનો એક વાળ કે વિર્યના એક અવશેષને કારણે ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ ફિંગર પ્રિન્ટ વડે તેમજ આંખો દ્વારા તેમજ વિવિધ બાયોમેટ્રીક પદ્ધતિ દ્વારા ગુનેગારો પકડી શકાય છે.
૧૮૯૭માં ફિંગર પ્રિન્ટ બ્યુરોની સ્થાપના કલકતા ખાતે કરવામાં આવેલ. બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ ફોરેન્સિક સાયન્સનો વિકાસ થયો. ભારતમાં ૧૯૬૮માં સી.બી.આઇ. ના નેજા હેઠળ ફોરેન્સિક સાયન્સની પ્રયોગ શાળા શરૂ કરવામાં આવેલી. ગુજરાતમાં ૧લી મે ૧૯૭૪માં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના થઇ. અત્યારે ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ જુનાગઢ, સુરત અને ગાંધીનગરમાં આવી પ્રયોગશાળાઓ કાર્યરત છે. તેના દ્વારા ઘણા ગુનાઓ જાણકારી મળતાં ગુનેગારોને પકડી શકાયા છે. ગુનેગારોને પકડવા માટેની ઘણી પદ્ધતિઓ છે. રસાયણો દ્વારા જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, બેલેસ્ટિક તથા લાઇડિકેશનના દ્વારા પરીક્ષણો શકય બન્યા છે. આ માટેના ખાસ અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેની મદદથી આ તંત્રના નિષ્ણાતો પ્રાપ્ત થઇ શકે છે.
લાઇ ડિકેશન ટેસ્ટઃ એટલે કે ખોટું બોલનારને શોધી કાઢવા અથવા તો તેની જાણકારી મેળવવી. ઘણીવાર ગુનેગારને નશાકારક ઇંજેકશન આપીને સચ્ચાઇની જાણકારી મેળવવામાં આવે છે. જુઠું બોલનાર માણસને પકડવા માટે મશીન પણ તૈયાર કરવામાં આવેલ. ૧૯ર૧માં આવું એક મશીન જેમ્સ લાર્સન નામની વ્યકિતએ બનાવેલ. આ મશીનને ‘‘પોલીગ્રાફ’’ તરીકે ઓળખવામાં આવે છે.
જયારે માનવી ખોટું બોલે છે ત્યારે શરીરમાં કેટલીક રાસાયણિક અવળી પ્રક્રિયાઓ થાય છે ત્યારે હ્યદયના ધબકારા તથા પસીનો થાય છે જેની નોંધ આ ‘‘પોલીગ્રાફ’’ મશીન કરે છે. ચોરને પકડવા માટે પોલીસ દ્વારા પણ આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યકિતને પોલીગ્રાફના વાયરોની સાથે વિવિધ જગ્યાએ જોડી તેને પ્રશ્રો પૂછવામાં આવે છે, તેના જવાબો મળતા જાય તેમ આ પોલીગ્રાફ તેમના ફેરફારોની નોંધ લે છે. તેના દ્વારા ગુનેગાર પકડી શકાય છે. પરંતુ સો ટકા આ પોલીગ્રાફની મદદથી ગુનેગાર પકડાતા નથી કેટલીકવાર તો ગુનેગાર જવાબ આપવામાં એટલાં હોશિયાર હોય છે કે શરીરની પ્રક્રિયાઓમાં ફેરફાર થવા દેતા નથી. હવે આવા પોલીગ્રાફ કરતા પણ આધુનિક ટેકનોલોજી ધરાવતા યંત્રો તૈયાર થઇ રહ્યા છે. હવે જે નવું યંત્ર આવી રહ્યું છે તે છે એફ.એમ.આર.આઇ. એટલે ફંકશનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. આ યંત્ર દ્વારા મસ્તકના ભાગોનો અભ્યાસ કરવામાં આવે છે. મગજના વિવિધ જોડાણો થતા ફેરફારની બારીક જાણકારી મેળવી શકાય છે. જેનું આખું ચિત્ર તૈયાર થાય છે. ઉદાહરણ તરીકે લઇએ તો આપણે કોઇ વ્યકિત ગમતી હોય જેમની પ્રત્યે લગાવ ઉત્પન્ન પ્રથમ નજરથી થતો હોય તે સમયે આ યંત્રની મદદથી મગજમાં થતી વિવિધ ક્રિયાઓની જાણકારી મળે છે. આ યંત્ર દ્વારા આજે કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાચું અને ખોટું શું છે તેના ભેદ માટેના પ્રયોગો કરી રહ્યા છે. જે અગાઉના પોલીગ્રાફથી ઘણી સૂક્ષ્મ ક્રિયાઓની જાણકારી મેળવી માનવીના માનસની જાણકારી પ્રાપ્ત કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પોલીગ્રાફ દ્વારા હજુ વિશ્ર્વાસપૂર્વક સચોટ જાણકારી પ્રાપ્ત મેળવી શકાતી નથી. કારણ કે તેમાં માનવી ભયભીત થતા મગજની ક્રિયાઓમાં બદલાવ આવતા નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. પોલીગ્રાફથી ખોટું બોલનાર વ્યકિત જે તનાવ અનુભવે છે તેને કારણે કે તેના લોહીના દબાણમાં થતા ફેરફારો તથા પરસેવાનો અભ્યાસ થાય છે. પરંતુ એફ.એમ.આર.આઇ. યંત્રને છેતરવું મુશ્કેલ છે. હજુ આ યંત્ર વ્યાપારિક ધોરણે બજારમાં મુકાયું નથી. પ્રાયોગીક ધોરણે પરિક્ષણો ચાલે છે. આ યંત્ર બહુ કદમાં મોટું છે. સ્કેનર વિશાળ છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવું મુશ્કેલ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ વૈનિયાના બ્રિર્ટાન ચાંસે એવું નાની પેટી જેવું યંત્ર તૈયાર કર્યુ છે. જેમાં ખોટું બોલતા માનવીની જાણકાર મેળવી શકાય છે. બ્રિર્ટાન ચાંસ અત્યારે ૯૩ વર્ષના છે અને બાઇક પર હજુ વ્યાખ્યાન આપવા જાય છે. તેઓ એવું ઇચ્છે છે કે એવું યંત્ર બનાવવું જોઇએ કે જે પહેરી શકાય જેથી માનવીના વિચારોની ખબર તેમને જોતાની સાથે ખબર પડી જાય.
આથી એફ.એમ.આર.આઇ. તેમજ બ્રિર્ટાન ચાન્સ જેવા વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા યંત્રોને જો ધારી સફળતા મળી જશે તો ફોરેન્સિક સાયન્સમાં ક્રાંતિ આવશે. આપણા પુરાણોમાં એવી કથાઓ છે કે જેમાં ખોટું બોલવાથી શરીરના રંગ પરિવર્તન થતા તેમજ પોતાની જાતે જ તેની દિમાગી હાલતથી શરણાગતી લઇ લેતો. આજે હવે આવા યંત્રો ખોટું દ્વારા થશે. આવા યંત્રોથી ખોટું બોલનારા પકડાઇ જશે. કદાચ રાજકારણીઓ આવા મશીનોથી ડરીને કદાચ જુદું વિચારે તો નવાઇ નહીં.