
વર્ષાઋતુના આગમન સાથે જ ત્વચા અને વાળની મોસમને લગતી સમસ્યાઓ શરૂ થઈ જાય છે, પરંતુ માત્ર થોડીક મહેનત અને તમારા બ્યુટી રૂટીનમાં થોડીક અદલાબદલીથી તમે આ મોસમ પણ આસાનીથી પસાર કરી શકશો.
ત્વચાનું જતન : વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાથી ત્વચા ખૂબ જ ચીકણી લાગે છે. વરસાદનું પાણી એ ઉત્તમ સ્ક્રીન કલીન્ઝર છે કારણ કે એ પાણીનું સૌથી શુદ્ધ સ્વરુપ છે.
આ પાણી ચહેરા ઉપર છાંટો, તમારી ત્વચા ખૂબ લુખ્ખી હોય તો એકઠાં કરેલાં વરસાદના પાણીમાં થોડાક ટીપાં મોઈશ્ચરાઈઝર ઉમેરી એને ચહેરા ઉપર લગાવો. તમારો ચહેરો નવી તાજગીથી ચમકી ઉઠશે.
તમે છીણેલાં તાજા નાળિયેરનું દૂધ કાઢી એમાં એક ચમચી સફેદ વિનેગર ઉમેરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન ઉપર અપવર્ડ મૂવમેન્ટમાં ઘસો ત્યાર પછી ભીના રૂથી ચહેરો લૂછી નાખો. પાણી છાંટો અને ચહેરો કોરો કરો. આ કલીન્ઝર આ ઋતુમાં ખૂબ લાભદાયક એટલા માટે છે કે ચહેરાની વધુ પડતી ચીકાશ અને પરસેવાને કારણે ચહેરો વધુ ગંદો થાય છે જેને આ કલીન્ઝર સાફ કરે છે. દિવસ દરમિયાન ચહેરો ચીકણો બનાવે એવા મોઈશ્ચરાઈઝર ન લગાવતાઉ રાતે સૂતી વખતે નાઈટ ક્રીમ લગાવો. ૧૦-૧૫ બદામ વાટી એમાં એક ચમચી દૂધનો પાઉડર અને એક ચમચી ગુલાબ જળ ઉમેરો. આ ત્રણેય સામગ્રી સારી રીતે મિક્સ કરી એને મસાજ કરતા હોય એ રીતે ચહેરા ઉપર લગાવો ૧૦ મિનિટ રહેવા દઈ ચહેરો ધોઈ નાખો.
આ તો આ મોસમમાં સૂર્યનાં કિરણો એટલાં બધાં પ્રખર હોતાં તેમ છતાં સૂર્ય કિરણોથી ત્વચાનું રક્ષણ કરવું જરૂરી બને છે. માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ. તમે અહીં આપેલો પેક પણ દર અઠવાડિયે ચહેરા ઉપર લગાવી શકો છો.
અડધી ચમચી ગલગોટાના પાન અને એક ચમચી ફુદીનાનો તાજો રસ લઈ એમાં પાણી ઉમેરો. આ સામગ્રી ક્રશ કરી એની પેસ્ટ બનાવો. ૧૦ મિનિટ રહેવા દઈ ધોઈ નાખો.
મેક અપ : આ મોસમમાં શક્ય એટલો ઓછો મેકઅપ કરો. ફાઉન્ડેશન ન લગાવો. તમે માત્ર ટ્રાન્સલ્યુલેટર પાવડર લગાવો, આંખ આસપાસ ધબ્બા ન પડે માટે વોટરપ્રુફ આઈલાઈનર અને મસ્કરા કરો.
લીક્વીડ પેઈન્ટેડ બીદી કે આંખમાં કાજલ આ મોસમમાં ન કરો. વરસાદને કારણે નિસ્તેજ લાગતા દિવસમાં થોડાક રંગ પૂરવા, તેજસ્વી રંગોના વસ્ત્રોનો આશરો લો. દિવસ દરમિયાન તાજા રહેવા મંદ મંદ તીખી સુવાસ ધરાવતું ડિઓડરન્ટ વાપરો.
હેરસ્ટાઈલ : વરસાદમાં પલળેલા વાળ ચીકણા લાગતા હોવાથી વાળમાં હેરસ્પ્રે કે લેકર્સનો ઉપયોગ ન કરો. રોજ રાતે પાંચ મિનિટ માથામાં ડ્રાય મસાજ કરો જેથી માથામાં લોહીનું ભ્રમણ સુધરે અને વાળ ખોડાથી મુક્ત રહે. ગ્રીષ્મના મહિનામાં તમે જેટલા પ્રમાણમાં કંડીશનર વાપરતા હો એનાથી ઓછું કંડીશનર વાપરો અને સૌથી છેલ્લી સલાહ એ કે, વાળ એવી રીતે કપાવો કે એ પલળે તો પણ જલદી કોરાં થાય અને ફરીથી એના શેઈપમાં આવી જાય.
વસ્ત્રો : આ મોસમમાં પોલિએસ્ટર મિક્સ કરેલું કાપડ ઉત્તમ રહેશે. સુતારાઉ વસ્ત્રો ચોળાઈ ગયેલા અને આઉટ ઓફ શેઈપ જણાય છે. અંડર ગારમેન્ટસ કોટન જ શ્રેષ્ઠ રહેશે કે જેથી હવાની સરળતાથી આવનજાવન થાય.
શૂઝ અને ચંપલ : ખુલ્લા ચંપલ કે શૂઝ સારા રહે છે. તમારા પગ ભીનાં થાય તો એને તરત કોરાં કરી લો નહીંતર ભીના પગમાં શૂઝ પહેરશો તો ફંગલ ઈન્ફેકશન થવાની પૂરી શક્યતા છે. ભેજને કંટ્રોલ કરવા આગળીઓ વચ્ચે પાઉડર છાંટો, બહાર ફરવાનું ખૂબ રહેતું હોય તો વરસાદી શૂઝ લઈ લેવા સારા. એ આ મોસમ માટે ઉત્તમ છે.