એક રાજયમાં એવી પ્રથા કે રાજા વંશ વગર મૃત્યુ પમે તો નવો રાજા શોધવા રાજાના હાથીને છૂટો મૂકવો. હાથી પોતાની સૂંઢ વડે જેને માથે બેસાડે તેને રાજા બનાવવો. એક વાર રાજા વંશજ વગર અવસાન પામ્યા. મંત્રીઓએ રાજયના રિવાજ પ્રમાણે રાજાના મુખ્ય હાથીને છૂટો મૂકયો. હાથીએ એક સંન્યાસીને માથે બેસાડ્યા. મંત્રીઓ અને પ્રજાએ સંન્યાસીનું રાજા તરીકે સ્વાગત કર્યુ અને રાજય સંભાળવા વિનંતી કરી. સંન્યાસીએ કહ્યું , ‘‘ભાઈઓ, હું તો સંન્યાસી છું. મને રાજકાજનો અનુભવ નથી. મારે કંઈ ન જોઈએ. મને મુકત કરો.’’ પણ મંત્રીઓ અને પ્રજા માન્યાં નહીં.
રાજગાદી પર બેસી સંન્યાસીએ સંન્યાસી જેવો જ વહેવાર રાખ્યો. ખપ પૂરતું જ લેવું. મોજ- શોખ માટે વધારાની માગણી નહીં, ખોટી ડખલ નહીં, પ્રેમથી કામ લેવું. તેનું જોઈ મંત્રઓએ પણ એ પ્રમાણે કામ કરવા માંડ્યું. જરૂર પ્રમાણેનું જ લેવું. ખોટી ખટપટ નહીં. બધાંને પ્રેમથી સમજાવવા. રાજય સારું ચાલવા લાગ્યું. સમૃધ્ધિ વધી. પ્રજા રાજી થઈ.
પડોશી રાજયના રાજાએ વાત સાંભળી કે પોતાના રાજયની પડખે ભલોભોળો સંન્યાસી રાજા આવ્યો છે. બાજુના રાજયને જીતી લેવાનો તેને સારો મોકો દેખાયો. લાવ- લશ્કર લઈ યુધ્ધ કરવા આવી રહ્યો છે. તે પ્રજા પર જુલમ કરશે. આપણે આપણા લશ્કરને લડવા મોકલવું જોઈએ. સંન્યાસી રાજાએ પૂછયું, ‘‘તે રાજા શા માટે આપણી સાથે લડાઈ કરવા આવે છે? આપણે એનું શું બગાડ્યું છે?’’
મંત્રીઓએ કહ્યું, ‘‘એ તો એ જાણે, પણ એને આપણું રાજય લઈ લેવું છે.’’
સંન્યાસી રાજા બોલ્યા, ‘‘આપણે લશ્કર મોકલવા કે લડાઈ કરવાની કોઈ જરૂર નથી. એને આવવા દો.’’ મંત્રીઓને આશ્ચર્ય થયું, પણ રાજાનો હુકમ એટલે રાજાનો હુકમ. બાજુવાળો રાજા લશ્કર સાથે આવ્યો. લડવા માટે સામે કોઈ લશ્કર નહીં. પ્રજામાંથી કોઈ વિરોધ નહીં. તે તો છેક રાજદરબાર સુધી પહોંચ્યો. રાજાને કહ્યું, ‘‘હું લડવા આવ્યો છું. તમારો શો જવાબ છે?’’
સંન્યાસી રાજાએ પૂછયું, ‘‘તારે શા માટે લડવું છે?’’
પેલાએ જવાબ આપ્યો, ‘‘ તમારું રાજ લઈ લેવા.’’
સંન્યાસી રાજાએ કહ્યું, ‘‘તે લઈ લેને ભાઈ, અમારે શું કરવું છે? આજથી તું રાજ કર.’’
સંન્યાસી રાજાના આવા ત્યાગથી પડોશી રાજયનો રાજા હેબતાઈ ગયો. લડાઈ અને રાજ- લાલસાની નિરર્થકતા તેને એક ક્ષણમાં સમજાઈ ગઈ. તે સંન્યાસી રાજાના પગમાં પડ્યો. લડાઈ, મુત્યુ, હિંસામાંથી પ્રજા બચી ગઈ. ત્યાગ, અહિંસા ને પ્રેમની શકિત આવી મહાન છે.