
સામાન્યતઃ ઘરમાં જો સીટીંગ રૂમને ઉત્તર દિશામાં બનાવવામાં આવે તો શ્રેષ્ઠ ગણાય, છતાં પૂર્વ કે ઈશાનમાં પણ સીટીંગ રૂમ બનાવી શકાય. સીટીંગ રૂમમાં રાખવામાં આવતું ફર્નિચર ચોરસ કે લંબચોરસ હોય તે ઈચ્છનીય છે. ગોળ કે અંડાકાર ફર્નિચરનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઈએ આ ઉપરાંત ડ્રોઈંગ રૂમમાં કુલ બેકી સંખ્યામાં દ્વાર હોવા જોઈએ. વળી બારસાખ લંબચોરસ જ રાખવી જોઈએ. ડીઝાઈન માટે ઉપર કમાન આકાર કે ગોળાકાર દ્વાર ન બનાવવું જોઈએ. ટુંકમાં દિવાનખંડ ઉત્તરમાં, પૂર્વમાં કે ઈશાનમાં બનાવવો જોઈએ. ડ્રોઈંગરૂમ એવી રીતે બનાવવો જોઈએ કે જેથી બ્રહ્મકેન્દ્ર પર ભાર ન આવે.
ડ્રોઈંગ રૂમમાં સોફા કે સેટી અથવા કોઈપણ ભારે વજનવાળું ફર્નિચર દક્ષિણ કે પશ્ચિમે ગોઠવવું જોઈએ. આ ઉપરાંત તિજોરી, કબાટ જેવી જગ્યા રોકે તથા વજન કરે તેવી વસ્તુઓ દક્ષિણે કે પશ્ચિમે રાખી શકાય જેથી ઉત્તર-પૂર્વ દિશામાં જગ્યા તથા હવા ઉજાસ રહે.
ડ્રોઈંગ રૂમના અગ્નિ ખૂણામાં ટેલીવિઝન, વીડિયો પ્લેયર કે ઓડીયો પ્લયેર વિગેરે ગોઠવી શકાય. આ ઉપરાંત હીટર, ચાર્જર જેવી ઈલેકટ્રોનિક્સ આઈટમ્સ અગ્નિખૂણામાં રાખી શકાય. ડ્રોઈંગરૂમમાં સીંગલ સોફા બેઠક કે ચેઈર એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી ઘરની વ્યક્તિ નૈઋત્ય દિશામાં સ્થાન ગ્રહણ કરી શકે.
ખાસ વાત એ કે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશની સાથે જ આવનારને ગણપતિની પ્રતિમા દેખાય તેમ ગોઠવવાથી અત્યંત લાભ પ્રાપ્ત કરી શકાય છે.
ટેલીફોન, ફેકસ, મોબાઈલ રાખવાની જગ્યા વગેરે સાધનો માટે વાયવ્ય કોણ વધુ અનુકૂળ આવે છે. આજ રીતે પૂજાની વસ્તુ કે દેવ-દેવીના ફોટા ઈશાન કોણમાં રાખવા જોઈએ. આ ખૂણાને શકય તેટલો પવિત્ર રાખવો જોઈએ. ડ્રોઈંગરૂમમાં વોલપેપર લગાવવા જોઈએ.
સીટીંગ રૂમમાં ઉત્તર તરફ શો- કેસ ગોઠવી શકાય. આ ઉપરાંત પશ્ચિમ દિશામાં માછલીઘર પણ મૂકી શકાય. શો-કેસમાં મહાન વિભૂતિને લગતા શિલ્ડ વિગેરે હોય તો મૂકી શકાય. આ ઉપરાંત પ્રેરણારૂપ થઈ શકે તેવા આલેખનો પણ કરી શકાય.
અંતે એ યાદ રહે કે, આવનાર વ્યક્તિ માટે આપણો ડ્રોઈંગરૂમ એ આપણી ઓળખ બની રહેવાનો છે, તેથી શક્ય તેટલી સારી રીતે તેને સજાવવા પ્રયત્ન કરવો જોઈએ. દ્વાર પર હંમેશા તાજુ આસોપાલવનું તોરણ લગાડી શકાય તો સારૂ પરિણામ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ડ્રોઈંગરૂમમાં સારી એવી કાર્પેટ પણ બિછાવી શકાય.
ડ્રોઈંગરૂમમાં જે કાર્પેટ બિછાવવામાં આવે તેનો રંગ પણ બ્લુ, યેલો, ગ્રે કે ગ્રીન શાખી શકાય. અગાઉ કહ્યું તેમ કાર્પેટ વોલપેપર તથા દિવાલના રંગનું યોગ્ય મેચીંગ થાય તે જરૂરી છે. વળી આ ત્રણેયમાંથી ક્યાંય લાલ રંગ ન આવે તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. હાલના સમયમાં ઘણા લોકો સીલીંગમાં પ્લાસ્ટર ઓફ પેરીસનો ઉપયોગ કરે છે તથા તેમાં કલાત્મક ડીઝાઈનીંગ કરાવે છે. આ ઉપરાંત તેમાં વિધવિધ રંગની લાઈટીંગ ઈફેક્ટ પણ આપે છે. ડ્રોંઈગરૂમ માટે સારી મ્યુઝીક સીસ્ટમ, લાઈટીંગ સીસ્ટમ ઈચ્છનિય છે. આ પ્રકારની સીસ્ટમથી સારૂ વાતાવરણ ઊભુ કરી શકાય છે. જેથી ઘરમાં હકારાત્મક વાઈબ્રેશનનો જન્મ થાય છે.
ડ્રોંઈગરૂમને ક્રીમ, આછો ભુરો, આછો લીલો કે ગુલાબી રંગ કરી શકાય છે. પશ્ચિમ દિશામાં પન્નાનો ઉપયોગ કરવાથી સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
મિત્રો, ઘણી વખત એવું જોવામાં આવયું છે કે જે-તે વિષયના ઘંઘાર્થી કે વિદ્વાન લોકો પોતાના ડ્રોંઈગરૂમનો ઉપયોગ ઓફીસીઅલ કામકાજ માટે પણ કરતા હોય છે. ઘણા ડૉકટર મિત્રો તથા વકીલ મિત્રો તેની પ્રેક્ટિસનો ઘણોખરો સમય અહીં વિતાવે છે. આ સમય દરમિયાન મિટીંગ વગેરે પણ થતા હોય છે કે, કલાયન્ટને મળવાનું થતું હોય છે. આવા સંજોગોમાં ખાસ મુખ્ય વ્યક્તિએ પોતાનું સ્થાન નૈઋત્ય દિશામાં ગ્રહણ કરવું જોઈએ. આ ઉપરાંત ડ્રોંઈગરૂમના મુખ્ય ટેબલ પર ઈષ્ટદેવની નાની પ્રતિમા કે શ્રીયંત્ર રાખવાથી સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.