ડો. રમેશભાઇ ભયાણી
ર૦મી સદીની મહાન ઘટનાઓમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ‘‘અંતરીક્ષ યુગની છલાંગ’’. આજ માનવીએ અંતરીક્ષ યુગમાં પ્રવેશ કરેલો. આપણા પુરાતન કાળમાં અંતરીક્ષ અંગેની ઘણી વાતો છે જેમ કે મહાભારત યુધ્ધ દરમિયાન ભીમે હાથીને અવકાશમાં મોકલી આપેલો, પરંતુ વાસ્તવિક રીતે ૪થી ઓકટોબર ૧૯૫૭માં સ્પુતનિક-૧ને અવકાશમાં મોકલીને ઇતિહાસ રચાયો. આ દિવસે વિશ્ર્વના લોકોને ખબર પણ નહોતી, તેઓ તો પોતાના કામોમાં રચ્યાપચ્યા હતા. ત્યારે ૪થી ઓકટોબર ૧૯૫૭ના રોજ સ્પુતનિક-૧ને અવકાશમાં છોડવામાં સફળતા મળી. આ વર્ષે તેમની ૫૦મી વર્ષગાંઠ છે.
સ્પૂતનિક-૧ યાન એ રાત્રિના દરેક લોકો દૂરબીન વડે જોઇ શકતા હતા, કારણ કે રાત્રિના સમયે સૂર્યના કિરણો દ્વારા ઝગમગ થતો હતો. ઉપરાંત તેમાંથી પ્રસારિત થતા રેડિયો સંકેતોને પૃથ્વી પરના ઘણા કેન્દ્રો દ્વારા ઝીલવામાં આવેલા. તેની પ્રસારીત થતી આવૃતિઓ ર૦ થી ૪૦ માઇક્રોહટઝ હતી. એટલું જ નહીં પરંતુ જેમણે આવૃતિ ‘‘બીપ-બીપ’’ સ્વરૂપમાં તેનો અવાજ સાંભળ્યો તેઓ ગૌરવ અનુભવતા, જયારે સમગ્ર વિશ્ર્વમાં સ્પૂતનિકના આ ધ્વનિને ટેલિવિઝન ઉપર પ્રસારિત કરવામાં આવેલ ત્યારે સૌનું ધ્યાન તે તરફ દોરાયું હતું.
આ સ્પૂતનિક-૧નું વજન ૮૩.૬ કિ.ગ્રા. જેટલું હતું. આજે તો અવકાશમાં એક ટન કરતા પણ વધુ વજન ધરાવતા અવકાશયાનો પૃથ્વીની આસપાસ તથા અવકાશમાં પરિભ્રમણ કરી રહ્યા છે. પરંતુ સ્પૂતનિક-૧ની વિશિષ્ટતા એ હતી કે પ્રથમ વખત માનવ નિર્મિત અવકાશયાન પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં સફળતા મળી હતી જેને કારણે એક ઇતિહાસ રચાયો.
રશિયાએ આ અવકાશયાનનું નામ સ્પૂતનિક રાખેલું તેનો અર્થ રૂસી ભાષામાં ‘સહયાત્રી’ થાય છે. પરંતુ માનવનિર્મિત આ અવકાશયાન એકલું યાત્રા કરવામાં નીકળી પડયું હતું. સ્પૂતનિક-૧ ની યાત્રા પહેલાં ૧૯૫રમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક યુનિયનના સંગઠનની એક સભામાં ૧ લી જુલાઇ ૧૯૫૭થી ૩૧મી ડિસેમ્બર ૧૯૫૮ દરમિયાન આંતરરાષ્ટ્રીય ભૂ – ભૌતિક વર્ષ ઉજવવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ સમય દરમિયાન સૂર્યની ગતિવિધિઓ ચરમ સીમા પર હશે. ઓકટોબર ૧૯૫૪માં આજ સંગઠને એવો પ્રસ્તાવ પસાર કરેલો કે આંતરરાષ્ટ્રીય ભૂ – ભૌતિક વર્ષના સમય દરમિયાન અંતરીક્ષમાં ઉપગ્રહ મોકલીને પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે. તે ઉપરાંત ૧૯૫૫ અને ડિસેમ્બર ૧૯૫૮ની વચ્ચે સૂર્ય કલંકોની પૃથ્વી પર થતી અસરો તેમજ સૂર્યચક્રની સંપૂર્ણ જાણકારી એકઠી કરવા માટે વિશ્ર્વના વૈજ્ઞાનિકોની મદદ મેળવવામાં આવે.
આ પડકારને અમેરિકાએ સ્વીકાર કરી માનવનિર્મિત કૃત્રિમ ઉપગ્રહ મોકલવાની ર૯મી જુલાઇ ૧૯૫૫માં ઘોષણા કરી. એ જ સમય દરમિયાન રશિયાની વિજ્ઞાન અકાદમીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેના સંગઠનની રચના કરી જે રશિયન ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવાની તેમજ તેના પ્રવાસ અંગે સંશોધન કાર્ય શરૂ કરે.
આંતરરાષ્ટ્રીય ભૂ – ભૌતિક વર્ષ માટે સ્પેનના બાર્સેલોનો ખાતે એક સંમેલન આયોજિત કરવામાં આવેલ તેમાં ૧૧મી સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ આ બેઠકમાં રશિયન વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય ભૂ – ભૌતિક વર્ષ દરમિયાન ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલશે.

અંતરીક્ષમાં ઉપગ્રહને મોકલવા માટે એક સક્ષમ રોકેટની જરૂર પડવાની હતી જેથી ઉપગ્રહને પૃથ્વીથી નિશ્ર્ચિત અંતરે કે કક્ષામાં પહોંચાડી શકાય. તેમણે આર-૭ નામના રોકેટનો ઉપયોગ કરવાનું નકકી કર્યું. આ રોકટની ચારે બાજુ ચાર ભાલ જેવા બુસ્ટર રોકેટ લગાડવામાં આવ્યા હતા. મુખ્ય રોકેટની લંબાઇ ૩૪ મીટરની હતી. તેનું વજન ર૭૪ મેટ્રિક ટન હતું. આર – ૭ને મોકલવા માટે જે ધકકો પેદા કરવાનો હતો તે ૩૯૦૪ કિલો ન્યૂટન જેટલો હતો. તેના બુસ્ટર રોકેટોને શકિત આપવા માટે આરડી-૭ એન્જીન લગાડવામાં આવ્યા હતા. તેમાં કેરોસીન તેમજ પ્રવાહી ઓકિસજનનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવેલ. આર-૭ રોકેટનો ઉપયોગ તો પરમાણુ બોમ્બનો મારો ૮૦૦૦ કિ.મી. દૂર સુધી કરી શકાય તે માટે બનાવવામાં આવ્યું હતું.
૩૧મી મે ૧૯૫૫ના રોજ સોવિયત સરકારે કઝાકિસ્તાનમાં ટાયૂરેટમ નગરની પાસે રોકેટ છોડવાનું મથક ઉભું કરવાનું નક્કી કરવામાં આવેલ. ત્યાંના રેલવે સ્ટેશનનું નામ તાશ્કંદ-૫૦ રાખવામાં આવેલ. ત્યારબાદ ત્યાં બેકાનૂર અંતરીક્ષ મથકની સ્થાપના કરવામાં આવેલ.
૪થી માર્ચ ૧૯૫૭માં આર-૭ રોકેટનું લોન્ચીંગ પેડ તૈયાર કરવામાં આવેલ. શરૂઆતમાં આ રોકેટને સફળતા ન મળી પરંતુ સોવિયત અંતરીક્ષના જનક સર્જેઇ પાવલોવિચ કરોલેવે સર્વેને હિંમત આપી. આથી તેમને ર૧મી ઓગસ્ટ ૧૯૫૭માં આર – ૭ રોકેટને સફળતા મળી. કૃત્રિમ ઉપગ્રહની બીજી બાજુ તૈયારી કરવામાં આવી તે જૂન ૧૯૫૭માં તૈયાર થઇ ગયેલ. કોસ્મોનો ટિકસકે જનક કોસ્તાંતિન ત્સિઓલ્કોવસ્કની ૧૦૦મી વર્ષગાંઠ ૧૮મી સપ્ટેમ્બર ૧૯૫૭ આવતી હોવાથી તે જ દિવસ ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલાવવાનું નકકી કર્યું પરંતુ સફળતા ન મળી. આથી રશિયાના ક્રાંતિ દિવસે યાન મોકલવાનું નકકી કરવામાં આવ્યું. ૩જી ઓકટોબર ૧૯૫૭ના રોજ તૈયારી સંપૂર્ણ થઇ ગઇ. ૪થી ઓકટોબર ૧૯૫૭ના રોજ મોસ્કોના સમય અનુસાર રાત્રિના ૧૦ કલાક ર૮ મિનિટ અને ૪થી સેકન્ડે આર-૭ રોકેટ છોડવામાં આવ્યું અને વૈજ્ઞાનિકોની ધારણા અનુસાર ઉત્તર-પૂર્વના આકાશના અંધકારમાં ચાલ્યું ગયું. આર-૭ રોકેટની આ પાંચમી ઉડાન હતી. શરૂઆતમાં કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કોઇ સિગ્નલ મળ્યા નહીં પરંતુ દોઢ કલાક પછી પૃથ્વી પરના નિયંત્રણ કેન્દ્રમાં રેડિયો સિગ્નલ મળ્યા અને બીપ-બીપ અવાજ સાંભળવા મળ્યો. વૈજ્ઞાનિકોના હર્ષનો કોઇ પાર નહોતો. અંતરીક્ષના આ મહાઅભિયાનનું પહેલું પગથિયું હતું. તેના સોવિયત રશિયાના વૈજ્ઞાનિકોએ કામયાબી મેળવી લીધી.
આ રીતે સ્પૂતનિક-૧ ૮૩.૬ કિ.ગ્રા. વજનનો ૬૫.૧ ડીગ્રીના ખૂણે પૃથ્વીથી રર૮ થી ૯૪૭ કિ.મી. ની કક્ષામાં દર કલાકે ર૮૦૦૦ કિ.મી. ઝડપથી પરિભ્રમણ કરતાં તરતા મૂકવામાં આવ્યો જેમણે ર૧ દિવસ સુધી અંતરીક્ષમાં કાર્ય કર્યું.
અવકાશ ક્ષેત્રે પ્રથમ સોવિયત યુનિયન સફળ રહ્યું. ત્યારબાદ ૧૯૫૮ એકસપ્લોરર-૧ ૧૯૫૮માં છોડીને અમેરિકાસફળ રહ્યું. ૧૯૬૫માં ફ્રાન્સે એસ્ટ્રીકસ ઉપગ્રહ છોડયો. ૧૯૭૦માં જાપાને ઓસુમિ ઉપગ્રહ છોડયા. ચીને પણ આ જ વર્ષમાં ડોન્ગ ફેંગ હોન્ગ-૧ છોડયું. યુનાઇટેડ કિંગ્ડમે ૧૯૭૧માં પ્રોપરો એકસ-૩, ૧૯૮૧માં ભારતે રોહિણી ઉપગ્રહ છોડયો તેમજ ઇઝરાયલે ૧૯૮૮માં ઓફેકયુ-૧ છોડીને કામયાબી મેળવી. વિશ્ર્વના આઠ દેશોએ આ સફળતા મેળવી છે.
આજે તો અંતરીક્ષ ક્ષેત્રે પૃથ્વીના માનવીએ ચંદ્રની ધરતી પર સમાનવયાન મોકલી કામયાબી મેળવી છે. તેમજ મંગળના ગ્રહ પર યાનો ઉતારી ત્યાંની વિશિષ્ટ જાણકારી મેળવી છે. શુક્ર, ગુરુ, છેટે પ્લુટો સુધી યાનો મોકલ્યા છે. અંતરીક્ષ મથક ‘મીર’ તેમજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકોએ આટલા વર્ષો સુધી કાર્યરત રહી અંતરીક્ષ ક્ષેત્રે બ્રહ્માંડના વિવિધ પ્રકારના અભ્યાસ થઇ શકયા છે.
ભારત પણ ર૦૦૮માં ચંદ્રયાન-૧ મોકલી અંતરીક્ષ ક્ષેત્ર એક નવા પરિમાણો પ્રાપ્ત કરશે. ભારતે અંતરીક્ષ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. તેમજ વિવિધ દેશોના ઉપગ્રહો આપણો નિર્મિત કરેલ રોકેટો દ્વારા અંતરીક્ષમાં મોકલવાની કલા હસ્તગતકરી છે. પરંતુ પાયામાં સ્પૂતનિક-૧ ની સફળતા હતી. આ માટે સફળ થયા તે સર્વે રશિયન વૈજ્ઞાનિકોને સલામ.