આપણે સૌ જાણીએ છીએ તેમ સામાન્ય મનુષ્ય જીવનમાં એક કે બે વખત જ ગૃહ નિર્માણ કરતો હોય છે. તેથી ગૃહ નિર્માણનું મહત્વ ખૂબ જ વધી જાય છે. વળી, ઘરમાં જેટલા સભ્યો હોય તેમાંથી કોના નામ પર જમીન તથા મકાન લેવાથી વિશેષ લાભ મેળવી શકાય છે, તે પણ એક મહત્વનો મુદ્દો છે.
દા. ત. એક પરિવારમાં પાંચ સભ્યો હોય તો, જે સભ્યની કુંડળી મુજબ મકાનનું સુખ સારામાં સારુ બનતું હોય તેના નામથી જમીન કે મકાન ખરીદવા જોઈએ. મકાન માટે સુખસ્થાનને તપાસવું જરૂરી છે તો દુકાન, ફેકટરી વિગેરે લેવા માટે દશમાં સ્થાનને પણ તપાસવું જરૂરી છે. કોના નામે સંપત્તિ લેવી તે તપાસવા માટે જન્મલગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી, નવમાંશ તથા દશા-મહાદશાનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
સૌ પ્રથમ કુંડળીના ચોથા સ્થાનનું બળ નક્કી કરવું જરૂરી છે. ચોથા સ્થાનની સ્થિતિ, ચોથા સ્થાનનો માલિક એટલે કે સુખેશની સ્થિતિ તથા ચોથા સ્થાન પર ર્દષ્ટિ કરતા ગ્રહો દ્વારા આપણે જે તે વ્યક્તિના ભાગ્યમાં મકાન છે કે નહિ, અથવા તો કેવા પ્રકારનું મકાન છે તે નક્કી કરી શકીએ. જો ચતુર્થ સ્થાને ચંદ્ર-ગુરુ કે ચંદ્ર – મંગળની યુતિ થતી હોય તો આવો જાતક એક કરતા વધુ બંગલા બનાવનાર થાય છે. આ ઉપરાંત ચતુર્થ સ્થાનેથી રાજયોગની રચના થતી હોય તો આવો જાતક મકાન ઉપરાંત, ધર્મશાળા, હૉસ્પિટલ, વાવ, મંદિર બનાવનાર થાય છે. ચંદ્ર- શુક્ર યુતિ હોય તો સુંદર બાગ – બગીચાવાળું મકાન બનાવનાર થાય છે. ચોથા સ્થાન પર ગુરુની ર્દષ્ટિ હોય તો જાતક શ્રેષ્ઠ તથા પવિત્ર મકાન બનાવનાર થાય છે. પરંતુ ચોથા સ્થાનનો માલિક જો વ્યયભાવ એટલે કે બારમા ભાવમાં બેઠો હોય તો મકાન સુખ થોડું અને મોડું મળે છે. વળી મકાનમાં ખર્ચ પણ વારંવાર કરવો પડે છે. સુખસ્થાન પર ક્રુરગ્રહોની ર્દષ્ટિ હોય તો મકાનમાં વારંવાર ખર્ચ કરવો પડે છે તથા મકાન બનાવવામાં વિધ્નો આવ્યા કરે છે. શનિ, રાહુ, મંગળ જેવા ગ્રહોની ર્દષ્ટિ પડતા માનસિક અસ્વસ્થતા સાથે મકાન બને છે તથા જમીનદોષનું સુચન કરે છે આ ઉપરાંત જે જાતકો શનિ-રાહુની યુતિ ધરાવતા હોય તેમના વાસ્તુમાં વાસ્તુદોષ રહેવા સો ટકા સંભવ છે.
વળી ગુરુ-રાહુ ચાંડલા યોગનો સંબંધ ચોથા સ્થાને સાથે હોય તો પાડોશીઓ નબળા મળે. તથા પાડોશમાં કલહ થવાના યોગ ઊભા થાય છે. આ ઉપરાંત શનિ-રાહુ જેવા ગ્રહો જ્યારે ચોથા સ્થાન સાથે કે ચુતર્થેશ સાથે સંબંધમાં આવે છે ત્યારે નિમ્ન સ્તરનો પાડોશ આપે છે તથા ખરાબ જમીનમાં વાસ કરાવે છે. વિશેષ રાહુના પ્રભાવ વાળી કુંડળી હોય ત્યારે પ્રેતાત્માઓની જગ્યામાં નિવાસ કરાવે છે. જો સુખસ્થાન તથા ચતુર્થેશ તથા તેની ર્દષ્ટિ કરતા ગ્રહો શુભ હોય તો તેની દશા અને અંતર્દશામાં અવશ્ય બાગ-બગીચાવાળુ બંગલા જેવું મકાન રહેણાંક માટે આપે છે. ઉચ્ચના ગ્રહ તથા સ્વગ્રહી ગ્રહ એક કરતા વધારે મકાનના નિર્માણની પણ તક આપે છે તથા રહેણાંકની જગ્યા સારી અને સારા પડોશીવાળી હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જ્યારે ગૃહનિર્માણ તરફ આગળ વધતા હોઈએ ત્યારે ઘરના સભ્યોમાંથી જેની જન્મ કુંડળી બળવતર બનતી હોય તેના નામે જ જમીન-મકાન લેવા જોઈએ. વળી ખાતમુહૂર્ત પણ તેના હસ્તે કરાવવું જોઈએ ખાતમુહૂર્ત પણ કુંડળી તથા ચંદ્રને અનુકુળ લેવું જોઈએ. જો કુંડળીમાં કેટલાક દોષ હોય છતાં તે જ વ્યક્તિના નામે જમીન કે મકાન લેવા જરૂરી હોય તો સૌ પ્રથમ જે-તે ગ્રહની શાંતિ કરાવી અને આગળ વધવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જમીન કે મકાનમાં ભાગીદારો ન બનાવવા જોઈએ.
વાસ્તુના દરેક તબક્કે જો યોગ્ય વિધિ – વિધાનથી આગળ વધવામાં આવે તો અવશ્ય સુંદર ગૃહ નિર્માણ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રના પોતાના અનેકાનેક સિદ્ધાંત છે, પરંતુ સાથે-સાથે જન્માક્ષરને લક્ષમાં રાખીને તેમાં ફેરફાર પણ સુચવી શકાય. દા. ત. વ્યક્તિની કુંડળીનું લગ્ન એટલે કે પ્રથમ સ્થાન પૂર્વદિશાનું સુચક છે.
આ રીતે બીજુ અને ત્રીજુ સ્થાન ઈશાન ખૂણો સૂચવે છે તો ચોથું સ્થાન ઉત્તર દિશા, પાંચમું અને છઠ્ઠુ સ્થાન વાયવ્ય ખૂણો તો સાતમું સ્થાન પશ્ચિમ દિશા અને એ રીતે આગળ વધતા આઠમું તથા નવમું સ્થાન નૈઋત્ય ખૂણાની સુચક છે. તો દશમું સ્થાન દક્ષિણ દિશા સુચવે છે. અગિયારમું તથા બારમું સ્થાન અગ્નિ ખૂણો સુચવે છે. હવે આટલી સમજણ લીધા બાદ વાસ્તુના માલિકના જે ભાવ પ્રબળ થતા હોય એટલે કે જે સ્થાન પ્રબળ થયા હોય તે દિશા તેને લાભકારક બની રહે છે. તથા નિર્બળ થતા સ્થાનની દિશા હાનિકારક બને આમ વાસ્તુશાસ્ત્રના ગહન અભ્યાસુએ વાસ્તુમાં રહેનારની કુંડળીનો વિચાર પણ કરવો જોઈએ. દા. ત. એક જાતકની કુંડળીમાં દશમું સ્થાન અતિ પ્રબળ બનતું હોય તથા કુંડળીનું કેન્દ્રત્વ દશમા સ્થાન પર હોય તો વાસ્તુના નિયમથી વિપરીત આવા જાતકને અવશ્ય દક્ષિણ દિશા ફળશે જ. દિશાઓ તથા ખૂણાઓની બાબત વિચારતી વખતે જે? તે સ્થાનમાં રહેલી રાશિ તથા કુંડળીમાં તેના માલિકની સ્થિતિ જોવી પણ આવશ્યક છે. કોઈપણ કુંડળી ૧૨ સ્થાન, ૧૨ રાશિ તથા ૧૨ ગ્રહોના સંયોગથી ભિન્ન બનતી હોય છે, વળી તેમાં થતા વિવિધ યોગનું અવલોકન પણ કરવું જોઈએ.
જ્યારે વાસ્તુના ચોરસ કે લંબચોરસ ટુકડાને કુંડળી સાથે સરખાવતા હોઈએ ત્યારે વાસ્તુ પુરુષની સ્થિતિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. દા.ત. વાસ્તુપુરુષનું મસ્તક ઈશાન કોણમાં છે તેથી ઈશાનકોણને અતિપવિત્ર માનવામાં આવે છે. પ્લોટના મધ્યભાગને કે જેને આપણે બ્રહ્મસ્થાન કહીએ છીએ તથા વાસ્તુ-પુરુષની નાભિ છે. આ પેસેજ પ્લોટના બ્રહ્મસ્થાન એટલે કેન્દ્રમાં હોય તો સારુ. વળી વાસ્તુપુરુષના સાતે ચક્રો ઉત્તર તથા પૂર્વ વચ્ચેના ઈશાનકોણની રેખા પર સ્થિત થશે તેથી આ રેખાના ભાગમાં પણ કોઈ અપવિત્ર વસ્તુ ન રાખવી.
ઉત્તર તથા પૂર્વ દિશામાં વાસ્તુપુરુષની ભૂજાઓ આવેલી છે, જે કર્મઠ દિશાઓનું સૂચન કરે છે. વાયવ્ય તથા અગ્નિકોણમાં કોણી તથા ગોઠણ આવેલ છે. જે મધ્યમ ફળનું સુચન કરનાર છે.
પશ્ચિમ તથા દક્ષિણમાં પગ આવેલા છે. જે ભારેપણાનું તથા માત્ર પરિશ્રમનું સુચન કરનાર છે. તથા નૈઋત્યમાં ચરણ આવેલા છે. જે નિમ્નસ્તરનું સુચન કરનાર મનાય છે. નૈઋત્ય ખૂણામાં થોડા આગળ વધીએ તો વાસ્તુપુરુષનું ગુહ્યાંગ છે, જે પ્રજનન શક્તિનું પ્રતિક છે, જે મુખ્ય માલિક પોતાનો બેડરૂમ આ દિશામાં રાખે તો સંતાન વગેરે બાબતોમાં તથા લગ્નજીવનમાં સારું રહે છે. આમ વાસ્તુશાસ્ત્રમાં કુંડળી તથા વાસ્તુપુરુષની સ્થિતિ બન્નેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તો ઘણું સારૂ કામ થઈ શકે છે.