
ગાંધીજી બાળક હતા ત્યારથી તેમને સત્ય પર ભારે પ્રેમ હતો.
નાના હતા ત્યારે થોડો વખત તે કેવા કુસંગે ચડ્યા હતા તેની વાત તેમણે પોતે લખી છે.
છોકરાઓને નાસ્તા કરવાનો ને બીડી ફૂંકવાનો છંદ લાગેલો. એવાં કામ માટે પૈસા મા-બાપ પાસેથી તો મગાય નહીં. એટલે તે લોકો નોકરોનાં ખીસાંમાંથી પૈસા ચોરતાં શીખ્યા.
આવાં કામથી મોહનનો જીવ તો બળે, પણ ભાઈબંધોને દેખે ને બીડીનું મન થાય કે ભૂલી જાય.
એમ કરતાં કરતાં નાસ્તાપાણીનું દેવું થયું દેવાવાળો ઉઘરાણી કરે. હવે શું કરવું ? એ જો લોકોના સાંભળતાં પૈસા માગશે તો ? કદાચ ઘેર આવીને પિતાજી પાસે માગશે તો ?
નોકરોનાં ખીસાંમાંથી તો પાઈપૈસો મળે, અને દેવું તો ભારે વધી ગયું હતું, હવે કેમ કરવું?
આમ એ ભાઈબંધોની ટોળી ચિંતામાં પડી. ટોળીમાં મોટાભાઈ પણ હતા. એમને આમાંથી છૂટવા માટે ચોરી સૂઝી : "મારા હાથમાં સોનાનું કડું છે તેમાંથી તોલો કાપી આપીએ તો દેવું ચુકવાશે અને કોઈને ખબર પડશે નહીં."
મોહનને આ વિચિત્ર તો લાગ્યું, પણ તેની બોલવાની હિંમત ન ચાલી. તેણે કડું કપાવા દીધું. દેવું તો ચૂકવાયું પણ જેને સત્ય વહાલું હતું તેને ચેન કેમ પડે ?
"અરરર ! હું ચોરીમાં ભળ્યો ! એવા નાસ્તામાં ધૂળ પડો, એવી બીડીમાં આગ પડો !"
વળી વિચાર આવ્યો, "અરે આમાં તો અમે પિતાજીને પણ છેતર્યા કહેવાય."
મોહનને તો ખાવું ભાવે નહીં અને કશું જ ગમે નહીં, અંદરથી પાપ કોરી રહ્યું હતું.
છેવટે નિશ્ચય કર્યો, "પિતાજીની પાસે જઈને મારું પાપ કબૂલ કરીશ. તેઓ ગુસ્સો કરશે તો સહન કરીશ, મારશે તો માર ખાઈશ."
પિતાજી પાસે મોઢે બોલવાની હિંમત તો કેમ ચાલે ? ગાંધીજીએ એક ચિઠ્ઠી લખીને તેમાં પોતાનું બધું પાપ કબૂલ કર્યું અને પિતાજીની માફી માગી. ભીની આંખે અને ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં આપી. ચિઠ્ઠી વાંચી પિતાની આંખમાં મોતી આવ્યાં. એમણે ગુનો માફ કરી સત્યવાદી પુત્રને છાતીસરસો ચાંપ્યો.