હોમ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ‘કલાપી’
-
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ‘કલાપી’
ગુજરાતી સાહિત્યને પ્રણયના ભીનાશથી રંગનાર યૌવનના રાજીવી કવિ સુરસિંહજીનો જન્મ ઈ. ૧૮૭૪માં થયો હતો. સોળમે વર્ષે લાઠીના આરાજવીએ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા. રમાની સાથે જ દાસી તરીકે આવેલી સાત-આઠ વર્ષની નાની બાલિકા મોંઘીથી રાજવી પ્રભાવિત થઈ ગયા તેને ભણાવી-ગણાવીને મોંઘીમાંથી શોભના બનાવી. જેને એ પોતાની હ્વદયસામ્રાજ્ઞી માનવા લાગ્યા. પ્રેમ અને ફરજ વચ્ચેની યુદ્ધભૂમિના મંથનો તેમના કાવ્યોમાં વ્યક્ત થયાં. કુદરતના ભર્યાભર્યા સૌંદર્ય તેમની સાહિત્યસાધનાને સમૃદ્ધ બનાવી. સિતાર અને બીનની વાદનકલાની તાલીમ અને મિત્રો સાથે અંગત પત્ર વ્યવહાર તેને દુ:ખ વિસરાવવામાં કામ લાગ્યા. છેવટે સૌની સંમતિથી શોભના સાથે લગ્ન કર્યા. કવિ કલાપીએ ‘કલાપીનો કેકારવ’, ‘કાશ્મીરનો પ્રવાસ’, ‘કલાપીની પત્રધારા’, ‘માલા અને મુદ્રિકા’, ‘નારી હ્વદય’ વગેરે સાહિત્યકૃતિઓ ગુજરાતને ચરણે ધરી જેમાં કેકારવના ઘણાં કાવ્યો તો અજર અને અમર થઈ ગયા છે. જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને સ્નેહીનો યોગ કવચિત્ જ થાય. ૧૦-૬-૧૯૦૦ના રોજ ટૂંકી માંદગી ભોગવીને તેઓ અવસાન પામ્યા. એમના અંગતકવિ ‘કાન્તે’ કવિ કલાપીને ‘સુરતાની વાડીના મીઠા મોરલા’ કહીને ઊર્મિસભર અંજલિ અર્પી છે. મધુર રસથી ભર્યા ભર્યા જામ જેવું માત્ર ૨૬ વર્ષનું ટૂંકું આયુષ્ય જીવી જનાર રાજવી કવિ કલાપી એક દંતકથા સમાન જ લાગે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com