શ્રી રોહિત જીવાણી
(૧) ભોંયરૂઃ- આમ ગણવા જઈએ તો વાસ્તુશાસ્ત્રમાં જમીનથી ઉંડાઈમાં કોઈ રૂમ ન હોવો જોઈએ. હાં, જે લોકો ધ્યાન – યોગ સાધના કરવા ઈચ્છતા હોય તેઓ એકાદ માથોડું જેટલો ઉંડો નાનો રૂમ બનાવી શકે, પરંતુ હાલના સંકડાશના સમયમાં મકાનમાં ભોંયરા બનાવવાનું કોમન બની ગયું છે, જેને અંગ્રેજીમાં સેલર કહેવામાં આવે છે. જો મકાનમાં આ સેલર બનાવવું જરૂરી જ હોય તો ઉત્તર કે પૂર્વમાં બનાવી શકાય.
(૨) ઝરૂખો/બાલ્કનીઃ- ઝરૂખો એ એક સુંદર એલીવેશન છે રહેનારની શાન દર્શાવવા માટે સુંદર ઝરૂખો પૂરતો છે. મકાનમાં ઉત્તર કે પૂર્વ ઝરૂખો મૂકવો લાભદાયી છે, ઈશાન ખૂણામાં પણ ઝરૂખો મૂકી શકાય જેથી અવકાશમાંથી વ્યાપ થતા હકારાત્મક કિરણો પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ દક્ષિણ કે નૈઋત્ય દિશામાં કદી ઝરૂખો મુકવો ન જોઈએ. દક્ષિણ – નૈઋત્ય તથા પશ્ચિમમાંથી ચોક્કસ સમયે નકારાત્મક કિરણો પ્રસારિત થતા હોય ઝરૂખો મૂકવો હિતાવહ નથી.
(૩) ઓસરી/વરંડોઃ- સામાન્ય રીતે ઓસરી કે વરંડો પણ ઉત્તર તથા પૂર્વે સારા માનવામાં આવ્યા છે. પશ્ચિમે ઓસરી મધ્યમ ફળદાયી તથા દક્ષિણે નેષ્ટ ફળ આપનારી છે.
(૪) તિજોરી :- મકાનમાં લોખંડની મોટી તિજોરી ગોઠવવી હોય તો દક્ષિણ દિશામાં એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે ઉત્તર તરફ ખૂલી શકે.
(૫) ખાલી જગ્યાઃ- વાસ્તુશાસ્ત્રની બરાબર મધ્યે રિક્ત સ્થાન રહે તે સારૂ. વાસ્તુના બરાબર મધ્યભાગે જયાં વાસ્તુપુરૂષની નાભિ રહેલી છે તે બ્રહ્મસ્થાન કહેવાય છે ત્યાં જો જગ્યા ખાલી રહી શકે તો સારૂ ગણાય. આ જગ્યાએ ઘરનો કોમન હાલોચાલો રહી શકે તો સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
(૬) બારીઓઃ- મકાનમાં પૂરતા પ્રમાણમાં હવા – ઉજાસ જળવાઈ રહે તે રીતે બારીઓ મૂકવી જોઈએ. મકાનની તમામ બારીઓની સંખ્યા બેકી સંખ્યામાં રહેવી જોઈએ. વળી એક જ સાઈડમાં મૂકવામાં આવતી બારીઓની સંખ્યા પણ બેકી રહે તે ઈચ્છનીય છે. પોઝીટીવ વાઈબ્રેશનને ધ્યાનમાં રાખીએ તો વધુ બારીઓ પૂર્વ તથા ઈશાન અને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. પશ્ચિમમાં બારીઓની સંખ્યા ઓછી રાખવી જયારે દક્ષિણ તથા નૈઋત્ય ભાગમાં બારીઓ ન મૂકવી જોઈએ.

(૭) સ્ટોરરૂમઃ- નૈઋત્ય ખૂણો એ ભારે વસ્તુઓ, નકામી વસ્તઓને સંગ્રહવા માટેનો શ્રેષ્ઠ ખૂણો છે. સ્ટોરરૂમની રચના એવી રીતે કરવી જોઈએ કે ત્યાંથી વારંવાર ચાલવું ન પડે. મકાનના નૈઋત્ય ખૂણામાં નાની જગ્યામાં સ્ટોરરૂમ બનાવવો જોઈએ. આ રૂમમાં વારંવાર ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પણ રાખી શકાય. સ્ટોરરૂમમાં કોઈપણ વજનદાર વસ્તુને મૂકી શકાય. રસોઈના સામાન તથા ધન-ધાન્ય ભરવા માટેનો સ્ટોરરૂમ રસોડાની સાથે અલગથી બનાવવો. જે સ્ટોરરૂમમાં ભંગાર જેવી વસ્તુઓ ભરી હોય ત્યાં રસોઈનો સામાન કે ધાન્ય ન ભરવા જોઈએ. જો રસોઈ ઘર વાસ્તુ મુજબ અગ્નિખૂણે બનેલું હોય તો તેની બાજુમાં પૂર્વમાં સ્ટોરરૂમ બનાવી શકાય. તથા ભારે કોઠીઓ વગેરે સ્ટોરમાં દક્ષિણબાજુ રાખવું જોઈએ.
(૮) ગેરેજઃ- હંમેશા ગેરેજને મુખ્યવાસ્તુથી અલગ બનાવવું જોઈએ. ગેરેજ માટે વાયવ્યકોણને શ્રેષ્ઠ ગણી શકાય. આ ઉપરાંત ગેરેજને પશ્ચિમે કે અગ્નિખૂણામાં પણ બનાવી શકાય. શકય હોય ત્યાં સુધી ગેરેજ પર સ્લેબનો ઉપયોગ કરવા કરતા છાપરાનો ઉપયોગ કરવો જોઈએ. ગેરેજનું સ્થાપત્ય મૂળ મકાનથી કોઈ રીતે ઉંચાઈ કે પહોળાઈમાં વધુ ન હોવું જોઈએ જો મકાનની બાજુમાં વિશાળ જગ્યા વધતી હોય તો વચ્ચે ઈંટો મૂકી ગેરેજની વ્યવસ્થા અલગ રીતે કરવી જોઈએ.
(૯) પાણીની ટાંકીઃ- હાલમાં કે જયારે પાણીની સમસ્યા ઘરે- ઘરે છે ત્યારે મોટા ભાગના મકાનમાં બન્ને પ્રકારની ટાંકી જોવા મળે છે. અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી તથા ઓવરહેડ પાણીની ટાંકી, એટલે કે એક ટાંકી જમીનની નીચે બનાવવામાં આવે છે જયારે એક ટાંકી મકાનની ઉપર બનાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની ર્દષ્ટિએ જોઈએ તો ઓવરહેડ ટેન્કને નૈઋત્ય, પશ્ચિમ કે વાયવ્ય ખૂણે બનાવી શકાય. આ રીતે બનાવવામાં આવતી ટેંકની દિવાલ ખાસ જાડી બનાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની ર્દષ્ટિએ જોઈએ તો ઓવરહેડ ટેન્કને નૈઋત્ય, પશ્ચિમ કે વાયવ્ય ખૂણે બનાવી શકાય. આ રીતે બનાવવામાં આવતી ટેંકની દિવાલ ખાસ જાડી બનાવવા સલાહ છે. ટેંકને સ્લેબથી થોડી દુર બનાવાય તો વધુ સારૂ ગણાય. ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણે ઓવરહેડ ટેન્ક ન બનાવવી જોઈએ. આથી ઉલટુ અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેંકને ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણામાં જ બનાવવી જોઈએ. આ ઉપરાંત દાર કરવાનો થાય તો ઈશાન કોણની રેખાની ઉત્તરે કે પૂર્વે બનાવવાથી ઘરમાં રહેતા લોકોને લાભ પ્રાપ્ત થાય છે.