સુખની શાસ્ત્રીય વ્યાખ્યા આ પ્રમાણે છે
ડો. બી. જી. ચંદારાણા
મનુષ્યને કઈ ચીજની ઝંખના છે ? આ પ્રશ્નનો જો એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો તે શબ્દ છે – સુખ. કોઈને કુટુંબ સુખ જોઈએ, કોઈને જમીન-મકાનનું સુખ જોઈએ, કોઈને દાંપત્યજીવનનું સુખ જોઈએ, કોઈને શરીરસ્વાસ્થ્યનું સુખ જોઈએ તો કોઈને સંપત્તિનું સુખ જોઈએ. અલબત્ત, આ બધી જ વ્યક્તિગત બાબતો છે. સુખનું સાધન કે સુખનો પદાર્થ ગમે તે હોય પણ દરેકને સુખની ઝંખના છે. વળી, વ્યક્તિએ વ્યક્તિએ સુખની વ્યાખ્યા પણ બદલાતી રહે છે. એક વ્યક્તિને ભોગમાં સુખાનુભવ થાય છે તો બીજી વ્યક્તિને માટે સુખનો પ્રદેશ ત્યાગમાં છે. અલબત્ત સર્વ ભૌતિક સુખોનો ત્યાગ કરનારને મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ ઇષ્ટ હોય છે. તે કક્ષાએ આપણે સુખને બદલે આનંદ શબ્દ પ્રયોજીએ પણ હેતુ તો એક જ છે - સુખની પ્રાપ્તિ. સુખની શાસ્ત્રીય વ્યાખ્યા જ આ પ્રમાણે છે :
અનુકૂલવેદનીયં સુખમ્ ।
જેનાથી ભીતર અનુકૂળ સંવેદના થાય તે સુખ.
આ ર્દષ્ટિએ જોઈએ તો કુંડળીમાં ચોથું સ્થાન – સુખસ્થાન સૌથી વધુ મહત્વનું બની રહે છે.
સુખનું કારણ છે મન. તે અંગે શાસ્ત્રવચન છે : ‘મન : એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ‘ મન જ મનુષ્યના બંધનમોક્ષનું (સુખ-દુઃખનું) કારણ છે. મન માટે મહત્વનો ગ્રહ છે ચંદ્ર. સુખસ્થાનના બળની સાથે ચંદ્રની સ્થિતિ પણ જોવી જોઈએ.
જાતકની કુંડળીમાં જો ચોથા સ્થાન અને ચંદ્રનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો મનુષ્યનાં જીવનનાં સુખ-દુઃખ માટે કારણભૂત એક મહત્વનું પરિબળ હાથવગું બને.
સુખસ્થાનનું બળ જોવા માટે નીચેના મુદ્દાઓ મહત્વના છે :
(૧) ચોથા સ્થાનમાં કઈ રાશિ છે ?
(૨) ચોથા સ્થાનનો અધિપતિ કોણ છે ?
(૩) ચતુર્થેશ ક્યાં છે ?
(૪) ચોથા સ્થાનમાં કોઈ ગ્રહ છે કે કેમ ? જો હોય તો તે ગ્રહ ક્યા સ્થાનનું આધિપત્ય ધરાવે છે.
(૫) ચોથા સ્થાન પર કોઈ ગ્રહની ર્દષ્ટિ છે કે કેમ ?
(૬) ચતુર્થેશ ગ્રહ ઉચ્ચનો છે, નીચેનો છે, સ્વગૃહી છે ?
(૭) ચોથા સ્થાનની આજુબાજુનાં સ્થાન – (ત્રીજું સ્થાન અને પાંચમું સ્થાન)ની શું સ્થિતિ છે ? તેમાં કોઈ ગ્રહ છે કે કેમ ?
આટલા મુદ્દાઓને આધારે ચોથા સ્થાનનું બળાબળ નક્કી કરવું.
ત્યાર બાદ ચંદ્રનું બળાબળ જોવું. તે માટે નીચેના મુદ્દાઓ લક્ષમાં લેવા :
(૧) ચંદ્ર કેટલા અંશનો છે ?
(૨) ચંદ્ર કયા સ્થાનમાં છે ?
(૩) ચંદ્ર ક્યા સ્થાનનો માલિક થયો છે ?
(૪) ચંદ્ર ક્યા ગ્રહની યુતિમાં કે ર્દષ્ટિમાં છે ?
(૫) ચંદ્ર ઉચ્ચનો છે, નીચનો છે, સ્વગૃહી છે ?
(૬) ચોથા સ્થાન સાથે ચંદ્ર કોઈ પણ રીતે સંબંધ ધરાવે છે કે કેમ ?
આ પ્રમાણે ચોથા સ્થાનનો અને ચંદ્રનો અભ્યાસ કર્યા પછી મનુષ્યના સુખની માત્રાનું સચોટ તારણ નીકળી શકશે. અહીં એક વાત નોંધવી રસપ્રદ બનશે કે :-
(૧) જો જાતકનું ચોથું સ્થાન બળવાન હશે તો તે જાતક પાસે સુખનાં સાધનો વિપુલ માત્રામાં હશે, પણ જો તેનો ચંદ્ર નિર્બળ કે દૂષિત હશે તો તેના મનને શાંતિ કે સંતોષ નહીં હોય.
(૨) તેનાથી ઊલટું, જો ચોથું સ્થાન નબળું હશે, પણ ચંદ્ર બળવાન હશે તો તે જાતક પાસે સુખની સામગ્રી ભલે અલ્પ હશે, છતાં તેના જીવનમાં, તેના મનમાં સુખ-શાંતિ-સંતોષ હશે.
(૩) જે જાતકનું ચોથું સ્થાન સુધરેલું હશે અને ચંદ્ર પણ બળવાન હશે તેની સ્થિતિ શુચીનાં શ્રીમંતાં ગેહે..... એ ગીતાવચન જેમ બન્ને રીતે સારી હશે. તેની પાસે ભૌતિક સુવિધાની વિપુલતા હશે અને તેનું મન પણ સંતુષ્ટ, શાંત, સુખાનુભવી હશે.
(૪) જો જાતકનું ચોથું સ્થાન અને ચંદ્ર બન્ને દૂષતિ હશે તો તે બન્ને રીતે દરિદ્ર હશે. ભૌતિક સુવિધાઓથી વંચિત તે જાતક મનથી પણ કાયમ દુઃખી જ રહેવાનો.
આટલી શાસ્ત્રીય ભૂમિકા સાથે અભ્યાસાર્થે બે-ત્રણ કુંડળીઓ જોઈએ :
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
લ. ૫
સૂ. ૫
ચં. ૭
મં. ૬
બુ. ૮
ગુ. ૬
શુ. ૭
શ. ૪
રા. ૪
કે. ૧૦
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિશ્વવિખ્યાત ચિંતક, સંસ્કૃત અને તત્વજ્ઞાનના મહાન જ્યોતિર્ધર ડૉ. રાધાકૃષ્ણનના સફળ જીવન વિશે સૌ કોઈ પરિચિત છે. તેમના ચોથા સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે, જેનો અધિપતિ મંગળ બીજા ભાવમાં કન્યા રાશિમાં છે અને બીજાનો અધિપતિ બુધ ચોથા સ્થાનમાં છે. આમ ચોથું સ્થાન મંગળ બુધના પરિવર્તનયોગને કારણે અત્યંત બળવાન બન્યું છે. ચતુર્થેશ મંગળ જેની યુતિમાં છે તે ગુરુ મંગળનો મિત્ર ગ્રહ છે. ચોથા સ્થાનની એક તરફ એટલે કે ત્રીજે ચંદ્ર અને સ્વગૃ્હી શુક્ર છે. તો બીજી તરફના પાંચમાં સ્થાને મંગળની ચતુર્થ ર્દષ્ટિ પડતાં તે સ્થાન પણ શૂન્ય નથી રહેતું. ચંદ્રને સ્વગૃહી શુક્રની યુતિનું બળ મળ્યું છે. આમ ચોથા સ્થાનનું બળ અને ચંદ્રની સારી સ્થિતિ ડૉ. રાધાકૃષ્ણનના સુખી-સફળ જીવન સાથે સુસંગત બની રહે છે. અલબત્ત, ચંદ્રનું બારમા સ્થાનનું આધિપત્ય અને બારમા ભાવે ચંદ્રના ઘરમાં શનિ-રાહુની સ્થિતિએ જેટલા પ્રમાણમાં ચંદ્રને દુષતિ કર્યો છે તેટલા જ પ્રમાણમાં તેની અસર ડૉ. રાધાકૃષ્ણનના ભીતરી વ્યક્તિત્વમાં હતી જ. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ-ચિંતક ઉમાશંકર જોશીએ નોંધ્યું હતું : ‘બુદ્ધ બનવા સર્જાયેલ આ મહામાનવ (ડૉ. રાધાકૃષ્ણન) એક રાષ્ટ્રપતિ બનીને રહી ગયા.‘
મહાન ફિલ્મસર્જક વ્હી. શાંતારામની જન્મકુંડળી નીચે મુજબ છે :
લ. ૯
સૂ. ૮
ચં. ૧૧
મં. ૯
બુ. ૯
ગુ. ૯
શુ. ૯
શ. ૯
રા. ૭
કે. ૧
કલાત્મક ફિલ્મોના મહાન સર્જક વ્હી. શાંતારામ એક સફળ અને સમૃદ્ધ જીવન જીવી ગાય. તેમના ચોથા સ્થાનમાં મીન રાશિ છે, જે પોતે જ શુભ છે. તેનો અધિપતિ ગુરુ લગ્ને સ્વગૃહી (ધન રાશિમાં) છે. લગ્ને મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિની વીરલ કહી શકાય એવી યુતિ છે, જે ચતુર્થેશ ગુરુને કારણે સંયુક્ત પણ પરોક્ષ રીતે ચોથા સ્થાનની શક્તિને પ્રબળ બનાવે છે. ચોથા સ્થાનની એક તરફ (ત્રીજા સ્થાને) ચંદ્ર છે, તો બીજી તરફ (પાંચમાં સ્થાને) કેતુ છે, જેને જ્યોતિષશાસ્ત્રના તજજ્ઞો ગુરુ જેવો ગણે છે. લગ્નમાં રહેલો મંગળ તો ચોથા સ્થાનને ચતુર્થે ર્દષ્ટિએ જુએ જ છે. મંગળ અને ગુરુ પરસ્પર મિત્ર ગ્રહો હોવાથી આ મિત્રક્ષેત્રી ર્દષ્ટિ પણ ચોથા સ્થાનને બળ આપનારી છે. લગ્ને શનિ-મંગળની હાજરી દાંપત્યજીવનનાં વિક્ષેપોની સૂચક છે, મંગળ – શુક્ર યુતિ પ્રેમલગ્ન દર્શાવે છે, તે એક અલગ વિષય છે.
તા. ૧૯-૧૨-૧૯૪૧ના રોજ જન્મેલા એક સફળ ડૉકટરની કુંડળી :
લ. ૬
સૂ. ૯
ચં. ૯
મં. ૧૨
બુ. ૮
ગુ. ૨
શુ. ૧૦
શ. ૨
રા. ૫
કે. ૧૧
ચતુર્થ સ્થાને શુભ રાશિ ધન છે. તેમાં ચંદ્રનો નિવાસ છે અને ચતુર્થેશ ગુરુ ભાગ્ય ભુવનમાં રહેલ છે. ચોથા સ્થાનની એક તરફ (ત્રીજે) બુધ છે. તો બીજી તરફ (પાંચમે) શુક્ર છે, જે પોતાના મિત્રગ્રહ શનિના ઘરમાં (મકરમાં) બેઠો છે. આમ ચોથું સ્થાન બળવત્તર બન્યું છે. મન અને તનથી તંદુરસ્ત આ ડૉકટરની પ્રેક્ટિસ તો સારી છે જ, ઉપરાંત સમાજસેવાનાં કાર્યોમાં તેમ જ વિનામૂલ્યે યોજાતા દર્દ-નિદાન-ઉપચારના શિબિરોમાં પણ તેઓ પોતાની સેવાઓ આપે છે. તેમનું જીવન ભર્યુંભર્યું, યશપૂર્ણ અને આનંદમય છે. પ્રબળ બનેલ ચોથું સ્થાન અને ગુરુના ઘરનો, ચોથા સ્થાને રહેલો ચંદ્ર – આ બન્નેની શુભ અસર આ ડૉકટરના જીવનમાં ચરિતાર્થ બની છે.
જ્યોતિષશાસ્ત્રના આચાર્યોએ યોગ્ય રીતે જ ચોથા સ્થાનને સુખસ્થાન કહ્યું છે.