હોમ
વાછરડાને મરણદાન
-
સાબરમતીમાં આશ્રમની શરૂઆતના દિવસોમાં અમને આસપાસ સારું દુધ મળતું નહોતું. તેથી અમે અમારી ગોઠવણ કરી લીધી. સારી સારી ગાયો ને ભેંસો રાખી.
થોડા દિવસ પછી બાપુએ અમને સમજાવ્યું કે, ‘આપણે ગોરક્ષા કરવી છે. ભેંસ રાખી આપણે ગાયને નહીં બચાવી શકીએ. બંનેને આશ્રય આપી આપણે બંનેનો નાશ કરીશું. ગાયની સૌથી મોટી હરીફ ભેંસ છે. બળદ પોતાની સેવાને જોરે બચી જાય છે અને ભેંસ પોતાના દૂધથી વધારે હોવાને કારણે બચે છે. બાકી રહી ગાય અને ભેંસ પોતાનાં દૂધથી વધારે હોવાને કારણે બચે છે. બાકી રહી ગાય અને ભેંસના પાડા. તેમાં ગાય કતલખાને જાય છે અને ભેંસના પાડા બચપણમાં જ સંભાળ વગર મરવા દેવામાં આવે છે.‘
પરિણામે આશ્રમમાંથી ભેંસોને રુખસદ મળી. કેવળ ગૌશાળા રહી.
એક દિવસ ગાયનો એક વાછરડો બીમાર પડ્યો. તેના ઉપચારો માટે અમે થઈ શકે એટલો પ્રયત્ન કર્યો. ગામડામાંથી ઢોરોના રોગોના જાણકાર આવ્યા. ઢોરોના દાકતર પણ આવ્યા. જે થઈ શકે તે બધું કર્યું પણ વાછરડો સાજો ન થયો.
વાછરડાનું કષ્ટ જોઈને બાપુએ અમારી આગળ દરખાસ્ત મૂકી કે આ મૂંગા જાનવરને આમ પીડા સહન કરતું રાખવું એમાં હિંસા છે. તેને મૃત્યુનો વિશ્રામ આપવો જ જોઈએ.
આ વિશે ઘણી ચર્ચા ચાલી. શ્રી વલ્લભભાઈ અમદાવાદથી આવ્યા. તેમણે કહ્યું, ‘આ વાછરડો તો બેત્રણ દિવસમાં એની મેળે મરી જશે. પણ એને મારી નાખશો તો નાહકનો ઝઘડો વહોરી લેશો. આખા દેશના હિંદુ સમાજમાં ખળભળાટ મચી જશે. હમણાં ફાળો ઉઘરાવવા માટે મુંબઈ જવાનું છે. ત્યાં આપણને કોઈ પાઈયે નહીં આપે. આપણું ઘણું કામ અટકી પડશે.‘
બાપુએ બધું ધ્યાનપૂર્વક સાંભળ્યું અને પોતાની મુશ્કેલી રજૂ કરતાં કહ્યું, ‘તમારી વાત સાચી છે. પણ વાછરડાનું દુઃખ જોતાં બેસી કેમ રહેવાય ? આપણે તેની જે આખરની સેવા કરી શકીએ તે ન કરીએ તો આપણો ધર્મ ચૂકીએ.‘
આવી બાબતોમાં વલ્લભભાઈ બાપુ સાથે કદી વાદવિવાદ કરતા નહીં. તેઓ કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. પછી બાપુએ અમને સૌ આશ્રમવાસીઓને બોલાવ્યા ને અમારો અભિપ્રાય પૂછ્યો. મેં કહ્યું, ‘આપ જે કરો છો તે યોગ્ય છે. પણ મારે મારો અભિપ્રાય આપવાનો હોય તો હું ગૌશાળામાં જઈને વાછરડાને જાતે જોઈ લઉં તો જ આપી શકું.‘ હું ગૌશાળામાં ગયો. વાછરડો બેભાન પડ્યો હતો. હું મારો અભિપ્રાય નક્કી ન કરી શક્યો એટલે ત્યાં થોડી વાર રોકાયો. પછી જોયું કે વાછરડો જોરથી ટાંટિયા ઘસે છે ત્યારે મેં બાપુ પાસે જઈને કહ્યું કે, ‘હું આપની સાથે પૂરેપૂરો સંમત છું.‘ બાપુએ કોઈને ચિઠ્ઠી લખી બંદૂકવાળાને બોલાવ્યા. તેમણે કહ્યું કે, ‘ગોળીથી મારવાની જરૂર નથી, દાકતરો પાસે એવું ઇંજેકશન હોય છે કે તે આપતાંની સાથે પ્રાણી શાંત થઈ જાય છે.‘ એટલે પછી પારસી ડૉકટરને બોલાવવામાં આવ્યા. તેમણે એ પીડાતા વાછરડાને મરણ આપ્યું.
આથી દેશમાં ખૂબ ખળભળાટ મચ્યો. બાપુને કેટલાયે લેખ લખવા પડ્યા. આખો હિંદુ સમાજ જડમૂળથી હાલી ઊઠ્યો. એ ચળવળમાંથી બાપુ પોતાની અનન્ય ધર્મનિષ્ઠા અને ગૌભક્તિને કારણે જ આબાદ ઊગરી ગયા.
- કાકાસાહેબ કાલેલકર
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com