-
ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, વિવેચન, અનુવાદો અને સંપાદન જેવા વિવિધ પ્રકારો દ્વારા પોતાની ઝળહળતી પ્રતિભા દાખવનાર સર્જક સુરેશ જોશીનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામે ઈ.સ. ૧૯૨૧માં થયો હતો. એમ.એ. થઈ જીવનભર શિક્ષણકાર્યનો વ્યવસાય સ્વીકાર્યો સાથે સાહિત્યિક વિવેચન ક્ષેત્રે તથા સર્જનક્ષેત્રે તેમણે નવવિકાસની કેડી કંડારી હતી. તેમણે ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનિષા’ અને ‘ક્ષિતિજ’ જેવા સામાયિકોનું સંપાદન કર્યું હતું. સાહિત્યક્ષેત્રે નવોન્મેષ લાવવાના ઉત્સાહે એમની તીવ્ર ત્પતિક્રિયાઓ બની હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ક્રાતિં લાવનાર તરીકે એમનું નામ સર્વદા બોલાયા કરશે. ‘પ્રત્યંચા’,‘નવોન્મેષ’, ‘ઉપજાતિ’ જેવા કાવ્યસંગ્રહો અને ‘છિન્નપત્ર’, ‘કથાચક્ર’, ‘મરણોત્તર’ જેવી નવલકથાઓ આપી છે. દિલ્હીના સાહિત્ય અકાદમીએ આપેલો પુરસ્કાર એમણે અસ્વીકાર કર્યો હતો. એમને નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. નવીન અસ્તિત્વવાદી વિચારધારાના તે પ્રવર્તક હતા. વિદેશી કાવ્યો તથા વાર્તાઓના અનુવાદ પણ તેમણે કર્યા હતા. તા. ૬-૯-૧૯૮૬ના રોજ એમની આંખો સદાને માટે મીંચાઈ ગઈ.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved