
બાપુ જેની સાથે વાતચીત કરે તેની રહેણીકરણી, તેનો ધર્મ, તેની રુચિઅરુચિ એ બધાનો બહુ ખ્યાલ રાખતા.
એક દિવસ એક ખ્રિસ્તી ભાઈનો પત્ર આવ્યો હતો. તેમાં તેમણે સ્વદેશી વિશે પ્રશ્ન પૂછ્યો હતો.
બાપુએ જવાબમાં લખ્યું, "સ્વદેશીધર્મ એ બાઇબલના ઉપદેશનું એક અમલી સ્વરૂપ છે. ઇસુ ખ્રિસ્તે કહ્યું છે ને કે પોતાની જાત પર જેટલો પ્રેમ રાખો તેટલો જ તમારા પડોશીઓ પર રાખો. કોઈ માણસ પોતાની પડોશના દુકાનદારને છોડી કોઈ દૂરના દુકાનદાર પાસેથી ખરીદી કરે તો તે પોતાનો પડોશીધર્મ ચૂકીને સ્વાર્થને વશ થઈ એટલે દૂર જાય છે. તેના પડોશીએ પોતાની આજુબાજુના ગ્રાહકોને આશરે જ દુકાન ખોલી હશે ને ? સ્વદેશી ધર્મ કહે છે કે, ‘પડોશીનો તમારા પર અધિકાર છે. તેનો તમે દ્રોહ ન કરશો.‘ "
‘તમારા પડોશી પર પ્રેમ રાખો‘ નો પૂરો અર્થ બાપુનો આ પત્ર વાંચ્યા પછી જ હું સમજ્યો.
- કાકાસાહેબ કાલેલકર