
સીંદુરી વરણીના રે, સૂરજ ઉગિયા રે.
ચાંપલિયા વરણી કાંઈ, ચાંદલિયે પ્રેવાસી રે.
વેલ પરવાળડે મોરિયો રે.
વેલ વેડાવો ને, કળિયું ચૂંડાવો રે.
હાર ગૂંથાવો રે, રાણી રન્નાદેનો રે.
રાણી રે રન્નાદે, તમે હાર સોવરાવો રે.
તમ પિયુડો લાલ છડે રમે રે.
લાભ છડે રમે, પાસલા ઢાળે રે.
રતન કચોળડે, દીવા બળે રે.
ઘડિયે ને ઘડિયે કાંઈ ઘડીયાળાં વાગે રે.
પોરે ને બપોરે પ્રભુજીની આરતી રે.
આરતી કીજે રાણી દેવકીજીની કુખે રે.
જેનીય કુંખે રે શ્રી કૃષ્ણ જનમિયા રે.
શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે વસુદેવને કુળ દીવો.
સુભદ્રા બાઈનો વીરો રે સદાય સોહામણો રે.
હું તમ પૂછું છું વીરાજી વણઝારા રે.
કવણ મારગડે રે, વીરા તમે આવિયા રે.
ગંગાજી નાયા શ્રી જમનાજી ઉતરિયા રે.
ધરમ મારગડે રે, બેની અમે આવિયા રે.