
સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોનાં કુળદેવી
શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર મહેસાણા
જિલ્લાના ઊંઝામાં આવેલું છે. આજે સમગ્ર
ગુજરાત અને મધ્યપ્રદેશમાં વસતા
પાટીદારોના પૂર્વજો મૂળ પંજાબના ગુજરાનવાલા
પ્રદેશમાંથી ઈ.સ. પૂર્વે 1250ની આસપાસના
સમયગાળામાં સ્થળાંતર કરીને આવ્યા હોવાનું
અભ્યાસુઓએ તારણ કાઢેલું છે. આમાંની એક
ટોળી બિહાર તરફ ગઈ હતી. જ્યારે બીજી ટોળી
ગુજરાત તરફ આવી અને કૃષિ માટે અનુકૂળ
સરસ્વતી નદીનો તટ પ્રદેશ, ખેતી માટે અનુકૂળ
ફળદ્રુપ જમીન, પુષ્કળ પાણી અને આબોહવા
જોઈને તેઓ આ પ્રદેશમાં સ્થિર થયા અને ઊંઝા
નગર વસાવ્યું હતું.
હાલમાં જે સ્થળે મંદિર છે તે ઈ.સ. 1867માં બનાવાયેલું છે. મંદિરમાં મુકાયેલા આરસના શિલાલેખમાંથી મળતી વિગતો અનુસાર હાલ જે સ્થળે મંદિર છે ત્યાં અગાઉ ઇંટ-ચૂનાનું કિલ્લાબંધ મંદિર હતું. માતાજીના પરમ ભક્ત અમદાવાદના રામચંદ્ર મનસુખરામ પટેલની પ્રેરણાથી ઈ.સ. 1860માં મળેલી પાટીદારોની સભામાં સમાજમાં ઉઘરાણું નાખીને નવું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ ઈ.સ. 1865માં એક લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરીને નવું શિખરબંધ મંદિર નિર્માણ પામ્યું હતું. આ મંદિરના પુનરોદ્ધારના કાર્યમાં ઊંઝા પંથકના સ્થાનિક પાટીદારો કરતાં અમદાવાદના પાટીદારોએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનાં પ્રમાણો છે. મંદિરનું અધૂરું રહેલું નિર્માણકાર્ય રાવબહાદુર બહેચરદાસ
લશ્કરીએ વિ.સ. 1940માં પૂર્ણ કર્યું હતું.