કેટલાંક વૃક્ષોને ફૂલો થાય છે અને કેટલાંક વૃક્ષોને ફૂલો થતાં નથી, એવું શા માટે ?
જુદાં જુદાં વૃક્ષો પર જે ફૂલો થાય છે તે તેમના કદ અને દેખાવની દ્રષ્ટિએ ખૂબ જ ભિન્નતા ધરાવતાં હોય છે. આપણે કેટલાંક વૃક્ષો પર થતાં ફૂલો વિશે જાણીએ છીએ, જયારે કેટલાંક વૃક્ષો પર ફૂલો થાય છે. તેની આપણને ખબર પણ હોતી નથી, પરંતુ જો બારીકાઇથી અથવા ધ્યાન દઇને જોવામાં આવે તો જણાશે કે, દરેક વૃક્ષ પર ફૂલ ઊગે છે. આવાં ફૂલોનાં કદ અને દેખાવનો આધાર પાંદડી અથવા પુષ્પદળ કહીએ છીએ તેના ઉપર છે. આમ છતાં આવી પાંદડીઓ કંઇ ફૂલનો જરૂરી હિસ્સો કે ભાગ ગણાતી નથી. એવાં ઘણાં ફૂલો છે કે, જેને પાંદડી – પુષ્પદળ દેખાતાં નથી; તેમ છતાં દરેક વૃક્ષને કોઇ ને કોઇ પ્રકારનાં ફૂલ થાય છે. તે નાનાં પણ હોય ને મોટાં પણ હોય, પરંતુ હંમેશા હોય તો ખરાં જ.
ફૂલ વિના નવાં વૃક્ષો થઇ શકતાં જ નથી, કારણ કે બીજમાંથી વૃક્ષ બને છે તે બીજને ધારણ કરીને ફૂલો જ તેને વિકસાવે છે અને તેમાંથી જ નવું વૃક્ષ બને છે, જન્મે છે. આ વૃક્ષોની વાત થઇ. જયારે છોડની દુનિયાને બે ભાગમાં વહેંચી શકાય. ફૂલોને ધારણ કરીને તેમાંથી છોડને જન્મ આપતા છોડ તથા જેમને ફૂલ હોતાં નથી, પરંતુ બીજી રીતે છોડને જન્મ આપતા છોડ.