રોહિત જીવાણી
આપણે મેઈન ગેઈટ, દાદર તથા મુખ્ય દ્વાર વિશે ચર્ચા કરેલી. હવે ઘરની અંદર દરેક રૂમ કોઈ જગ્યાએ હોવો જોઈએ તેની ચર્ચા કરીએ ચર્ચાનો પ્રારંભ આપણે પૂજાસ્થળથી કરીએ.
આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થઈને વિદેશમાં પણ લોકો ધ્યાન યોગ તરફ વળ્યા છે. તથા દિનચર્યામાં પૂજા – પાઠને મહત્વ આપતા થયા. ઋષિકાળથી ગૃહસ્થી જીવન જીવનાર વ્યક્તિ પોતાના ઘરમાં એક અલાયદો રૂમ રાખે છે તથા ત્યાં ઈશ્વરની આરાધના કરે છે. હાલના સંકડામણ તથા અન્ય કારણો સર ઘણી વખત અલાયદો પૂજારૂમ બનાવવો શક્ય નથી બનતો, તેવા સંજોગોમાં ઘણા લોકો શયનકક્ષની સાથે પૂજા મૂકે છે તે યોગ્ય નથી. આવો, પૂજારૂમ બાબતે કેટલીક ચર્ચા કરીએ.
ઘરનો ઈશાન કોણ પવિત્રમાં પવિત્ર કોણ છે, વાસ્તુ પુરુષનું મસ્તક આ દિશામાં હોય આ દિશાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. શક્ય હોય તો પૂજાનો રૂમ? ઈશાન કોણમાં બનાવવો જોઈએ તથા ઈશાનની આજુબાજુના ઉત્તર કે પૂર્વના? ભાગમાં પૂજારૂમનું નિર્માણ કરી શકાય, પૂજારૂમમાં બને તો સફેદ આરસ લગાવવો વધારે ઉચિત રહે છે. આરસમાં હકારાત્મક વાઈબે્શન જનરેટ કરવાની ગજબની શક્તિ હોય છે.
શક્ય હોય તો પૂજારૂમમાં નીચે લાદી ન નખાવતા ગાયના છાણથી આ જગ્યાને લીંપવી જોઈએ. ગાયના છાણથી પૂજાઘરની બેઠક વ્યવસ્થા બનાવવાથી તુર્ત જ ધ્યાન લાગી જાય છે. આ ઉપરાંત પૂજારૂમનું નિર્માણ પિરામીડ આકારમાં પણ કરી શકાય. પિરામીડના મધ્ય ઉર્જાક્ષેત્રમાં બેસી ધ્યાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે. પૂજાઘરને ઈશાન કે આજુબાજુના ઉત્તર પૂર્વમાં બનાવાય તે આપણે જોયું, આ ઉપરાંત એ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે પૂજારૂમને અડીને ટોઈલેટ કે સેફટીટેન્ક કે ડ્રેનેજ ન હોવું જોઈએ.

પૂજારૂમની આજુબાજુની જગ્યા પવિત્ર રહે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ઉપર માળ લીધો હોય તો શક્ય હોય ત્યાં સુધી ત્યાં પણ બેડરૂમ ન બનાવવો જોઈએ. અર્વાચીન ધ્યાન-યોગની પદ્ધતિઓ પૂજારૂમને જમીનના લેવલથી નીચે બનાવવાની પણ હિમાયત કરે છે.
જેનો મુખ્ય હેતુ વધુ શાંતિ હોઈ શકે – આ ઉપરાંત જમીન લેવલથી નીચે ગહન વાઈબ્રેશનનો અનુભવ પણ હોઈ શકે. અગાઉના સમયમાં બૌધ સાધુઓ પણ ગુફામાં ભોંયરા બનાવી સાધના કરતા, પરંતુ વાસ્તુમાં ભોંયરૂં યોગ્ય મનાતું નથી. પરંતુ પૂજાના હેતુથી ગાયના છાણથી પવિત્ર કરેલુ તથા ઈશાનમાં રહેલ ભોંયરૂં શુભ ગણી શકાય.
અગાઉ વાત કરી તે મુજબ હાલના સમયમાં જ્યારે જગ્યાની સંકડામણ અનુભવાતી હોય ત્યારે અલાયદો પૂજારૂમ બનાવવો શક્ય ન હોય તો પૂજાને જ્યાં બાળકોનો અભ્યાસ રૂમ બનાવ્યો હોય ત્યાં સાથે પૂજા રાખી શકાય. ઉપરોકત બાબતો પણ શક્ય ન હોય તો અને તો જ ડ્રોઈંગરૂમમાં પૂજા રાખવી. ડ્રોઈંગરૂમમાં પૂજા ન રાખવાનું કારણ એટલું જ છે કે ત્યાં કોઈપણ વ્યક્તિ આવી બેસી જાય જેથી પૂજા કરનારનું ધ્યાન ડાયવર્ટ થાય, વળી નકારાત્મક ઉર્જા ધરાવતો વ્યક્તિ મહેમાન બની આવે તો એની અસર તુર્ત જ પૂજા પર થાય. આમ શક્ય હોય ત્યાં સુધી પૂજાને અલાયદા રૂમમાં, રસોડામાં કે અભ્યાસ રૂમમાં રાખવી. ન જ ચાલે તેમ હોય તો જ ડ્રોઈંગરૂમમાં પૂજા ગોઠવવી, પરંતુ બેડરૂમમાં કદાપિ પૂજા ન રાખવી.
પૂજાકક્ષમાં આસોપાલવનું તોરણ બાંધવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે, આ ઉપરાંત આકડાના ગણેશજી કે સવનના લાકડામાંથી બનાવેલા ગણેશજીની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.