
આપણે ત્યાં નાના પછાત ગામડાઓમાં જ નહિ, પરંતુ અત્યંત આધુનિક શહેરોમાં પણ જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા મહત્વના પ્રસંગો ?પંચાંગ જોઈ ને જ ઉજવવાની પરંપરા છે. નામકરણ વિધિ, જનોઈ, લગ્ન, ભૂમિપૂજન, ખાતમૂહર્ત, ગૃહપ્રવેશ, શિલારોપણ, વાસ્તુશાંતિ, લાંબો પ્રવાસ, ઉદ્યોગ ધંધાની શરૂઆત અને આવી અનેક બાબતોમાં વિદ્વાન જ્યોતિષની સલાહ લેવામાં આવે છે. કોઈપણ પ્રસંગની શુભ શરૂઆત, શુભદિન, ઘડી, પળ, મૂહુર્ત વિગેરે ઝીણવટ- પૂર્વક જોઈને જ શુભારંભ અને વિધિ કરવાની પ્રથા છે. આપણે ત્યાં હિન્દુઓના રોજીંદા જીવન ઉપર પણ અવકાશમાંના ગ્રહમંડળ, નક્ષત્રો, વિગેરેના વખતોવખતના સ્થાન તથા ગોચરનો કેટલો પ્રખર પ્રભાવ છે, તે આ રીતરિવાજોમાંથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
રોજીંદી દોડધામવાળી જીંદગીમાં રાત-દિવસ અવિરતપણે ચાલતાં જીંદગીના સંઘર્ષમાં પોતાનું શારીરિક સ્વાસ્થ્ય કેવું રહેશે તેની ચિંતા દરેકને સતાવતી હોય છે. માણસના સ્વાસ્થ્ય અને પ્રકૃતિમાં એક યા બીજા કારણસર વખતોવખત બગાડ થાય છે. આ બગાડનું સ્વરૂપ ઘણીવાર સામાન્ય તો ઘણીવાર ગંભીર હોય છે. શારીરિક દોષ અને ક્લેશ દૂર કરવા સારુ નિદાન, તેની ચિકિત્સા, પરીક્ષણ અને ઉપચાર જરૂરી છે. આપણા પૂર્વજોએ માનવવિકારો અને રોગોને જ્યોતિષશાસ્ત્રના આધારે વર્ગીકૃત કરવાના પ્રયાસો કરેલા છે. આ વર્ગીકરણના ગુણદોષ (મર્મસૂત્ર)નો ગર્ભિત અર્થ સંક્ષિપ્તમાં કહેવાનો હોય તો કોઈ એક નક્ષત્રના પ્રભાવકાળમાં જન્મ લેનાર વ્યક્તિને અમુક નિશ્ચિત વિકાર (બિમારી) તથા ક્લેશ (ઝઘડા) થવાની શક્યતા હોય છે તો પછી આવા વિકારો, બિમારી અથવા રોગો માટે ઇલાજ શો કરવો ? આવા રોગો થાય તો અથવા રોગો ન થાય તે માટે શું કરવું ? આ બાબત માટે જ્યોતિષશાસ્ત્રમાં સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ છે. ચોક્કસ સમયે જન્મનક્ષત્રોના પ્રભાવવાળી વ્યક્તિએ વિશિષ્ટ વૃક્ષોની આરાધના કરવી, એવું શાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરેલું છે. આવા વૃક્ષની આરાધના કરવી, તેનાં મૂળ, છાલ, પાંદડા, ફળ-ફૂલ અને બીજ ઔષધિમાં વાપરવા જોઈએ. આવા સબંધિત વૃક્ષની નીચે સ્નાન કરવું જોઈએ. પાંદડા, ફળ-ફૂલ વિગેરે ખાવાલાયક હોય ત્યારે તેનો સમાવેશ આપણા રોજના આહારમાં કરવો જોઈએ. આવા વૃક્ષોનો અમુક ખાસ ભાગ સાથે રાખવો તેની નીચે ઘડી-બેઘડી બેસીને પ્રભુચિંતન કરવું એવી માર્ગદર્શક સૂચનાઓ પૂર્વજોએ આપી હોવાનું જણાઈ આવે છે, એટલે કે લગભગ દેવી-દેવતાઓ જેવું જ વૃક્ષોને તેમણે સ્થાન આપ્યું છે તેમ જણાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્મ નક્ષત્ર, દેવતા અને આરાધ્યવૃક્ષનું માળખું ગોઠવવામાં આવ્યું છે.
આપણા ભવિષ્યમાં શું લખાયું છે, તે જાણવાની ઉત્સુકતા (ઇચ્છા) કોને નહીં હોય ? દરેક માણસને તે જાણી લેવાની અદમ્ય ઉત્કંઠા અનાદિકાળથી ચાલી આવેલ છે અને કદાચ અનાદિકાળ સુધી ચાલતી જ રહેશે. ભવિષ્યની ગૂઢતા (ગણત્રી) બેસાડવા સારુ સંપૂર્ણ તારામંડળ અને માનવજાતિને કુલ બાર (૧૨) રાશિઓમાં વિભાજીત કરેલ છે. તિથિ, કાળ, સમય અને સ્થળ એમ ચાર બાબતોને એકબીજા સાથેના સંદર્ભમાં નક્ષત્રોનો મેળ બેસાડવામાં આવેલ છે અને આવા બે નક્ષત્રોના પરિભ્રમણ સમયની એક "રાશિ" બને છે અને માટે જ જન્મ સમય અને તે સમયે આકાશમાં ગ્રહમંડળ તથા નક્ષત્રોનું સ્થાન તેમજ રાશિ આ ત્રણેયને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ આપવામાં આવેલ છે. આ પ્રભાવી સ્થળનું નિરંતર સ્મરણ રહે એટલા માટે દરેક રાશિ માટેના દેવતા અને આરાધ્ય વૃક્ષોનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.
જ્યોતિશાસ્ત્રમાં અમારો વિશ્વાસ નથી એવું છાતી ઠોકી કહેનારા પણ સંકટ સમયે, મુશ્કેલી આવી પડ્યે જ્યોતિષશાસ્ત્રનો આશરો શોધે છે. સંકટ નિવારણ સારૂં કોઈપણ ઉપાય કરવા તેઓ તૈયાર થાય છે. હોમહવન, દાન-ધર્મ, બાધા-આખડી વિગેરે કર્મકાંડ પણ તેમના કાને પડે કે તરત જ આનાકાની કર્યા વગર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ખાસ ધાતુઓના નંગોની વીંટીઓ, તાવીજ, દોરા-ધાગા વિગેરેની વ્યવસ્થા વાંધાવચકા વગર કરવામાં આવે છે. તો પછી શાસ્ત્રોક્ત આરાધ્યવૃક્ષોની ઉપાસના પધ્ધતિ અપનાવવામાં કોઈ વાંધો ન હોઈ શકે.
પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાનિધ્યમાં હતો. આપણી સંસ્કૃતિનો વિકાસ પણ એમાંજ થયો છે. આજે આધુનિક પ્રગતિ (!)ના પંથે ચાલતાં, આપણે સાથોસાથ, આપણા જંગલોનો જ નાશ કર્યો. વૃક્ષો સાથેનો સંબંધ કાયમ માટે ગુમાવ્યો. આપણા પૈકી મોટાભાગના લોકોને જડીબુટ્ટીઓ તથા વનસ્પતિની અને વૃક્ષોની ઓળખ અને જાણકારી પણ રહી નથી. પૂર્વજોએ કેટલાય સમયે પૂર્વે આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી લખી રાખી હતી. વૃક્ષોના ઉપયોગીપણાનું મહત્વ સમજીને તેમની કાયમ પૂજા થાય તે હેતુથી જ તો તેમણે જ્યોતિષ અને વૃક્ષ મહાત્મ્યનું સંયોજન નહિ કરી રાખ્યું હોયને ? શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ સારું કઈ જન્મ રાશિવાળી વ્યક્તિને, કઈ જાતના વૃક્ષ, રોપ ઉગાડવાથી લાભ થાય છે, તેની માહિતી પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉપલબ્ધ છે. આ પ્રાચીન પરંપરાગત વૃક્ષ પૂજા ભૂલીને લોકો આધુનિક કાળમાં કિંમતી નંગ તથા રત્નો પહેરવા તરફ વળ્યા હોય તેમ વિશ્વાસ રાખતા થયાનું જણાઈ આવે છે.
દિન-પ્રતિદિન વિવિધ પર્યાવરણના થઈ રહેલા ભયાનક અસંતુલન અને તેનું વરવું સ્વરૂપ જોયા બાદ હવે સૌને વૃક્ષારોપણની જરૂરીયાત જણાવા લાગી છે અને વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. આ પશ્ચાદ્દભૂમિકાના વિચારો ગતિમાન થતાં વૃક્ષપૂજનની પ્રાચીન પરંપરા પુર્નજીવીત કરવાનો આ એક પ્રયાસ છે. વૃક્ષ ઉછેરનું સામાજીક, આર્થિક અને પ્રાકૃતિક મહત્વ આપણે જાણીએ છીએ. પણ વૃક્ષો વિશેનો પ્રેમ આદર અને માનવજીવનની ભૂમિકાનું સ્વરૂપ મનપૂર્વક સમજી લેતાં નથી. આવી પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી વનમહોત્સવ ફકત એક ઉત્સવ જ બની રહેશે. અમને એવો વિશ્વાસ છે કે પૂર્વજોએ દર્શાવેલ માર્ગે નિષ્ઠાથી આચરણ કરવાથી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઝડપી પ્રગતિ થશે. રોપા વાવનારે જન્મ નક્ષત્ર, આરાધ્ય વૃક્ષ કે રોપવાના દિવસનું નક્ષત્ર અને આરાધ્ય વૃક્ષનો સમન્વય સાધવાથી ભાવનાપૂર્વક થનાર વૃક્ષારોપણમાં સહભાગી બનશે, તેને સારી રીતે સાચવશે અને ચિરાયુ થશે.