
૧૯૨૧ની સાલની વાત છે. અમદાવાદમાં ગુજરાતી વિદ્યાપીઠની સ્થાપના થઈ. એમાં મારો હાથ ઘણો હતો. તે દિવસોમાં હું રાતદિવસ ઝોડાની જેમ કામ કરતો. એક દિવસ વિદ્યાપીઠના નિયામક મંડળની બેઠક હતી. તેમાં મિ. એન્ડ્રઝ પણ આવ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, ‘વિદ્યાપીઠમાં હરિજનોને દાખલ કરવામાં આવશે ને ?‘ મેં તરત જ જવાબ આપ્યો કે હા, હરિજનોને દાખલ કરવામાં આવશે. પણ અમારા નિયામક મંડળના એવા લોકો હતા, જેમની અસ્પૃશ્યતા કાઢવાની તૈયારી નહોતી. વિદ્યાપીઠ સાથે જોડાયેલી સંસ્થાઓમાં એક હતી મૉર્ડન સ્કૂલ. તેના સંચાલકો આ સુધારા માટે તૈયાર નહોતા. બીજા પણ પોતપોતાની મુશ્કેલીઓ રજૂ કરવા લાગ્યા. તે દિવસે એ પ્રશ્ન અનિશ્ચિત રહ્યો. એટલું નક્કી થયું કે આને વિશે બાપુજીને પૂછવું. હું બેફિકર હતો. છેવટે બાપુને પૂછવામાં આવ્યું. તેમણે પણ મેં આપ્યો હતો તે જ જવાબ આપ્યો.
આખા ગુજરાતમાં આ વાતની ચર્ચા ઊપડી. મુંબઈના કેટલાક ધનવાન વૈષ્ણવોએ બાપુ પાસે આવીને કહ્યું, ‘રાષ્ટ્રીય કેળવણીનું કાર્ય ધર્મકાર્ય છે. એમાં આપ કહો તેટલા પૈસા અમે આપીએ પણ આ હરિજનોનો સવાલ આપ છોડી દો. એ અમારાથી સમજાતો નથી.‘ પાંચસાત લાખ રૂપિયા આપવાનો વિચાર કરીને એ લોકો આવેલા. બાપુજીએ તેમને કહ્યું, ‘વિદ્યાપીઠ ફંડની વાત તો બાજુએ રાખો, અસ્પૃશ્યતા કાયમ રાખવાની શરતે મને કાલે કોઈ હિંદુસ્તાનનુ સ્વરાજ્ય આપે તો તે સુદ્ધાં હું ન લઉં.‘
પેલા બિચારા આવ્યા હતા તેવા ગયા.
-
કાકાસાહેબ કાલેલકર