ગાંધીજી
આ ત્રણેમાંથી એકેય ચીજને શરીરને જરૂર નથી. ચાનો ફેલાવો ચીનમાંથી થયો કહેવાય છે. ચીનમાં તેનો ખાસ ઉપયોગ છે. ચીનમાં પાણી ઘણાંખરાં ચોખ્ખાં નથી હોતાં. પાણી ઉકાળેલું પિવાય તો પાણીમાં રહેલો બગાડ દૂર કરી શકાય. કોઇ ચતુર ચીનાએ ચા નામનું ઘાસ શોધી કાઢયું. તે ઘાસ બહુ થોડા પ્રમાણમાં ઊકળતા પાણીમાં નખાય તો તે પાણીને સોનેરી રંગ આવે છે. જો એ રંગ પાણી પકડે તો તે ઊકળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એમ સાંભળ્યું છે કે, ચીનમાં લોકો આવી રીતે ચાના ઘાસ વતી પાણીની પરીક્ષા કરે છે ને એ જ પાણી પીએ છે. ચાની બીજી ખાસિયત એ છે કે, ચામાં એક જાતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નિર્દોષ ગણાય. આવી ચા બનાવવાની આ રીત છે: એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર મૂકવી. ગળણી ઉપર ઊકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઊતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણવું કે પાણી ખરેખર ઊકળ્યું છે.
જે ચા સામાન્યત: પિવાય છે તેમાં કંઇ ગુણ તો જાણ્યો નથી, પણ તેમાં એક મોટો દોષ રહેલો છે. તેમાં ટેનિન રહેલું છે. ટેનિન એ પદાર્થ છે જે ચામડાંને સખત કરવા સારુ વાપરવામાં આવે છે. એ જ કામ ટેનિનવાળી ચા હોજરીને વિશે કરે છે. હોજરીને ટેનિન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શકિત ઓછી થાય છે. એથી અપચો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, ઇંગ્લેંડને અસંખ્ય ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોને ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નિયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દૂધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એ જ અર્થ સારા દૂધમાં શુદ્ઘ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઊકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણું બને છે.
જે ચાને વિશે કહ્યું તે કોફીને વિશે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. એને વિશે તો કહેવત છે કે
કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;
લોહૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.
એમાં કેટલું તથ્ય છે તે હું નથી જાણતો. જે અભિપ્રાય મેં ચા કોફી વિશે આપ્યો છે તે જ કોકો વિશે છે. જેની હોજરી નિયમસર ચાલે છે તેને ચા, કોફી, કોકોની મદદની જરૂર રહેતી નથી. સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધા સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજકુર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જયારે એ વસ્તુઓ લેતો ત્યારે મને કંઇક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઇત્યાદિમાંથી મેળવતો તેના કરતાં અધિક સામાન્ય ભાજીઓના ઉકાળામાંથી મેળવું છું.
આરોગ્યની ચાવી માંથી સાભાર...