હોમ
તારાબહેન મોડક
-
ભૂલકાઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ તા. ૧૯-૪-૧૮૯૨ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી સમાજની સેવા કરી. રાજકોટની બાર્ટન ફીમેલ ટ્રેઈનીંગ કોલેજની પ્રિન્સિપાલપદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. તારાબહેને ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણાઘર, બાલવાડી પ્રાથમિક શાળા, રાત્રીશાળા એમ શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા. તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેના પુસ્તકો પણ લખ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી. શિક્ષણ સંબંધી વિચારોને સાકારિત કરવા એ બધું જ કરી છૂટતા. ગુજરાતમાં પૂર્વે પ્રાથમિક ક્ષેત્રે એમણે એટલું બધું રચનાત્મક કામ કર્યું છે કે ૮૧ વર્ષની વયે મુંબઈમાં જ્યારે એમનું અવસાન થયું ત્યારે આ સન્નારીને કેળવણીકારોએ ‘ગુજરાતના મોન્ટેસરી’ કહીને બિરદાવી આદરાંજલિ અર્પણ કરી હતી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved