યુવાનોમાં રાષ્ટ્રધ્વજ ખરીદવાનો ટ્રેન્ડ
પંડિત જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "રાષ્ટ્રધ્વજ એ આપણા માટે માત્ર ધ્વજ નથી પરંતુ દરેક ભારતીય માટે આઝાદીનું પ્રતિક છે તેનું સન્માન એ દરેક ભારતીયની ફરજ છે." ૧૫‘ ઓગસ્ટ અને ૨૬‘ જાન્યુઆરી આવે એટલે ખાદીભવનોની સાથે ઠેર ઠેર રસ્તા ઉપર નાનકડા ધ્વજ દેખાવા લાગે છે અને તેના વેંચાણમાં વધારો થાય છે. આજથી ૭-૮ વર્ષ પહેલા રાષ્ટ્રધ્વજનું જે વેંચાણ થતું તેના પ્રમાણમાં અત્યારે વેંચાણ વધી ગયું છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં રાષ્ટ્રભાવના જાગી છે અને તેઓ પણ ધ્વજવંદન કરતા થયા છે. જે સારી બાબત છે જ્યારે બીજી તરફ પ્રજાસત્તાક દિન કે સ્વાતંત્ર્ય દિવસ પછી બીજે દિવસે પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજ કચરા પેટીમાં, ગટરમાં કે રસ્તા વચ્ચે વાહનોની નીચે કચરાતા જોવા મળે છે. ટૂંકમાં લોકો નહેરૂજીએ કહેલા શબ્દોને ભૂલી જાય છે. રાષ્ટ્રધ્વજનું સન્માન હવે જળવાતું નથી.
પહેલા કરતાં રાષ્ટ્રધ્વજના વેંચાણમાં ઉતરોત્તર વધારો નોંધાયો છે. ખાસ કરીને હવે તો યંગસ્ટર્સ પણ રાષ્ટ્રધ્વજ ખરીદવાનો આગ્રહ રાખે છે, ભગતસિંહ, લગાન અને ખાસ તો લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો પછી યંગસ્ટર્સમાં દેશદાઝની ભાવના વધુ જોવા મળે છે અને તેથી પણ રાષ્ટ્રધ્વજ લેવા યંગસ્ટર્સનું પ્રમાણ વધુ જોવા મળે છે. તિરંગાના વેંચાણમાં પહેલા કરતા ૫ થી ૭ ટકાનો વધારો થયો છે.
હવે તો ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે પેટ્રોલપંપ ઉપર કે રસ્તા ઉપર ગરીબ છોકરાઓ ૨ થી ૩ રૂ.માં પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરે છે તે ખરીદી લોકો પોતાના વાહન ઉપર લગાવે છે અને રાષ્ટ્ર પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યાનો સંતોષ માને છે. હકીકતમાં આ દિવસો પછી એજ રાષ્ટ્રધ્વજ કચરા પેટીમાં કે રસ્તે રઝળતા જોવા મળે છે. જે ખરેખર રાષ્ટ્રધ્વજનું અપમાન છે. રાજકોટીઓની વાત કરીએ તો દર ૧૫ ઓગસ્ટે રાજકોટવાસીઓ ધ્વજવંદન કરવા ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા નાના-મોટા ખાદીના રાષ્ટ્રધ્વજ ખરીદે છે. જેની કિંમત ૨૧ રૂ. થી શરૂ કરી ૭૦૫ રૂ. સુધીમાં મળે છે. ૪× ૬ થી લઈને ૧૮ × ૨૭ ઈંચનો રાષ્ટ્રધ્વજ ખાદીભવનમાં ઉપલબ્ધ છે. આ ખાદીના રાષ્ટ્રધ્વજ રાજકોટ ખાદીભવનમાં ઉપલબ્ધ છે. આ ખાદીના રાષ્ટ્રધ્વજ કેન્દ્ર સરકારે મંજૂર કરેલ સ્પેશિયલ પ્રકારની ખાદીમાંથી જ બનાવાય છે. ગુજરાતમાં ‘હુબલી‘ ખાતે રાષ્ટ્રધ્વજ બને છે. જ્યારે ગોંડલમાં આવેલ ઉદ્યોગ ભારતી પણ રાષ્ટ્રધ્વજ બનાવે છે. રાજકોટમાં દર વર્ષે ૧૫ ઓગસ્ટે અંદાજે ૪૫ થી ૫૦ હજારના રાષ્ટ્રધ્વજ વેચાય છે ! કુલ નવ પ્રકારની સાઈઝમાં તીરંગો મળે છે જેમાં સૌથી મોટા તીરંગાથી લઈને કારફ્લેગ તીરંગા પણ વેચાય છે.
ભારતીય બીઝનેસમેન નવીન જીંદાલે તીરંગાને દરેક ભારતીય નાગરીક પોતાના ઘર ઉપર લહેરાવી શકે તે માટે કોર્ટમાં લડત આપી અને ૨૬ જાન્યુઆરી ૨૦૦૨માં જીત મેળવી હતી. જે અનુસંધાને આજે કોઈપણ ભારતીય નાગરીક તેના ઘર ઉપર, ફેકટરી ઉ૫ર, ઓફિસમાં કાયદાના નિયમોને ધ્યાનમાં રાખી ૩૬૫ દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે છે. જોકે આજે તેનું પાલન થતું બહુ ઓછું જોવા મળે છે. લોકોમાં રાષ્ટ્રભાવનાનો અભાવ જોવા મળે છે. જોકે તીરંગાનું સન્માન કરવાવાળા લોકો પણ છે. હાલ બેંગ્લોર રહી પ્રાઈવેટ કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો મૂળ રાજકોટનો તન્મય નિયમીત તીરંગાને સલામી આપે છે. તે કહે છે હું દર વર્ષે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે નવા તીરંગાની ખરીદી કરું છું અને મિત્રોને ઘરે બોલાવી ધ્વજવંદન પણ કરું છું.
જ્યારે વિદ્યાર્થીઓ દૂષ્યંત ઝાલા, તર્જની સખિયા, પૂર્વિ ઠેબા, ભરત સિયાણી અને માર્ગી લુણાગરિયાએ જણાવ્યું કે લગે રહો મુન્નાભાઈ અને શહિદ ભગસિંહ જેવી ફિલ્મોએ અમને રાષ્ટ્ર પ્રત્યે આપણી ફરજ યાદ અપાવી છે. અમે સાથે મળી કોલેજમાં દર વર્ષે તીરંગો લહેરાવી અને ધ્વજવંદન કરીએ છીએ. ધ્વજવંદન એ આપણા રાષ્ટ્રની શાન છે તેનું સન્માન જળવાવું જોઈએ. તેમજ પ્લાસ્ટીકનાં રાષ્ટ્રધ્વજ ઉપર સદંતર પ્રતિબંધ આવવો જોઈએ.
રાષ્ટ્રધ્વજ વિશે આ જાણો છો ?
1. સ્વ. પીંગલી વેકૈયા દ્વારા ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવાયો હતો.
2. ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતના સંવિધાન દ્વારા તિરંગાનો રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર થયો.
3. જેમ પૂજાવિધિ સ્નાન કર્યા બાદ થાય તેમ રાષ્ટ્રધ્વજને સ્નાન કરીને જ ધ્વજવંદન કરી શકાય.
4. તિરંગાને રાષ્ટ્રીય પોષાક ખાદી પહેરીને જ સલામી આપી શકાય.
5. ૪ × ૬, ૩ × ૪.૫, ૨ × ૩ અને ૧૮ × ૨૭ ની સાઈજ સિવાય રાષ્ટ્રધ્વજ બનાવી ન શકાય.
6. સુપ્રભાત વખતે ધ્વજવંદન અને સૂર્યાસ્ત પહેલા સન્માનપૂર્વક તીરંગાને ઉતારી લેવામાં આવે છે.
7. રાષ્ટ્રધ્વજ ખરીદનારને કે બનાવનારને કોઈપણ પ્રકારનું વળતર અપાતું નથી.
'ફૂલછાબ' માંથી સાભાર