
તાના-રીરીની સમાધિ જોઈને આ નગર સાથે સંકળાયેલી બાદશાહ અકબર અને તાનસેનની કથા યાદ આવે છે. અહીંનું સુપ્રસિદ્ધ તોરણ એ તો ગુજરાતની સંસ્કૃતિના પ્રતીક સમું છે. વડનગરના હાટકેશ્વરનું ભવ્ય મંદિર નાગરોના ઈષ્ટદેવ છે. એક સમયે આ ગુજરાતની રાજધાની હતું.
વીસનગર એ વીસનગરા નાગરોનું કેન્દ્રસ્થાન તેમ વડનગર એ વડનગરા નાગરોનું કેન્દ્રસ્થાન. નાગર જ્ઞાતિના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું અહીં વિશાળ મંદિર છે. વડનગર એ નાગરોનું આદ્યસ્થાન ગણાય છે. અહીંથી જ નાગરો વિવિધ સ્થળોએ વિસ્તર્યા.
વડનગર-વીસનગરનો પ્રદેશ પુરાણકાલીન છે. પુરાણકાળે આ પ્રદેશ આનર્ત કહેવાતો. વડનગરને આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્યું છે. એક કાળે તે આ પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા ખાસ કરીને નૃત્ય અને સંગીત માટે તે વિખ્યાત હતું. લોકકથા કહે છે : આ નગરમાં તાના અને રીરી નામે બે નાગરકન્યાઓ રહેતી હતી.
મોગલ સમ્રાટ અકબરના દરબારના મહાન સંગીતરત્ન સંગીતસમ્રાટ તાનસેને દીપક રાગ ગાયો આથી તેના અંગેઅંગમાં અતિશય દાહ પેદા થયો. આ દાહનું શમન કરવા અનેક સ્થળોએ ફરતો ફરતો આખરે તાનસેન વડનગર આવ્યો. અહીં બે નાગર કન્યાઓ તાના અને રીરીએ મેઘમલ્હાર ગાઈને તેના દાહનું શમન કર્યું. વડનગરમાં તાના-રીરીની સમાધિઓ આજે તેમના સ્મારક તરીકે ઊભી છે. પ્રતિવર્ષ અહીં શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ તેમજ નવોદિત કલાકારોનો મેળો થાય છે. રાજ્ય સરકાર તરફથી તેનું આયોજન થાય છે અને એ રીતે આજના સંગીતજ્ઞો તાના-રીરીને સંગીતાંજલિ અર્પે છે.
વિખ્યાત ચીની મુસાફર હ્યુ એન સાંગે વડનગરની મુલાકાત લીધેલી. તેનો ઉલ્લેખ તેણે પોતાની પ્રવાસનોંધમાં કર્યો છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં આવેલા શીલાલેખમાં વડનગરની ભવ્યતાનું સરસ વર્ણન છે. વડનગરનાં ભવ્ય મહાલયો તો હવે નષ્ટ થઈ ગયાં છે.