-
આચાર્ય શ્રી અહંકારકેસરી પ્રખર પંડિત હતા. વિદ્વદ્ચર્ચામાં એમની સામે કોઈ ટકી ન શકતું. જ્ઞાનનો એ ભંડાર હતા. ભાષા પર એમનો જબરો કાબૂ હતો. ચર્ચા કરવા આવનાર વિદ્વાન એની પોથીઓ મુકીને નાસી જતો. રાજાએ અહંકારકેસરીને રહેવા માટે સુંદર આવાસ આપ્યો હતો. આવાસ સાથે મોટું ઉદ્યાન હતું. જેમાં જાતજાતની વેલ, ફૂલ અનેફળ થતાં. એક દિવસ આચાર્ય ભોજન લીધા પછી ઉદ્યાનમાં ટહેલવા નીકળ્યા. વેલ, ફૂલ અને ફળ જોઈ તે ખુશખુશાલ થઈ ઉઠયા. પાતળી એવી વેલો પર મોટાં મોટાં તરબૂચ હતાં. મોટાં નાળિયેર હતાં. ફરતાં ફરતાં આચાર્ય વડના વિશાળ વૃક્ષ પાસે આવ્યા. ઘેઘૂર વડલા નીચે શીતળ છાંયડો હતો. વડ હેઠળ બાંકડો હતો તેના પર આચાર્ય બેઠાં તેમને નિંદ્રાના ઘેન જેવું લાગ્યું. એમણે બાંકડા પર લંબાવ્યું. એમની નજર વડના નાના ટેટા પર પડી.
ઊંઘ આવે એ પહેલાં આચાર્ય વિચારે ચડી ગયા. તેમને લાગ્યું કે આ ઈશ્વર પણ વિચિત્ર છે. તેની સૃષ્ટિમાં શાણપણ જણાતું નથી. આ પાતળી વેલ પર મોટાં તરબૂચ, પાતળા ઝાડ પર મોટાં નારિયેળ અને ઘટાદાર મોટા ઝાડ પર સફરજન, સંતરાં, ચીકુ જેવાં નાનાં નાનાં ફળ. આશ્ચર્યની સીમા તો જુઓ આટલા વિશાળ ફેલાયેલા, વડવાઈઓવાળા વડ પર નાનકડા ટેટા ! ખરેખર, ઈશ્વરે સરખો વિચાર કર્યા વગર સૃષ્ટિ રચી છે.
વિચાર કરતાં કરતાં આચાર્યની આંખ લાગી ગઈ. એ ઘસઘસાટ સૂઈ ગયા. થોડા સમય પછી વડ પરથી એક ટેટો ટપ દઈને આચાર્યના માથા પર પડયો. આચાર્ય જાગી ગયા. તેમને વિચાર આવ્યો ટેટાને બદલે નારિયેળ કે તરબૂચ પડયું હોત તો ! તેમનું માથું ફાટી ગયું હોત. છાંયડો આપતાં ઘટાદાર વૃક્ષોને નાનાં ફળ છે તે સારું છે. ખરેખર ઈશ્વરે સમજપૂર્વક સૃષ્ટિની રચના કરી છે.
ઈશ્વરની રચના સમજવામાં ઉતાવળે નિર્ણય ન બાંધવો. ઈશ્વરે સમજીવિચારીને સૃષ્ટિની રચના કરી છે. દરેક રચના પાછળ ચોક્કસ પ્રયોજન છે. એ પ્રયોજન ન સમજાય ત્યાં સુધી અજ્ઞાની મનુષ્ય ઈશ્વરની ટીકા કરે છે. ઈશ્વરની લીલા સમજાય ત્યારે ઈશ્વરને સર્વશકિતમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી અને કલ્યાણકારી માની મનુષ્ય તેને પૂજે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2010 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com