
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્વ આપી પરમાણુ મથકો સ્થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. વિઘુત ઉર્જા ઉઘોગો માટે જરૂરી હોય તેને મહત્વ આપવામાં આવ્યું તો બીજી બાજુ કૃષિ ક્ષેત્રેના વિકાસ માટે જળ સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરવામાં આવી. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો જેવા કે ડો. એમ. એસ. સ્વામીનાથનની સેવાઓ લેવામાં આવી. ૧૯પપમાં સમગ્ર દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું. ગામડાંઓનો વિકાસ તેમજ ઉઘોગોનો વિકાસ એક સાથે થાય તેવું આયોજન કરવામાં આવ્યું.
૧૯૬૦માં અંતરીક્ષ ક્ષેત્રે આગળ વધવા માટે અંતરીક્ષ ક્ષેત્રે સંશોધનો શરૂ કરવામાં આવ્યાં તે માટે આગળ જતા ડો. વિક્રમ સારાભાઇ જેવા સ્વપ્નદ્રષ્ટાને તેનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આમ ત્રણ બાજુએથી વિકાસની કેડી કંડારવામાં આવી. ૧૯૭૦ના દાયકામાં આર્યભટ, ભાસ્કર, રોહિણી, એપલ જેવા ઉપગ્રહો તૈયાર કરવામાં આવ્યાં. આ યાત્રા આનાથી પણ આગળ ચાલી સફળતા મળતા ભારતે ઇન્સેટ અને આઇઆરએસ જેવા ઉપગ્રહો તૈયાર કરવાનું નક્કી કર્યુ અને આ બધું જ કાર્ય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને સોંપવામાં આવ્યું. તેના દ્વારા ૧૯૮૦માં ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇન્સેટ સંદેશા વ્યવહાર અને ટી.વી. ચેનલો માટેની ખાસ પધ્ધતિ વિકસાવતા ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ તેને અંતરીક્ષમાં મોકલવા માટે રોકેટ તૈયાર કરવાનું પણ નક્કી થયું તે મુજબ એસએલવી સેટેલાઇટ લોન્ચ વેટીકલ, એએસએલવી એગ્યુમેન્ટલ સેટેલાઇટ લોન્ચ વેટીકલ પીએસએલવી, પોલર સેટેલાઇટ લોન્ચ વેટીકલ અને વિશિષ્ટ પ્રકારનું રોકેટ જીએસએલવી, જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેટિકલ તૈયાર કરવામાં આવ્યા. સંદેશા વ્યવહાર, ટી.વી. ચેનલો તથા અન્ય ઉઘોગોને મદદરૂપ થઇ શકે તે માટેના ઇન્સેટ પ્રકારના ૧પ ઉપગ્રહો ભારતે અંતરિક્ષમાં સફળતાર્પૂવક મૂકયા છે. તે ઉપરાંત સંશોધનો માટે, જમીનના પેટાળમાં શું છે, દરિયાના તળિયાના ભાગોમાં શું છે, તેમજ વિવિધ સ્ત્રોતોની જાણકારી માટે ખાસ પ્રકારની ટેકનોલોજી ધરાવતા આઇઆરએસ, રીમોટ સેન્સીંગ સેટેલાઇટ આઇઆરએસ, જેવા આઠ ઉપગ્રહો અંતરીક્ષમાં સ્થાપન કરવામાં સફળતા મળી છે. તે ઉપરાંત હવામાનની આગાહી, કુદરતી આફતો વગેરેની જાણકારી માટેના વિવિધ ઉપગ્રહો રિસોર્સ સેટ, કાર્ટો સેટ, હેમ સેલ કેળવણી માટે એજયુકેટ જેવા ખાસ ઉપગ્રહો તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્વના આઠ દેશોમાં ભારતનું આ ક્ષેત્રે સ્થાન છે. તે ઉપરાંત હવે તો જર્મની, કોરીયા, બેલ્જીયમ, ઇન્ડોનેશિયા, ચીલી વગેરે દેશોના ઉપગ્રહોને આપણે અંતરીક્ષ ક્ષેત્રે મોકલી આપ્યા છે. વ્યાવસાયિક રીતે આમાં આપણે પદાર્પણ કર્યુ છે. ર૦૦૮માં ચંદ્રાયાન-૧ આપણે ચંદ્રના અભ્યાસ માટે તૈયાર થઇ ગયા છે. આ બધી જ સફળતાનો આધાર આપણા વૈજ્ઞાનિકો અંતરીક્ષ ક્ષેત્રના નિષ્ણાતો પ્રો. સતીષ ધવન, યુ. આર. રાવ, કસ્તુરી રંજન તેમજ પધારેલા ડો. જી. માધવન નાયર, તેમજ વિવિધ ઉઘોગોના તજજ્ઞોનો ફાળો છે. આ માટેના જરુરી નિયંત્રણ અંગેના મથકો સમગ્ર દેશમાં સ્થાપવામાં આવ્યા છે.
ડો. જી. માધવન નાયરનો જન્મ ૩૧મી ઓક્ટોબર ૧૯૪૩માં કેરાલા રાજયમાં થયેલો. ૧૯૬૬માં તેમણે કરેલ યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રીક એન્ડ કોમ્યુનિકેશનમાં સ્નાતક પદવી મેળવી, ભાભા સંશોધન કેન્દ્રમાં નોકરી લીધી, ૧૯૬૭ થી ર૦૦૩ સુધી આજ વિભાગોમાં તેમજ વિવિધ સંસ્થાઓમાં જવાબદારી સંભાળી ર૦૦૩થી તેઓ ઇસરોના ચેરમેન બન્યા.
ડૉ.રમેશભાઇ ભાયાણી