
પુષ્પો અને હરિયાળીથી શોભતા કુદરતનાં ભવ્ય સાનિધ્યમાં તુલસીશ્યામનું સ્થાનક છે. જૂનાગઢથી સતાધાર કનકાઈ થઈને ગીરનાં ચારે તરફ ફરતા જંગલમાં આવેલ તુલસીશ્યામ ૧૨૩ કિ.મી. નાં રોડ રસ્તે છે. તેમજ વેરાવળ કોડીનાર ઉના થઈને ૧૯૬ કિ. મી. નાં રોડ રસ્તે તુલસીશ્યામ આવે છે. આ માર્ગમાં પ્રભાસ, સોમનાથ, પ્રાચી, ગોરખમઢી વિગેરે તિર્થનાં દર્શન થઈ શકે છે.
જૂની પૂરાણ કથા એવી છે કે દિતીનો પુત્ર તલ નામનો અસુરરાજ મહર્ષિ ચ્યવન ઋષિ પાસેથી આ ક્ષેત્રમાં આવેલ તપ્તીકુંડમાં સ્નાનનો મહિમા જાણી પોતાના સાથીઓ સાથે નહાવા આવ્યો.
અહિં સ્નાન કરીને તલરાજા વનની શોભા જોતો હતો ત્યાં એક સાલના વૃક્ષન થડમાં બાણો જોયા. સાલ વૃક્ષ પાસે ઉભેલા બાણાવળી મુનીને જોયા અને મુની ઉપર ક્રોધાયમાન થયો. થડમાં કેમ બાણ માર્યા ? કહી તે ધર્મ રૂપ નારાયણ મુની સાથે લડવા લાગ્યો. હજાર હજાર વર્ષ લડાઈ કરી પણ મુનીને જીતી શકયો નહિં. આથી નિરાશ થઈ નારદઋષિ પાસે આવ્યો. ઋષિ કહે કે દિતી પુત્ર તલ ભગવાનની ઈચ્છાથી તું મુનીને જીતી શકયો નથી. માટે સરસ્વતીમાં સ્નાન કરી તપોબળથી મુનીને જીતી લ્યો. આથી તલરાજાએ તપ્તોદકમાં સ્નાન કરી તપોબળથી નારાયણ મુનીને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા નારાયણે રાજાને પોતાની પ્રિતિનું વરદાન આપતા કહ્યું કે તારા અને મારા નામથી આ સ્થાન પ્રસિદ્ધ થશે. જેથી તલ + શ્યામ કહેતા તુલસીશ્યામ કહેવાયું. એક કથા પ્રમાણે દૈત્યની પત્ની તુલસીના નામ સાથે - શ્યામ જોડાય ને તુલસીશ્યામ કહે છે.
અહિંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે. ગરમ પાણીનાં કુંડો છે. તેમજ તપ્તી કુંડમાં સ્નાન કરી ભગવાનનાં ષોડષોપચાર પૂજન કરવાનો મહિમા છે. પુષ્પોની હરિયાળીમાં મહાપ્રભુની બેઠકજીના દર્શન થાય છે. દરેક યાત્રીક દર્શનનાં લાભ લઈ કુદરતનો આનંદ મેળવે છે.
અહિંયા ભાદરવા સુદ ૧૧ના જળઝીલણીના દિવસે મેળો ભરાય છે. તલશ્યામનાં ભવ્યમંદિરની ચારે તરફ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઈ ગામ નથી. જંગલઝાડીઓમાં માલધારી પોતાના ઢોર સાથે રહે છે. જગ્યાનાં સંચાલકો યાત્રીકોને મદદરૂપ થવા પાગરણ, સીધા સામગ્રીની વ્યવસ્થા કરી આપે છે. તેમજ જગ્યાનાં અન્નક્ષેત્રમાં ભોજન અને ચા આપવામાં આવે છે.