
શિયાળુ શાકભાજીમાં વાલોળ- પાપડીના શાકનું એક અનેરું મહત્વ છે. વાલોળની શીગોનું શાક વધુ તેલ અને ગરમ મસાલો નાખી બનાવાય છે. મોટે ભાગે વાલોળનું શાક રીંગણાના શાક સાથે વધુ સ્વાદિષ્ટ બને છે. તે સિવાય બટાટા, વડી ગાંઠિયા, ટામેટાં જેવા અન્ય ખાર્ધો સાથે પણ વાલોળનું શાક બને છે. શિયાળામાં બનતા ઊંધિયા શાકમાં વાલોળ અથવા વાલોળ – પાપડી, કે જે સફેદ વાલોળ તરીકે વધુ પ્રખ્યાત છે, ખાસ વપરાય છે.
સુરત તરફ સફેદ રંગની નાની (વાલોળ) ‘પાપડી’ નામે વધુ વિખ્યાત છે. વાલોળની અનેક જાતો થાય છે, જેમકે સાંકળી, પહોળી, લાંબી, ચોધારી, ધોળા રંગની. મોટે ભાગે વાલોળ લીલા-સફેદ રંગની, ૩ – ૪ ઈંચ લાંબી, સીધી કે જરા ગોળ આકારની હોય છે. કૂણી વાલોળમાં પ્રથમ લીલા રંગનાં બી થાય છે. પણ તે પાકયા પછી કાળા જાંબલી કે રાતા રંગના થાય છે. વાલોળની કૂણી શીંગોનું તેમજ તેની અંદરના દાણાનું શાક થાય છે, જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. અંદરના દાણા સૂકાય ત્યારે ‘વાલ’ કહેવાય છે, જે કઠોળમાં વપરાય છે.
ગુણધર્મોઃ
આયુર્વેદ વિજ્ઞાનના મતે વાલોળના સામાન્ય ગુણધર્મો આ મુજબ છે:
વાલોળ વાયડી, રુચિકર્તા, મધુર- તુરી, મુખને પ્રિય, કંઠશુધ્ધિકર્તા, મળને બાંધનાર, બળવર્ધક, જઠરાગ્નિ-દીપક અને કફ તથા પિત્તનો નાશકર્તા છે.
મોટી (લાંબી) વાલોળ રુચિકર, વાયડી, જઠરાગ્નિવર્ધક અને મુખને પ્રિય છે. કાળાં બીવાળી વાલોળ સ્વર માટે હિતકર, મેધાશકિતવર્ધક, જઠારગ્નિવર્ધક, સ્વાદે મધુર- તૂરી અને રુચિકર તથા ગ્રાહી છે. ધોળી વાલોળ (પાપડી) વાયુ તથા કફ વધનાર અને વિષનાશક છે. તે પચવામાં થોડી ભારે છે. પીળા રંગની વાલોળ ગુણમાં વધુ સારી ગણાય છે.
યુનાની મતે વાલોળ આફરો-વાયુકૃતા, મળ-મૂત્ર અટકાવનાર, પિત્ત પ્રકૃતિવાળા માટે પથ્ય, દાદર મટાડનાર અને વાજીકર છે.
કોળી અને પહોળી વાલોળ વાયુ મટાડનાર, પચવામાં ભારે, ગરમ, કફ અને પિત્ત કરનાર, વીર્ય તથા જઠરાગ્નિ ઘટાડનાર, રુચિકર્તા અને ઝાડાને બાંધનાર છે.
નોંધઃ વાલોળ ખાસ વાયડી ન પડે માટે તેનું શાક બનાવતાં તેમાં તેલ વધુ મૂકાય છે અને તેને રાઈ, અજમો ને હિંગથી વધારી તેમાં ગરમ મસાલો તથા ગોળ પ્રમાણસર નંખાય છે. વળી વાયુનાશક રીંગણાં લસણ જેવી અન્ય વસ્તુ સાથે તેનું શાક બનાવાય છે.
ઔષધપ્રયોગોઃ
વીંછીંનું ઝેરઃ વાલોળની ભાજી કે વાલોળનો રસ કાઢી ડંખ પર ચોપડવો.
પાઠું: (ન રૂઝાતું ગૂમડું) જે વાલોળ સાત વર્ષ જૂની થઈ હોય તેનું મૂળ લાવી, દૂધમાં ઘસીને રોજ પાવું તેમજ પાઠા પર તેનો જ લેપ કરવો.
મચકોડઃ હાથ-પગના મચકોડ ઉપર વાલોળનાં પાન અને ભિલામો એકત્ર કરી વાટી, ગરમ કરી બાંધવાથી મચકોડ મટે.
વિષમજ્વરઃ (આંતરિયો તાવ) સાતવર્ષી વાલોળનાં મૂળ કાઢી, તેના ટુકડા કાને બાંધવાના પ્રભાવથી વિષમજ્વર તાવ દૂર થાય છે.