પરિચય :
વાવડિંગ (વિડંગ, વાયવિડંગ)ના ભારતના તમામ ભાગોમાં પહાડી પ્રદેશોમાં ગુલ્મ તથા વેલ જેવો છોડ થાય છે. તેનું થડ માણસની જાંઘ જેટલું જાડું, ડાળીઓ ખરબચડી, અનેક ગાંઠવાળી; છાલ અર્ધો ઈંચ જાડી, ચમકતી, અંદર ધૂળિયા રંગની; અનેક છિદ્રવાળી શાખાઓની ડાળખીઓ નજીકના ઝાડનો આશ્રય લઈ, વીંટાઈને ઉપર ચડે છે. તેના પાન અંડાકાર, તીણી અણીના, ૨-૫ ઈંચ લાંબા, ઉપરથી ચમકતા, બંને તરફ રૂંવાટીવાળા થાય છે. ડાળીઓ બહુ કોમળ-સફેદ રંગની હોય છે. તેની પર મેંદીના બી જેવા ગોળાકાર અને તેના જેવડા, પાકે ત્યારે (સૂકી થાય ત્યારે) લાલાશ પડતા કાળા રંગના ગુચ્છામાં ફળ થાય છે. તેમાં ૧-૧ બીજ હોય છે. આ બીજ (ગોળ દાણા) જ ‘વાવડિંગ‘ તરીકે દવામાં ખાસ કરી, પેટનાં તમામ જાતના કૃમિ (કરમિયા) માટે વપરાય છે.
ગુણધર્મો :
વાવડિંગ કડવાં, તીખાં, ગરમ, હળવા, રૂચિકર્તા, ભૂખવર્ધક, પાચનકર્તા, મળ-મૂત્ર સરકાવનાર, મૂત્રલ, ઉત્તમ, કૃમિનાશક, બળપ્રદ, વાયુનાશક, મસ્તક અને જ્ઞાનતંતુ માટે બળપ્રદ, રક્તશુદ્ધ કર્તા અને રસાયન છે. તે મંદાગ્નિ, અરૂચિ, ભ્રાંતિ, કૃમિ, શૂળ, આફરો, પેટનાં દર્દો, બરોળ વધવી, અજીર્ણ, દમ, ઉધરસ, હ્રદયરોગ, વિષદોષ, કબજિયાત, આમદોષ, મેદ તથા પ્રમેહનો નાશ કરે છે. તે ધનુરવા, વાઈ, ફેફરુ, અર્ધાંગવાયુ (પક્ષઘાત) અને મગજના તથા જ્ઞાનતંતુઓના રોગ પણ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧)
પેટના ચપટાં કૃમિ : વાવડિંગનો ઉકાળો કે તેનું ચૂર્ણ રોજ મધ સાથે ખાલી પેટે આપવું. આ પ્રયોગમાં દર્દીને રોજ ૧ વાર હરડેનો ઘસારો કે તેની ફાકી જરૂર આપવી.
(૨)
બાળક નિરોગી બનાવવા : બાળક જન્મે ત્યારથી ૧ માસ સુધી તેને રોજ ૧ વાવડિંગનું ચૂર્ણ મધમાં દેવું. દરેક મહિને ૧-૧ વાવડિંગ વધારતા જવું. એમ ૧ વર્ષના પ્રયોગ કરવાથી જન્મેલું બાળક કાયમ નિરોગી રહેશે.
(૩)
અરૂચિ અને તાવ : વાવડિંગનું ચૂર્ણ મધમાં ચાટવું. વાવડિંગ એલચી અને તજની ગોળમાં ગોળી બનાવી, ચૂસવાથી અરૂચિ મોળ મટે.
(૪)
બાળકની ઉધરસ અને દમ : વાવડિંગ, સૂંઠ અને તજનું ચૂર્ણ બાળકને મધમાં ચટાડવું.
(૫)
કૃમિજન્ય – હ્રદયરોગઃ વાવડિંગ અને કોલિંજન (અથવા અર્જુન છાલ)નું ચૂર્ણ ગોમૂત્રમાં નાંખી પીવું.
(૬)
મળશુદ્ધિ થવા (ઝાડો સાફ લાવવા) : વાવડિંગ અને અજમાનું ચૂર્ણ ગોળના ગરમ પાણી સાથે લેવું.
(૭)
રસાયન પ્રયોગ : વાવડિંગ અને જેઠીમધનું ચૂર્ણ રોજ મધ સાથે કાયમ લેવાય, તો વૃદ્ધાવસ્થા આવતી નથી, શરીર સદાબહાર યુવાન અને બળવાન રહે છે.
(૮)
સૂકવા (બાળકનું સુકતાનઃ હાથ પગ દોરડી, પેટ ગાગરડી) : વાવડિંગને અનંતમૂળનું અર્ધા ગ્રામ ચૂર્ણ રોજ સવારે મધમાં ને સાંજે માખણમાં દેવું. તેથી બાળક નીરોગી અને સુદ્રઢ બનશે.
(૯)
ધનુર્વા, વાઈ, અર્ધાંગવાયુ (પક્ષઘાત) : મગજની ખામી : વાવડિંગ લસણની કળી સાથે દૂધમાં ઉકાળી રોજ પીવાથી લાંબા સમયે લાભ થશે.
(૧૦)
પેટના દર્દો : વાવડિંગનું ૫ ગ્રામ ચૂર્ણ રોજ જમ્યા પછી તાજી છાશમાં લેવાથી મંદાગ્નિ, અરૂચિ, અજીર્ણ, ઊલટી, શૂળ, આફરો અને હરસ-મસા મટે છે.