
વસંત એક મઘેત્સ્વ તરીકે ઉજવાય છે. પરંતુ તેની શરૂઆત મહાસુદ પાંચમથી થાય છે, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ, વસંત આવતા જ વૃક્ષ-વનસ્પતિ આદીમાં નવી કૂંપણો, પાન બેસવા લાગે છે અને ગઈકાલે નિર્જન લાગતા વન લીલીછમ વનરાઈથી ઝુમવા લાગે છે. પ્રકૃતિમાં જાણે નવેસરથી યોવન આવ્યુ હોય તેમ થનગનાટ વ્યાપ્ી જાય છે. વાતાવરણ એટલું સુમધુર થઈ જાય છે કે જાણે કુદરતે સમગ્ર વનસ્પતિ સુષ્ટિને લીલા રંગે રંગી નાખી હોય વગડાઓમાં કોયલના ટહુકાઓ પણ વધી જાય છે. આ બધુ વસંતનાં પ્રતાપે થાય છે અને તેથી જ વસંતને ઋતુઓનો રાજા-ઋતુરાજ વસંત તરીકે સંબોધવામાં આવે છે. જે સર્વથા યોગ્ય છે.
આજે માણસ પ્રકૃતિના લીલાછમ વસંતને ભૂલ્યો છે અને કોંક્ટિના જંગલ (શહેર) માં ભટકી ગયો છે. નિસર્ગમાં વસતા વસંતનું તેણે સાંનિધ્ય ગુમાવી દીધુ છે, જેને કારણે તેના સુખ-શાંતિ હણાઇ ગયા છે.આપણા ઋષીમુનીઓ હંમેશા વસ્તીઓથી દૂર રહીને ને ત્યાં શિક્ષા અર્થે મોકલતા. આ બધા વસંતના સાંનિધ્યમાં પ્રકૃતિના ખોળામાં રહીને બુધ્ધિમાન તેજસ્વી અને પ્રવિણ બનતા. કારણકે આ બધા પાછળ પ્રકૃતિનું બળ કામ કરતું. આજે પણ કોઈ શાંત-વન-વગડામાં જઈએ ત્યારે એકાંતને મનભરીને માણવાની ઈચ્છા થઈ આવે છે અને ત્યાંથી પછા વળવાની ઈચ્છા થતી નથી. પ્રકૃતિનો થનગનાટ આપણને શાંતિ અને ઉમંગ બક્ષે છે. તેથી જ મહાન ઋષીમુનીઓ પણ ધોર તપ કરવા માટે અરણ્યને જ પસંદ કરતા.
પ્રકૃતિ આપણને ગમે છે કારણકે તેમાં પવિત્રતા, સરળતા, સાહજીકતા છે. તેનામાં કોઈપણ પ્રકારનો દંભ નથી કે નથી અભિમાન તે ધૈર્યવાન પણ છે, પાનખર આવતા તે ગભરાઈ જતી નથી પરંતુ વસંત આવવાની રાહ જુએ છે. તેનો આ ગુણ માનવી એ પણ અપનાવવા જેવો છે. જીવનમાં પાનખર-વસંત તો આવ્યા જ કરે પરંતુ માણસે તેનાથી ગભરાટ અનુભવવો જોઈએ નહિ અને હંમેશા જીવનમાં વસંતની રાહ જોવી જોઈએ. અહિં નિસર્ગ (પ્રકૃતિ) નો એક બીજો ગુણ પણ જોવા જેવો છે. ગમે તેવા મહાપુરૂષ કે વિભૂતિ પહોંચતી નથી, તેના ફૂલો દરરોજની માફક ખીલતા રહે છે અને સુગંધ ફેલાવતા રહે છે. તેના ઝરણાઓ હંમેશની જેમ ઉછળકુદ કરતા વહેતા રહે છે.પ્રકૃતિમાં રહેલા વૃક્ષ આદી નિત્યક્રમ મુજબ ફળ-ફૂલ આપવાનું ચૂકતા નથી.
આજે માનવ ઈશ્વરને ભૂલી ગયો છે, તેનો અર્થ થાય છે કુદરતને ભૂલ્યો છે. પોતાના સ્વાર્થ ખાતર વન- જંગલો ઘટાડવા લાગ્યો છે અને પરિણામ સ્વરૂપ પોતે અશાંત અને અસ્વસ્થ વસંત તેને શીખ આપે છે કે જો માણસે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો તેનો માર્ગ ઈશ્વરે જ સર્જેલ પ્રકૃતિમાંથી પસાર થાય છે. આજે માણસે પ્રકૃતિની નજીક જવાની જરૂર છે જેથી તેના જીવનમાં ઉત્સાહ, ઉમંગ, ચિરસ્થાઈ શાંતિ, સુમધુરતા, રસિકતા વગેરેનું આગમન થાય.