
દરેક ધર્મમાં પૂજા પહેલાના સ્નાનને મહત્વ આપવામાં આવ્યું છે. આ સ્નાન પવિત્ર જગ્યાએ જ થવું જોઈએ, હાલના સમયમાં બાથરૂમ તથા શૌચાલય સાથે બનાવેલા હોય છે. જે આ વિભાવના સાથે મેળ ખાતા નથી. હકીકતમાં શૌચાલયનું સ્થાન ઘરની બહાર જ હોવું જોઈએ, જો જગ્યાની અનુકુળતાથી આ શક્ય બનતું હોય તો શૌચાલયને અવશ્ય ઘરની બહાર જ બનાવવું જોઈએ.
શૌચાલયને પ્લોટના નૈઋત્ય ખુણામાં બનાવી શકાય, આ ઉપરાંત વાયવ્યમાં પણ શૌચાલય બનાવી શકાય પરંતુ ઈશાન, ઉત્તર, પૂર્વમાં શૌચાલય ન જ બનાવવું જોઈએ સામાન્યત: અગ્નિકોણમાં પણ શૌચાલય નિષેધ છે.
અગાઉ વાત કરી ગયા તે મુજબ માત્ર સ્નાન માટે બાથરૂમ અલગથી બનાવવાથી વાસ્તુમાં હકારાત્મક વાઈબ્રેશન પ્રાપ્ત કરી શકાય છે. સ્નાન કરતી વખતે સૂર્યદેવની કૃપા વરસતી રહે તે માટે સ્નાનાગૃહ પૂર્વ દિશામાં મધ્યે બનાવવું જોઈએ તથા ઉપરના ભાગે પ્રકાશ આવી શકે તે રીતે બારી રાખવી જોઈએ. પશ્ચિમના દેશો પણ હવે સનબાથનું મહત્વ સમજવા લાગ્યા છે. તો આપણે પણ આપણું બાથરૂમ એ રીતે તૈયાર કરવું જોઈએ. જેથી સૂર્યનારાયણ આશીર્વાદ પાઠવી શકે. બાથરૂમની ટાઈલ્સ કોઈપણ લાઈટ કલરની હોવી જોઈએ. આ ઉપરાંત દિવાલો રંગવાની હોય તો સફેદ, સ્કાય બ્લુ કે કોઈ લાઈટ રંગ લેવો જોઈએ.
સ્નાન એ એક દિવ્ય ઘટના છે, દરેક મનુષ્ય સ્નાન કરતી વખતે પોતાના ઈષ્ટદેવને યાદ કરી શકે આ ઉપરાંત આપણા શાસ્ત્રમાં સ્નાન કરતી વેળાએ કરાવાની વિશેષ સ્તુતીઓ પણ આપેલી છે. તેનો ઉપયોગ કરી શકાય. વેદકાળમાં નદીમાં સ્નાન કરતા કરતા સૂર્યનારાયણને અધર્ય આપવાનો તથા મંત્રોચ્ચારનો મહિમા ગવાયો છે. જો કે આજના બાથરૂમમાં આ કાર્ય અરીસા વડે પૂર્ણ કરી શકીએ સ્નાન કરવાથી જે હકારાત્મક વાઈબ્રેશન શરીરમાં ઉત્પન્ન થયા હોય તેને અનેક ગણા કરવા માટે આ વિધાન હોઈ શકે આમ, અરીસો આધ્યાત્મિક રીતે જરૂરી છે. સાથે સાથે તૈયાર થવામાં પણ ઉપયોગી થઈ પડે છે. અરીસાને બાથરૂમની ઉત્તરે ગોઠવવો વધુ અનુકુળ રહે છે. આ ઉપરાંત શાવર, વોશબેસિન, જેવી વસ્તુઓને બાથરૂમમાં ઉત્તરે રાખવી યોગ્ય ગણાય જયારે ગીઝર, હેર ડ્રાયર જેવા ઈલેકટ્રીકથી ચાલતા પદાર્થોને અગ્નિખૂણામાં સેટ કરવા જોઈએ. કપડાનો કબાટ, બાથટબ વગેરેને પશ્ચિમ દક્ષિણે એટલે કે નૈઋત્ય ખૂણામાં રાખવા જોઈએ. પાણીનો નિકાલ વાયવ્ય ખૂણામાંથી થાય તે ઈચ્છનીય છે.
ઉપરોકત રીતે બાથરૂમ બનાવવાથી ગૃહ નિર્માણમાં બાથરૂમનો સો ટકા લાભ પ્રાપ્ત કરી શકાય છે. તથા હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે.
શૌચાલય બનાવવામાં પણ કેટલીક તકેદારી જરૂરી છે, શૌચાલયને કદાપી ઈશાનમાં ન બનાવવું જોઈએ જે લોકો ઈશાન કોણના શૌચાલયનો ઉપયોગ કરે છે તથા તે ગૃહમાં નિવાસ કરે છે, તેને દૈવી રોષનો સામનો કરવો પડે છે તથા દરેક કાર્યમાં વિધ્ન આવ્યા કરે છે. સામાન્યતઃ એક વખત મકાન બની ગયા પછી તેમાં તોડફોડ કરવી વાજબી નથી. પરંતુ જો ભૂલથી પણ ઈશાન કોણમાં શૌચાલય બની ગયું હોય તો તેને બદલવું આવશ્યક થઈ પડે છે.

શૌચાલયને દક્ષિણ – પશ્ચિમે બનાવવું યોગ્ય રહે છે. તેમાં દક્ષિણ- દિશામાં વાસણ બેસાડવું જોઈએ, શૌચાલયમાં ઉત્તર તરફ કે પૂર્વ તરફ બેસી નિવૃતિ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ ઉપરાંત ઉત્તર પૂર્વ તરફથી તાજી હવા શૌચાલયમાં પ્રવેશ કરી પશ્ચિમ બાજુએ નિર્ગમન પામે તે રીતે બારીઓ કે વેન્ટિલેશન ગોઠવવા જોઈએ મિત્રો આપણે અલગ- અલગ રીતે બાથરૂમ તથા શૌચાલયની વાત કરી તથા શાસ્ત્રોકત ચર્ચા કરી. પરંતુ હાલના સમય મુજબ જો એટેચ બાથરૂમ બનાવવું હોય તથા શૌચાલય સાથે મૂકવું હોય તો બંને વચ્ચે બ્લુ રંગનો પરદો અવશ્ય ગોઠવવો જોઈએ જેથી બંનેની ઉર્જાઓને અલગ અલગ વહેંચી શકાય બાથરૂમમાં ડામર ટાઈપના એર ફ્રેશનરને અવશ્ય રાખવા જોઈએ તથા હવા ઉજાસ રહે તેવી ગોઠવણ કરવી જોઈએ. આ પ્રકારના એટેચ બાથરૂમને શક્ય હોય ત્યાં સુધી વાયવ્ય કોણમાં બનાવવા જોઈએ.
હાલના મકાનમાં એકથી વધુ એટેચ બાથરૂમ બનાવેલા જોવા મળે છે, આમ છતાં મહેમાનો માટે તથા રૂટિન ઉપયોગ માટે એક કોમન ટોઈલેટ ઘરની બહાર બને તે ઈચ્છનિય છે તથા ઘરની અંદર ઓછામાં ઓછું એક બાથરૂમ સીંગલ હોવું જોઈએ કે જયાં માત્ર સ્નાન કરવામાં આવતું હોય અને પવિત્રતા જળવાતી હોય, આમ કરવાથી આપણે સ્નાન દ્રારા શકિતનો સંચય કરી શકીશું.