ગાંધીજીની કેટલીક ખાસિયતો જાણવા જેવી છે.
તેઓ કદી ધીરા ધીરા ચાલતા નહોતા, પણ હંમેશા ચેતનથી ચાલતા.
તેઓ કદી ઢીલા બેસતા નહોતા. હમેશાં ટટ્ટાર અને સ્થિર આસન લગાવીને બેસતા.
તેઓ ટેબલ પર અઢેલીને લખતા નહોતા. ટટ્ટાર બેસી ઘૂંટણ પર કાગળ રાખીને જ લખતા.
તેઓ લખેલું ફરીથી વાંચ્યા વગર આગળ જવા દેતા નહોતા.
પોસ્ટકાર્ડ લખે તોપણ વાંચી, સુધારાવધારા કરવા ઘટે તે કરી પછી જ ટપાલમાં નાખતા.
તેઓને સ્વચ્છતા અને સુઘડતા ઘણી જ પ્રિય હતી, તેથી તેમનાં કપડાંલત્તા અને બીજી ચીજો હમેશાં ઘણી જ સ્વચ્છ અને ટાપટીપથી રહેતી
હતી.
જે કાંઈ કામ કરતા તે ગાંધીજી ઝીણવટથી કરતા.
ગાંધીજી કોઈ દિવસ ફોટો પડાવવા બેસતા નહીં.
ગમે તેવા કામમાં હોય પણ કોઈ બાળારાજા આવી ચડે તો
ગાંધીજી જરા ગેલ કરી લીધા વિના ભાગ્યે જ રહેતા.
વાતચીત કરતાં ગાંધીજી ખડખડાટ હસીને ફૂલ વેરતા.