
માણસો બે પ્રકારના હોય છે. અમુક બહારથી સજ્જન દેખાય છે પરંતુ અંદરથી કઠોર, કડવા કે દુર્જન હોય છે. તેઓનો બહારનો દેખાવ જ સજ્જનતાભર્યો કે સુંદર હોય છે. જયારે અમુક માણસો બહારથી કડવા કે અણગમતા જોવા મળે છે. પરંતુ અંદરથી તેઓનું વ્યકિતત્વ અતિ સજજનપૂર્ણ, મીઠી વીરડી સમાન હોય છે, અને આવા માણસો જ મહાપુરૂષો તરીકે પુજાય છે. નાળિયેરનું પણ એવું જ છે તે બહારથી ખરબચડું, રૂંછાવાળું, કઠોર કાંચલા ધરાવતું પરંતુ અંદર કોમળ, મધુર હોય છે અને શ્રી ફળ તરીકે દેવ મંદિરે સ્થાન પામે છે.
આજે સમાજમાં વ્યકિતવાદની ભરમાર છે. માણસ માત્ર ભૌતિક સુખ પાછળ દોડતો ફરે છે. માણસની કિંમત તેની આંતરીક સજ્જનતા, પ્રમાણિકતા ઉપરથી થવાને બદલે માત્ર તેના સારા વસ્ત્રો અને બહારના સુંદર દેખાવ કે વાકપટુતા ઉપરથી કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની વ્યકિત સમાજના ભલા માટે કશું કરતી નથી કે સમાજને કોઈ નવો રાહ ચીંધી શકતી નથી. કારણકે સમાજને નવી દિશા આપવા માટે આંતરીક ગુણો હોવા જરૂરી છે, બાહ્યરૂપ નહિ. નાળિયેર બહારથી ગમે તેવું ખરબચડું હોય છતાં તેની અંદરનું મલાઈ કોમળ છે, તેનું પણી અત્યંત મધુર છે. નાળિયેરે પોતાનું આ આંતરીક ચરિત્ર સમાજ સમક્ષ રજુ કર્યુ અને સમાજને તેની સાચી કિંમત સમજાઈ લોકોએ તેને ભગવાનને પ્રસન્ન કરવા માટેનું માધ્યમ બનાવ્યું આ નાળિયેરમાંથી બનેલું શ્રીફળ આપણને એક બીજો બોધ પણ આપી જાય છે. માણસનું બાહ્યરૂપ કેવું હોવું જોઈએ તે માણસના નિયંત્રણમાં નથી, કુદરતે માનવને જે સ્વરૂપે મોકલ્યો તે સુંદર હોય કે કદરૂપો પોતે તેમાં ખાસ કઈ ફેરફાર કરી શકે તેમ નથી, પરંતુ જો તે ઈચ્છે તો પોતાના આંતરીક ગુણોમાં ફેરફાર લાવીને તેમાં સુધારો કરીને, સતકર્મોને માધ્યમ બનાવીને મહાનતા કેળવી શકે છે. જે રીતે નાળિયેર શ્રીફળ બન્યું અને પોતાની મહાનતા સાબિત કરી.
મહાપુરૂષો સજ્જન જ હોય છે, પરંતુ બહારથી તેવા દેખાઈ શકતા નથી કારણકે પોતાના જીવનને ઉચ્ચ શ્રેણીનું બનાવવા માટે માત્ર લાગણી કે ભાવનાના પ્રવાહમાં વહેવાથી ધ્યેય-પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણીવાર કડવી વાણી કે કડવા નિર્ણયો પણ અપનાવવા પડે છે. નાળિયેરે માનવસમાજ ઉપર બીજો પણ એક મહાન ઉપકાર કર્યો છે. તેણે પોતાનું બલિદાન (વધેરાઇને) આપીને હજારો માનવ, પશુ-પક્ષીઓને તો બચાવ્યા જ છે. સાથે આપણને પણ મહાહિંસાના પાપમાંથી બચાવી અહિંસાનો નિર્મળ સંદેશ આપ્યો છે. અગાઉ દેવ-દેવીઓને પ્રસન્ન કરવા માટે માનવ કે પશુ-પક્ષીઓનું બલિદાન આપવામાં આવતુ, પરંતુ આ હિંસાના મહાપાપમાંથી આપણી સંસ્કૃતિને બચાવવા ઋષીમુનિઓએ મનુષ્યના માથા જેવું જ, બે આંખ નાક ચોટલી વગેરે ધરાવનાર નાળિયેરનું બલિદાન તેની જગ્યાએ આપવાનો આદેશ આપ્યો, દેવ-દેવીને મનુષ્યનું લોહી છાંટવામાં આવતું તેની જગ્યાએ નાળિયેરનું પાણી છાંટવાનું શરૂં કરવામાં આવ્યું આજે આપણે ભગવાનને પ્રસન્ન કરવા મંદિરે નાળિયેર વધેરીએ છીએ, અહિં નાળીયેર આપણને બોધ આપે?છે કે, મહાન કાર્ય માટે કઠોર કે કદરૂપા તો બનવું પડે છે, જરૂર પડયે પોતાની જાતનું બલિદાન પણ આપવું પડે છે.