ડૉ. સંજય પોપટ
* એઈડ્સ શેનાથી થાય છે ?
H.I.V. વાયરસ એઈડ્સ કરે છે. વાયરસોમાં HUMAN RETROVIRUS વિભાગમાં તેનો સમાવેશ થાય છે. જેમાંનું એક કુટુંબ LENTIVIRUS કહેવાય છે. H.I.V. વાયરસ તેનું સભ્ય છે.
* H.I.V. નો ચેપ શી રીતે લાગી શકે છે ?
H.I.V. નો ફેલાવો થવાના રસ્તા નીચે પ્રમાણે છે.
-શારીરિક જાતીય સંબંબ દ્વારા.
-રોગીષ્ઠ સગર્ભા સ્ત્રીથી તેના બાળકને. (સગર્ભાવસ્થા અથવા પ્રસુતિ દરમિયાન, સ્તનપાન દ્વારા) લોહી દ્વારા.
* એઈડ્સ એટલે શું ?
AIDS ઊર્ફે ACQUIREDIMMUNODEFICENCY SYNDROME.
આ રોગમાં HUMANIMMUNODEFICIENCY VIRUS (H.I.V.) નામના વિષાણુઓનો ચેપ લાગે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિને ધીરેધીરે નબળી પાડી નાંખે છે અને તે ત્યાં સુધી કે સામાન્યતઃ જે ચેપની અસર તંદુરસ્ત માણસને કંઈ ના કરી શકે તે ચેપ એઈડ્સના રોગીને ગંભીર જીવલેણ નીવડી શકે છે.
* એઈડ્સ છે કે નહીં એ શી રીતે ખબર પડે ?
-એઈડ્સ વાયરસનો ચેપ લાગ્યા પછી પૂરેપૂરો રોગ થઈને તેનું નિદાન થાય ત્યાં સુધીમાં સરેરાશ આઠ થી દશ વર્ષનો સમય નીકળી જાય છે.
-એઈડ્સ થયાની શંકા ઊભી થતાં તેનું નિદાન નીચે પ્રમાણેના લક્ષણો દ્વારા થાય છે.
-૩ મહિના કરતાં વધારે સમયથી રહેતી ઝાડાની તકલીફ, જે યોગ્ય દવાઓ કરવા છતાં મટતી ન હોય.
-એક મહીના કરતાં વધુ સમયથી સતત આવતો તાવ.
-છેલ્લા ૩ મહિનામાં કોઈપણ સ્પષ્ટ કારણ વગર શરીરનું વજન ૧૦ ટકા કરતાં વધુ માત્રામાં ઓછું થાય.
-૩ મહિના કરતાં વધારે સમયથી ખાંસી, શ્વાસની તકલીફ રહ્યા કરે, જે દવાઓને મચક ના આપતી હોય.
-નબળાઈ-જલદી થાકી જવું, બેચેની લાગવી, રાત્રે ઉંઘમાં પરસેવો થવો.
-લિમ્ફનોડ નામની ગ્રંથીઓ માટી થઈ જાય. તે ગળામાં, બગલમાં ગાંઠો તરીકે દેખાય અને લાંબા સમય સુધી મટે નહીં.
-કેન્ડીડા નામની ફૂગનો ચેપ લાંબા સમય સુધી રહ્યા કરે અને સામાન્ય દવાઓથી મટે નહીં. -આ ફુગના ચેપથી મોંઢામાં ચાંદાઓ પડે, ચામડી લાલ થઈને ઓળી પડી જાય, મોંઢામાં સફેદ છારી રહ્યા કરે, શરીરે ચાઠાં પડીને ખંજવાળ આવ્યા કરે.
-માનસિક ક્ષમતામાં ઘટાડો થાય. દર્દીનો સ્વભાવ ભૂલકણો થઈ જાય, સામાન્ય બાબતોમાં સમજણ ઓછી થવા માંડે, મગજ નબળું પડવા માંડે.
* શું HIV એટલો ચેપી રોગ છે કે HIVવાળા વ્યક્તિ સાથે સામાન્ય વ્યવહારો પણ ના કરાય?
અત્યારના સંશોધનો એવું પુરવાર કરે છે કે HIV એટલો ચેપી નથી કે જેથી HIV ગ્રસ્ત વ્યક્તિ સાથે સામાન્ય વ્યવહાર પણ ના કરાય. HIV શરદીની જેમ હવાથી કે પછી સામાન્ય શારીરિક સંસર્ગ જેમકે હસ્તધૂનનથી યા ભેટવાથી વગેરેથી નથી ફેલાતો. HIVવાળા વ્યક્તિની જોડે એક ઘરમાં રહેવાથી HIV ફેલાતો નથી. જાહેર સ્થળોએ (જેમ કે સ્કુલ, થીયેટરો, બાગ, સ્વીમીંગ પુલ વગેરેમાં) HIVગ્રસ્તને જતાં રોકવાની સલાહ તબીબ નિષ્ણાતો પણ નથી આપતાં.