
૧૯૦૯ની સાલમાં મુંબઈમાં તિલક પક્ષ તરફથી રાષ્ટ્રમત નામનુ; એક દૈનિક છાપું ચાલતું. એમાં હું જોડાયો હતો ત્યારનો મારો ને સ્વામી આનંદનો પરિચય થયેલો. ત્યાર પછી અમે હિમાલયમાં સાથે ફર્યા. હું આશ્રમમાં રહ્યો અને બાપુનું કામ કરવા લાગ્યો ત્યારે પણ તેઓ કોઈ કોઈ વાર આવી મારી સાથે થોડા દિવસ રહી જતા. સ્વાભાવિક રીતે બાપુને મળવાનું પણ થતું.
બાપુએ યંગ ઇન્ડિયા અને નવજીવન નામનાં બે સાપ્તાહિક અમદાવાદથી કાઢવાનો વિચાર કર્યો. સ્વામીએ બાપુને વચન આપ્યું કે હું અહીં આવીને નવજીવન પ્રેસનું કામ છ મહિના સંભાળીશ અને તેની વ્યવસ્થા ગોઠવી આપીશ. આથી એ બાબતમાં બાપુને નિરાંત હતી.
સ્વામી જે દિવસે અમદાવાદ આવવાના હતા તે દિવસે ન આવી શક્યા. ગાડી આવવાનો સમય થઈ ગયો. મેં કે પછી બીજા કોઈકે બાપુને કહ્યું, સ્વામી આજે જ આવવાના હતા પણ આવ્યા નથી. બાપુ પાસે જવાબ તૈયાર હતો. તેમણે કહ્યું, ‘કાં તો તે મરી ગયા હશે ને કાં તો બીમાર પડી ગયા હશે. માણસ આવવાનું વચન આપે, દિવસ નક્કી કરે અને ન આવે એ બને જ કેમ ?‘
બાપુનો આ સખત ફેંસલો સાંભળી હું મનમાં ગભરાઈ ગયો. મને ચિંતા થઈ. સ્વામીએ ક્યાંક આળસ કર્યું હશે તો બાપુ આગળ તેમની આબરૂ શી રહેશે ? બીજે દિવસે સ્વામી આવ્યા. મેં એમને જોતાં જ પૂછ્યું, ‘કાલે કેમ ન આવ્યા ?‘ તેમણે કહ્યું, ‘હું મુંબઈથી વખતસર નીકળ્યો હતો પણ ગાડીમાં મને તાવ ચડ્યો એટલે મારે સુરત ઊતરવું પડ્યું. બહેનને ત્યાં ગયો, દવા લીધી, થોડો આરામ કર્યો અને આજે આવ્યો. મેં તેમને આગલા દિવસના બાપુના શબ્દો કહ્યા. બાપુને પણ સ્વામીનું વિલંબનું કારણ કહ્યું. બાપુ બોલ્યા, ‘મેં માન્યું જ હતું કે આવું જ કંઈક બન્યું હશે. નહીં તો ન કેમ આવે ?‘
- કાકાસાહેબ કાલેલકર