તુલસી બાળ કુંવારાં : લોકગીત
સરખી સૈયરું માં તુલસી જળ ભરવા ગ્યાં’તાં,
સૈયરું મેણલાં બોલી રે, તુલસી બાળકુંવારાં.
આટલી સૈયરું માં કોણ કોણ કુંવારું ?
આટલી સૈયરું માં તુલસી કુંવારાં રે, તુલસી બાળકુંવારાં.
ઘરે આવીને તુલસીએ ટોલિયો ઢાળ્યો,
તાણી પામરિયું ની સોડયું રે, તુલસી બાળકુંવારાં.
કો,’કો, તુલસી દીકરી, માથાં શેં દુખ્યાં?
ચ્યાં તમને કાંટડાં વાગયા રે ? રે, તુલસી બાળકુંવારાં.
નથી બાપા, મારાં માથા; રે દુખ્યાં,
નથી અમને કાંટા વાગયા રે, તુલસી બાળકુંવારાં.
એટલી સંયરુંમાં મેણલાં બોલ્યાં,
આટલી સૈયરુંમાં તુલસી કુંવારાં રે, તુલસી બાળકુંવારાં.
કો’ તો તુલસી તમને સૂરજ વેરે પરણાવું,
ચાંદલિયો વર પરણાવું રે, તુલસી બાળકુંવારાં.
સૂરજને તો બાપા, તેજ ઝાઝેરાં,
ચાંદલિયો જળઝાંખો રે, તુલસી બાળકુંવારાં.
કો’ તો તુલસી, તમને શિવજી પરણાવું,
હનુમાન વર વો’રી લાવું રે, તુલસી બાળકુંવારાં.
શિવજીને તો બાપા જટા ઝાઝેરી,
હનુમાન ભર્યો તેલસિંદુર રે, તુલસી બાળકુંવારાં.
કાશીની વાટે કરશનજી કુંવારા,
ત્યાં મારું સગપણ કરજો રે, તુલસી બાળકુંવારાં.